સુરતની ભૂમિ પર કોંગ્રેસનું શામિયાણું: અહેમદ પટેલ+44 MLA માટે થશે ભવ્ય કાર્યક્રમ

13 Aug, 2017
04:00 PM
PC: NMTV

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રસનાં ઉમેદવાર અહેમદ પટેલનો નાટયાત્મક વિજ્ય થયા બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આવનાર દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ સુરતને સેન્ટર બનાવી ભવ્ય કાર્યક્રમ આપવાની તૈયારી કરી રહી હોવાનું કોંગ્રેસનાં આંતરિક વર્તુળોએ માહિતી આપી છે.

જે પ્રકારે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી છે તેને લઈને કોંગ્રેસનાં કાર્યકરોનું મોરલ વધ્યું છે. જોમ અને જુસ્સો વધતા કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા હોવાનું કોંગ્રેસીઓ માની રહ્યા છે. ખાસ કરીને અહેમદ પટેલ સામે છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસી હરીફો દ્વારા દક્ષિણ ગુજરાતને લઈ માછલા ધોતા રહ્યા છે. ચોક્કસ નેતા અને આગેવાનોને જ પાછલા 30 વર્ષથી સ્ટેજની શોભાથી લઈ ટીકીટ વહેંચણી કે હોદ્દાઓમાં મહત્વ આપવામાં આવી રહ્યો હોવાના કારણે કોંગ્રેસનાં સામાન્ય વર્કરોમાં અસંતોષ અને રોષ સતતને સતત વધતો જોવા મળી રહ્યો છે. કાર્યકરોનાં રોષને થાળે પાડવા હવે સુરત પર ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું લાગે છે.

રાજ્યસભામાં વિજયી બન્યા બાદ કોંગ્રેસનાં સંગઠનની બેટરી ફરી ચાર્જ થવાના કારણે અહેમદ પટેલ આવનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીનો પ્રારંભ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતેથી કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. અહેમદ પટેલ ઉપરાંત કોંગ્રેસ માટે રાજકીય જીવ સટોસટની બાજી લગાવીને વોટીંગ કરનાર 44 ધારાસભ્યોનાં ભવ્ય સન્માન સભારંભની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ સુરત ખાતે કરવામાં આવે તેવી શક્યતા વધુ છે. સુરતમાં કાર્યક્રમ કરવા સ્થળ અને તારીખનું એલાન ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શકયતા છે.

કેન્દ્રીય નેતાઓને પણ નિમંત્રણ આપવાની વિચારણા ચાલી રહી છે. કાર્યક્રમની જવાબદારી દક્ષિણ ગુજરાત કોંગ્રેસનાં માથે આવશે એમ મનાય છે. કાર્યક્રમને ભવ્ય ઓપ આપવા માટે કોંગ્રેસ આ વખતે કોઈ પાછીપાની કરશે નહી એવું કોંગ્રેસનાં યુવા નેતાએ જણાવ્યું હતું.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: