26th January selfie contest
BazarBit

તીડના આક્રમણ અંગે જુઓ શું કહે છે કૃષિ મંત્રી આર.સી.ફળદુ

PC: Khabarchhe.com

રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ જણાવ્યુ છે કે,રાજ્યના અમુક વિસ્તારોમાં તીડ છુટા છવાયા ટોળામાં જોવા મળ્યા છે. રાજ્યમાં હાલ તીડ પ્રભાવિત વિસ્તારમાં અંદાજીત સરેરાશ 150 થી 2000 પ્રતિ હેક્ટર તીડ ની સંખ્યા જોવા મળેલ છે. આ તીડ પ્રભાવિત વિસ્તારમાં કોઇ પાકને નુકશાન થયુ નથી એટલે રાજ્યના ખેડૂતો એ સહેજપણ ગભરાવાની જરૂરર નથી સંભવિત તમામ પ્રકારની પરિસ્થિતિને પહોચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સુસજ્જ છે.

આર. સી. ફળદુએ ઉમેર્યુ કે, રણતીડ એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે. જેના ટોળા હજારો માઇલ દુરના દેશોમા જઇ ખેતી પાકોને મોટુ નુકશાન કરે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સૌપ્રથમ રણતીડની હાજરી તા. 08/05/20 રોજ બનાસકાંઠાં જીલ્લાના વાવ તાલુકાના મીઠા વિચારણ ગામમાં જોવા મળ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 09 જીલ્લા જેવા કે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી ના કુલ 12 તાલુકાના 31 ગામોમાં તીડ જોવા મળેલ હતા.

તેમણે કહ્યુ કે, તા. 08/05/2020 થી તા. 21/05/2020 સુધી રાજ્યમાં કુલ 276 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો, જેમાં 9925 હેક્ટર વિસ્તાર સર્વે કરવામાં આવેલ. સર્વે દરમ્યાન કુલ 190 હેક્ટર વિસ્તારમાં રણ તીડની હાજરી જોવા મળેલ હતી. તે પૈકી કુલ 112 હેક્ટર વિસ્તારમાં જંતુનાશક દવા દ્વારા તીડનું નિયંત્રણ કરવામાં આવેલ. હાલમાં નિયંત્રણની કામગીરી ચાલુ મા છે. અન્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા થાળી તથા અન્ય સાધનો વડે અવાજ કરી તીડ ને પાક હોય તે ખેતર માથી ભગાડી દેવામાં આવ્યા હતા.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના રણ વિસ્તાર તથા ખેતી પાકો સિવાયના વિસ્તારમાં ભારત સરકારના તીડ નિયંત્રણ એકમ દ્વારા મેલાથિઓન 96% જંતુનાશક દવાથી અંદાજીત 21 લીટર તેમજ રાજ્ય સરકાર દ્વારા તીડ નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ 20 ઇસી અને 50 ઇસી જંતુનાશક દવાનો અંદાજીત 173 કિ/લી. નો છંટકાવ કરી તીડનું નિયંત્રણ કરવામાં આવ્યુ છે.

 આર. સી. ફળદુએ ઉમેર્યુ કે,તીડના સ્થળાંતર અંગે લોકેશન મેળવીને તેના નિયંત્રણ કરવા માટે રાજ્ય તથા જીલ્લાના અધિકારીઓ ભારત સરકારની તીડ નિયંત્રણ એકમની ટીમ સાથે સતત સંપર્કમાં છે. તીડ પ્રભાવીત જીલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે. તીડ નિયંત્રણ અંગે ફિલ્ડ સ્ટાફની તાલીમ પણ આપવામાં આવી છે. સ્થાનિક કક્ષાએ તીડ સર્વે તથા તેના નિયંત્રણ માટે જરૂરી વાહનો / વાહન સંચાલિત સ્પ્રેયર/ટેંન્કર તેમજ અન્ય સાધન સામગ્રીની અધ્યતન યાદી તૈયાર રાખેલ છે. તેમજ રાજ્યમાં તીડ નિયંત્રણ માટે જરૂરી જંતુનાશક દવાની સમયસર ઉપ્લબ્ધી થાય તે માટે ઉત્પાદક કંપનીઓ સાથે લાયઝન કરવામાં આવેલ છે.

તેમણે કહ્યુ કે,તીડ નિયંત્રણ માટે ખેડુતો દ્વારા કરવામાં આવતા જંતુનાશક દવાના છંટકાવના ખર્ચને પહોંચી વળવા ખેડુતોને સહાય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય જોગવાઇ પણા કરી દેવાઈ છે. રાજ્ય કક્ષાએ ક્ષેત્રીય કચેરી, LCO ઓફીસ તથા કૃષિ વૈજ્ઞાનિક સાથે સંકલન અને માહીતીના આદાન પ્રદાન કરવા સોશીયલ મીડીયા ગૃપ બનાવી ને સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ગત વર્ષે પણ રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ જીલ્લામાં આશરે 19 હજાર થી વધુ હેક્ટર વિસ્તારમાં તીડ નો ઉપદ્રવ જોવા મળેલ હતો. તીડ નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા ઘનિષ્ઠ પ્રયત્નો કરી અસરકારક નિયંત્રણ કરી ખેતી પાકોમાં મોટુ નુકશાન થતુ અટકવી શક્યા છીએ જેની કેંદ્ર સરકારે પણ નોંધ લીધી હતી. આગામી સમયમાં પણ જો તીડ ઉપદ્રવ વધે નહિ અને તેના અસરકારક નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારના પગલાં લેવા સુસજ્જ છે તેમ તેમણે ઉમેર્યુ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp