26th January selfie contest
BazarBit

CMએ જન્મદિને આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજના 100 કરોડ રૂ. ના ચેકનું વિતરણ કર્યું

PC: khabarchhe.com

ગુજરાત સરકારની એક પ્રેસ રીલિઝમાં કહેવાયું હતું કે, મુખ્યમંત્રીએ રાજકોટ નાગરિક સહકારી બેંકના ઉપક્રમે આયોજિત આ લોન સહાય વિતરણમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા લોકડાઉનમાં આર્થિક નુકસાન સહન કરનારા નાના વેપારી ધંધા-રોજગાર કરનારાઓને આ સહાયથી પહેલા કરતાં સવાયા બેઠા કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આવા નાના કારીગરો ધંધા-વ્યવસાયકારોને પાંચ-પચ્ચીસ હજારની રોકડ સહાય આપી પ્રસિદ્ધિ મેળવી લેનારી આ સરકાર નથી.

આપણે તો નાના પણ મોટા મનના ઈમાનદાર લોકોને આર્થિક રીતે પુનઃબેઠા કરવા તેમની આંગળી પકડીને સ્થિર આવક આપવાની મથામણ આદરી છે એમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ. મથામણના પરિપાકરૂપે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતર્ગત રૂ. 1 લાખ સુધીની લોન આપી રહ્યા છીએ. વિજય રૂપાણી ઉમેર્યુ કે આવા કારીગરો-વ્યવસાયકારોની મહેનત એળે ન જાય, તેમને ધંધા-વ્યવસાય માટે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે અને સ્વમાનભેર લોન સહાય મેળવી ફરી બેઠા થાય તે માટે રાજ્ય સરકાર નાગરિક સહકારી બેંકો દ્વારા રૂ. 1 લાખ સુધીની લોન માત્ર બે ટકાએ આપે છે.

તેમણે રાજકોટ નાગરિક સહકારી બેંક સહિત નાગરિક સહકારી બેંકોએ આ માટે સરકારને આપેલા સહયોગની પ્રશંસા કરતાં કહ્યું કે, 'નાના માણસોની મોટી બેંક નાગરિક બેંકો છે'. તેમાંથી પ્રેરણા લઈ જો મોટી બેન્કો પણ 100 કરોડના આવા લોન સહાયના ટાર્ગેટ સાથે આગળ આવે તો રાજ્યભરમાં 3 હજાર કરોડ રૂપિયાની સહાયથી નાના ધંધા- વ્યવસાયકારોને નવી દિશા મળશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતે કોરોના સંક્રમણ કાળમાં પણ વિકાસ કૂચ જારી રાખીને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું સ્થાન જાળવી રાખ્યું છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે પાંચ લાભાર્થીઓને ગાંધીનગરમાં ટોકન રૂપે આ સહાયના ચેક વિતરણ કર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 196 નાગરિક સહકારી બેંકો, 17 જિલ્લા મધ્યસ્થ બેન્કો અને 169 શરાફી સહકારી મંડળીઓએ 53952 વ્યક્તિઓને કુલ 539 કરોડ રૂપિયાની સહાય લોન આપી છે. આ લોન માત્ર બે ટકાના વ્યાજે અને પ્રથમ છ મહિના એક પણ હપ્તો નહીં ભરવાની સુવિધા સાથે આપવામાં આવેલી છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, સમાજના નાનામાં નાના માનવીની આપત્તિમાં પડખે ઊભા રહીને સૌના સુખે સુખી, સૌના દુઃખે દુઃખીની સંવેદના સાથે રાજ્ય સરકાર દાયિત્વ નિભાવે છે. આવી લોન સહાય કોરોનાની આફતને અવસરમાં પલટાવી અદના આદમીને ફરીથી બેઠા થવામાં ઉપકારક બનશે એવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો. પ્રારંભમાં રાજકોટ નાગરિક બેંકના ચેરમેન નવીનભાઇ, અર્બન કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશનના પ્રમુખ જ્યોતીન્દ્ર મહેતા વગેરેએ પ્રાસંગિક સંબોધનમાં મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી.

સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ વિડિયો કોન્ફરન્સથી આ ચેક વિતરણમાં જોડાયા હતા. આ પ્રસંગે ચેક સહાય મેળવનારા લાભાર્થીઓ પ્રતીકરૂપે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર ડી પી દેસાઈ અને સહકારી બેંકિંગ ક્ષેત્રના અગ્રણીઓ ગાંધીનગરથી આ સમારોહમાં સહભાગી થયા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp