26th January selfie contest

જંત્રીનો નિર્ણય હાલમાં મોકૂફ, CMએ આ તારીખથી અમલી કરવાનો લીધો નિર્ણય

PC: dnaindia.com

ગઇ કાલે મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં જંત્રી મામલે બિલ્ડરોના મુદ્દે ચર્ચા થઇ હતી. તો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા હાલમાં જંત્રીદરમાં કરાયેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય લીધો છે. રાજ્યમાં 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલીકરણ હાલપૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી 15 એપ્રિલ 2023થી અમલી કરવામાં આવશે.

ગુજરાતમાં નવા જંત્રીના દર રાતોરાત અમલી બનાવવા સરકારે 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં રહેલી જોગવાઇ મુજબ, રાજ્યમાં જંત્ર દર ડબલ કરી દેવામાં આવ્યો હતો, તેમજ આ દર 5 ફેબ્રુઆરીથી જ અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના એકાએકના આ નિર્ણયના કારણે બિલ્ડરોમાં રોષ સાથે અસંતોષ જોવા મળી રહ્યો હતો. વિવિધ બિલ્ડર એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવારે બેઠક પણ કરવામાં આવી હતી. જો કે બિલ્ડર્સની માગ અંગે વિચારણા કરવા માટે મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીની ખાતરી આપવા છતા કોઇ સમાધાન ન થતા ગઇ કાલે રાજ્યભરમાં દરેક જિલ્લા કલેક્ટરને બિલ્ડર એસોસિયેશન દ્વારા જિલ્લા સ્તરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીજી તરફ સુપરિન્ટેન્ડન્ટ સ્ટેમ્પ ડ્યૂટી સાથે મુખ્યમંત્રીએ ગઇ કાલે બેઠક પણ કરી હતી અને જંત્રીના દર અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આજે સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર સંદેશ આપવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં નવો જંત્રી દર 15 એપ્રિલ 2023થી અમલી બનશે. એ સિવાય હાલપૂરતો નવા દરનું અમલીકરણ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે જંત્રીમાં કરેલા વધારા બાદ ગુજરાતના વિવિધ બિલ્ડર એસોસિએશન એ મુદ્દે સહમત ન હોવાથી સરકાર પોતાનો નિર્ણય બદલે એ મુજબની માગણી લઇને શુક્રવારે ફરી ગાંધીનગર પહોંચ્યું હતું. બપોર બાદ મુખ્યમંત્રી કાર્યલયમાં મુખ્યમંત્રીના મુખ્યઅગ્ર સચિવ કે. કૈલાસનાથન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી તથા નોંધણી સર નિરીક્ષક અને રજિસ્ટ્રાર જેનુ દેવન વચ્ચે એક બેઠક થઇ હતી. શુક્રવારે સવારે અમદાવાદ સહિત અલગ અલગ શહેરોના બિલ્ડરોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં આવેલી નોંધણી સર નિરીક્ષક સાથે મુલાકાત કરીને પોતાના મુદ્દા અંગે ચર્ચા કરી સરકારને આગામી પહેલી એપ્રિલ સુધી નવા જંત્રીદરનો અમલ સ્થગિત કરવા વિનંતી કરી હતી.

આ બેઠક બાદ બિલ્ડરોના એસોસિયેશને જાહેર કર્યું હતું કે આ બેઠકથી તેમને સંતોષ છે અને આગામી સમયમાં સરકાર યોગ્ય નિર્ણય જાહેર કરશે. બિલ્ડર એસોસિયેશને નોંધણી સર નિરીક્ષક સાથે બેઠક કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું 9482 કરોડ રૂપિયાના બજેટને શુક્રવારે AMC ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જે નવા જંત્રીદર લાગૂ કરવામાં આવ્યા છે, એને આગામી ત્રણ વર્ષ માટે AMC દ્વારા લાગૂ નહીં કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી CMને રજૂઆત કરી હતી અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા, જેમાં તેમની પ્રમુખ માગ હતી કે જે જંત્રી વધારવામા આવી છે તેને 1 મેથી લાગૂ કરવામાં આવે. આ ઉપરાંત જંત્રીમાં 100 ટકાના વધારાના બદલે 50 ટકાનો જ વધારો કરાય તેવી રજૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp