ગુજરાતનો બિઝનેસ: આજ અને કાલ, આવતીકાલ સમૃદ્ધ છે

PC: clickhowto.com

ગુજરાત રાજ્ય માટે એક અનોખું અને ચોંકાવનારું સંશોધન થયું છે અને તે સંશોધન પ્રમાણે ગુજરાત પાસે અંદાજે 55 લાખ કરોડથી વધુ રકમનું ધન છે. ગુજરાત ધનવાન છે. આ ધન કેવળ ગુજરાતીઓ પાસે છે જે સમગ્ર ભારતના સામાન્ય બજેટ કરતાં ખૂબ વધુ છે.

ગુજરાત ઇતિહાસ કાળથી સમૃદ્ધ રહ્યું છે. પહેલાના જમાનામાં રાજાઓ પાસે ધનના ભંડાર હતા. ગુજરાતના સમૃદ્ધ વારસાને લૂંટવાનું કામ બહારથી ચઢાઈ કરીને આવેલા પરપ્રાંતના રાજાઓ કરતા હતા. મહંમદ ઘોરીએ સોમનાથ મંદિરને અનેકવાર લૂંટ્યું છે. ઇતિહાસના પાના લૂંટફાટથી પણ ભરાયેલા નજરે પડે છે, કેમ કે ગુજરાતીઓ એટલે બિઝનેસ અને બિઝનેસ એટલે ગુજરાતીઓ. મુંબઈમાંથી જો ગુજરાતનો એકડો કાઢી નાંખવામાં આવે તો મુંબઈ બીગ ઝીરો બની જાય તેમ છે.

વર્લ્ડ વેલ્થના એક રિપોર્ટ પ્રમાણે સમૃદ્ધ દેશોમાં ભારતનો ક્રમ છઠ્ઠો આવે છે પરંતુ તેમાં ગુજરાતનો ફાળો સૌથી મોટો છે. વિશ્વના કુલ 19 દેશો જેટલી GDP કેવળ ગુજરાત ધરાવે છે. વર્ષે બે લાખ કરોડનું ટર્નઓવર માત્ર હીરા બજાર કરે છે.

તાજેતરના બાર્કલેના અહેવાલ મુજબ, ગુજરાતમાં 58 લોકો પાસે 2 લાખ 54 હજાર 400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં ગૌતમ અદાણી સૌથી વધુ 71,200 કરોડ ધરાવે છે. જ્યારે ઝાયડસ કેડિલા જૂથના પંકજ પટેલ 32,100 કરોડ ધરાવે છે. કુલ કરોડપતિઓના 84 ટકા અમદાવાદમાં રહે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, ભારતીય પરિવારો પાસે અંદાજે 24 હજાર ટન સોનુ છે. જે મુજબ માત્ર ગુજરાતીઓ જ 6થી 7 હજાર ટન સોનુ ધરાવે છે. RBIના અહેવાલ મુજબ, માર્ચ 2017 સુધીમાં ગુજરાતી બેંકોમાં પડેલી ડિપોઝિટની સંખ્યા 6.2 લાખ કરોડ છે. માર્ચ 2016 સુધી 5.3 લાખ કરોડ હતી. 1 લાખ કરોડનો એક વર્ષમાં વધારો થયો છે.

ધર્મજ (1200 કરોડ) અને માધાપર (5000 કરોડ) એ બે જ ગામની કુલ થાપણો 6 હજાર કરોડથી વધારેની છે. મોટો ફાળો મેળવતા ચાર મોટા મંદિરોની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયા કરતા વધારે છે. જેમાં અંબાજીની વાર્ષિક આવક સૌથી વધુ 42 કરોડ રૂપિયા છે. જ્યારે દ્વારકાધીશ મંદિરની 10 કરોડ તો ડાકોરના રણછોડરાય મંદિરની 12 કરોડ રૂપિયા છે. સોમનાથની 40 કરોડ છે જેમાં માત્ર પ્રસાદની આવક 8 કરોડની છે.

ગુજરાત તો સમૃદ્ધ છે પરંતુ ગુજરાતના મંદિરો પણ સમૃદ્ધ છે. દેશમાં બિઝનેસ કરતાં મોટા બિઝનેસ ગૃહોમાં મુકેશ અંબાણી હોય કે ગૌતમ અદાણી તમામ ગુજરાતીઓનો દબદબો છે. બિઝનેસ એ ગુજરાતીઓના લોહીમાં વણાયેલો છે. વિશ્વમાં જ્યારે ક્યાંય પોર્ટ ન હતું ત્યારે ગુજરાત પાસે લોથલ પોર્ટ હતું. લોથલથી ગુજરાત અને ભારતમાં આયાત નિકાસ થતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp