26th January selfie contest
BazarBit

ગુજરાતના આ એકમાત્ર જિલ્લામાં આરોગ્ય શાખાએ 152833 લોકોને હેન્ડ વોશના ડેમો બતાવ્યા

PC: Khabarchhe.com

વારંવાર હાથ ધોવાની ટેવ પાડવામાં આવે તો કોરોના સામે લડવાની સાથોસાથ અનેક સંક્રામક રોગોથી પણ રક્ષણ મેળવી શકાય છે. કોરોના મહામારી સામે આપણા સ્વચ્છ હાથ સમાજ, ઘર-પરિવારને બચાવશે. વારંવાર હાથ ધોવા, ખાંસી હોય તેવા લોકોથી અંતર જાળવવું અને હાથ ધોયા વગર ચહેરાને સ્પર્શ ન કરવો એ કોરોના વાઈરસને રોકવા માટેના અસરકારક ઉપાય છે. એક અભ્યાસ મુજબ આપણી એક સામાન્ય આદત દુનિયાની કોઈ પણ બિમારીથી આપણને બચાવી શકે છે અને એ આદત છે વારંવાર હાથ ધોવાની. આ વાતને અનુસરતા સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના આરોગ્યકર્મીઓ દ્વારા સુરતના તમામ તાલુકામાં ગામે ગામ જઈ ગ્રામજનોને હાથ ધોવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અને વારંવાર હાથ ધોવાથી થતાં ફાયદા અંગે જાગૃત્ત કરવાનું અભિયાન ઉપાડ્યું છે.

તા. 26મી એપ્રિલથી આજ સુધીમાં 1,52,833 લોકોને હાથ ધોવાનાં ડેમો બતાવી કુલ 5,10,327 લોકોને દૈનિક જીવનમાં હાથને સ્વચ્છ રાખી સંક્રામક રોગોથી બચવા માટે પ્રેરિત કરવામાં આવ્યાં છે. કોરોના સંકટમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિના ઈનોવેટીવ આઈ.ઈ.સી. પ્રવૃત્તિ સઘન બનાવવાના આપેલા દિશાનિર્દેશ અનુસાર જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.કોયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ગત તા. 26/04/2020 થી અમલમાં મૂકવામાં આવ્યું હતું. દરેક તાલુકામાં હેલ્થ સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આર.બી.એસ.કે., એમ.ઓ. આશા તથા આશા ફેસેલિટેટરો તથા કોરોના વોરીયર્સ દ્વારા ગ્રામજનોની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. જેઓ દરેક ગામની મહત્વના સ્થળે, દરેક ફળિયામાં જઈને સાબુ વડે હાથ ધોવાનાં ડેમો બતાવીને હેન્ડ વોશની પદ્ધતી સ્ટેપ સાથેને વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવીને જનજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.

આ અભિયાન અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, હેન્ડ વોશ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક ગામમાંથી ઓછામાં ઓછા પાંચ અને ફળિયા, શેરી-મહોલ્લા દીઠ એક એવા સ્વયંસેવકો કોરોના વોરિયર્સ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સ્વયંસેવકો હેન્ડ વોશ નિદર્શનની પ્રવૃત્તિ ઉત્સાહભેર આગળ વધારી રહ્યા છે, અને વધુમાં વધુ લોકો હાથ ધોવાની પદ્ધતિ શીખે એ માટે ફિલ્ડમાં સેવા આપી રહ્યા છે. અમે સ્થાનિક ગ્રામજનો તેમજ સરપંચોના સહયોગથી ગામે ગામ કોરોના વોરિયર્સ ગ્રુપ બનાવ્યાં છે, જેમાં સરપંચ, ગ્રામ પંચાયત-તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો, સ્વયંસેવકો, એન.જી.ઓ.ના સભ્યો તથા આશા, અને આંગણવાડી કાર્યકર બહેનોનો સમાવેશ કરાયો છે. તેઓ એક બીજાના સાથ સહકારથી કોરોના સામે લડવાં જનજાગૃત્તિનું કાર્ય કરી રહ્યા છે. સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોના સામે સાવચેતીના માટે એસ.ઓ.પી. અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ ગ્રામજનોમાં હેન્ડ વોશ પદ્ધતિ તેમજ સ્વાસ્થ્ય જાળવવા માટેની સુટેવો કેળવાય તે માટે આગળપડતી ભૂમિકા ભજવી રહ્યા છે.

આમ, ‘જીવનમાં કેટલીક સારી આદતો હોય છે કે જે આપણને તંદુરસ્ત રાખે છે, ત્યારે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે. નાગરિકો હેલ્થ અને હાઈજીન પ્રત્યે જાગૃત્ત બની હાથ ધોવા જેવી કેટલીક આદતો કેળવી તો કોરોના સહિત અનેક પ્રકારના રોગોના સંક્રમણથી આપણે સુરક્ષિત રહી શકીશું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp