સૌરાષ્ટ્રના 25 ડેમ-120 તળાવો અને 400 ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન ‘‘સૌની’’ યોજના અન્વયે સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવો અને 400 થી વધુ ચેકડેમમાં 4 હજાર મીલીયન ઘનફૂટ પાણી ઉદવહન (લીફટ) કરીને આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે. એટલું જ નહિ, લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ઢોર-ઢાંખરને પણ પાણી મળી રહેશે. મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલ આ જળાશયો, તળાવો અને ચેકડેમોને ભર ઉનાળામાં ભરવા માટે અંદાજે 4000 મિલિયન ઘન ફુટ નર્મદાના નીર સિંચાઈ વિભાગ દ્વારા ઉદવહન કરીને નખાશે.

આ કામગીરી ત્રણ તબક્કામાં ચાલી રહી છે મોરબીના મચ્છુ-2 જળાશયથી જામનગરના ઉંડ-1 જળાશય સુધીની લિંક-1ની પૂર્ણ થયેલ કામગીરી દ્વારા મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરીનો પ્રારંભ તારીખ 21મી મે 2020થી શરૂ કરી દેવાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં ‘સૌની’ યોજનાની અન્ય ત્રણ લિંક કેનાલો દ્વારા આ તળાવો, જળાશયો, ચેકડેમો તબક્કાવાર આયોજનબદ્ધ રીતે ટૂંક સમયમાં ભરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે આ જળાશયો, ચેકડેમો અને તળાવો ભરાવાથી ઉનાળાની સિઝનમાં ઢોરઢાંખરને પીવાના પાણી સહિત નાગરિકો માટે પણ પીવાના પાણીની સમસ્યાનો હલ થશે. સાથે-સાથે ભૂગર્ભજળ પણ રીચાર્જ થવાનો મહત્વનો ફાયદો થતાં સિંચાઇ માટે પાણી પણ મળી રહેશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સૌની યોજના અંતર્ગત તબક્કા-1ની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તબક્કો-2 પૂર્ણતાને આરે છે અને ત્રીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp