ચેતજોઃ ગુજરાત પોલીસ હવે લગ્નોમાં ત્રાટકી રહી છે, આટલા ગુના નોંધાયા, આટલાની ધરપકડ

PC: timesofindia.indiatimes.com

દેશમાં અને ગુજરાતમાં જ્યાં ચૂંટણીઓ આવી છે ત્યાં રાજકીય રેલીઓ અને સભાઓમાં જનમેદની એકત્ર થાય ત્યારે બંદોબસ્તમાં રહેતી પોલીસ હવે લગ્ન સમારંભમાં ત્રાટકી રહી છે. રાજકીય નેતાઓને મેળાવડા કરવાની છૂટ અને સામાન્ય વ્યક્તિને દંડ અને સજા – એ ક્યાંનો ન્યાય છે તેવું લગ્નના આયોજકો કરી રહ્યાં છે.

ગુજરાતની પોલીસે રાજ્યભરમાં લગ્ન સમારંભોમાં ત્રાટકીને 314 ગુના નોંધ્યા છે. કોરોનાની ગાઇડલાઇન છે કે લગ્ન સમારંભમાં 50થી વધુ લોકોની હાજરી હોય તો ગાઇડલાઇનનો ભંગ થાય છે. રાજ્યના પોલીસ વડાએ રાજ્યભરની પોલીસને આપેલી સૂચના પ્રમાણે પોલીસે આટલી મોટી સંખ્યામાં ગુના નોંધીને 471 લોકોની ધરપકડ કરી છે.

રાજ્યમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હતી ત્યારે સભા અને રેલીઓ યોજવામાં આવતી હતી તેમજ રાજકીય પાર્ટી, ખાસ કરીને ભાજપના નેતાઓ મેળાવડા કરતાં હતા ત્યારે એકપણ રાજકીય નેતાની ધરપકડ કરી નથી તેવી પોલીસ હવે ખાનગી લગ્ન સમારંભમાં દરોડા પાડીને લોકોને દંડીત કરી રહી છે. કોરોના સંક્રમણના કેસો વધતાં ગુજરાતની પોલીસ ખાનગી સમારંભોમાં ત્રાટકે છે. સોશ્યલ ડિસ્ટન્સીંગના મુદ્દે પોલીસ કોઇ બાંધછોડ કરવા માગતી નથી.

રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલોમાં બેડ નથી. ઓક્સિજન કે દવાઓ નથી ત્યારે રાજ્યના પોલીસ વડાએ સંક્રમણને નિયંત્રણમાં લેવા કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરવાના આદેશ કર્યા છે. આ આદેશને પગલે શહેરોમાં કમિશનરેટ અને ગ્રામ્ય વિસ્તારમાં એસપીનું તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. ઘણી જગ્યાએ પોલીસે વરરાજા અને તેના સગાસ્નેહીઓની ધરપકડ કરી છે.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પોલીસ વિભાગ માટે આદેશ જાહેર કર્યો છે અને તેમાં માસ્ક નહીં પહેરનારા કે સોશ્યલ ડિસ્ટન્સીંગનું ધ્યાન નહીં રાખનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. લગ્ન સમારંભમાં 50 કરતાં વધુ વ્યક્તિઓને એકત્ર કરી શકાતા નથી તેમ છતાં જે આયોજકોએ ભંગ કર્યો છે તેમની સામે પગલાં લેવાઇ રહ્યાં છે. એક જ મહિનામાં પોલીસે જાહેરનામા ભંગના 341 ગુના નોંધ્યા છે અને નિયમના ભંગ બદલ 471 લોકોની ધરપકડ કરી છે.

પોલીસે માસ્ક અને જાહેરમાં થૂંકવા બદલ પણ કાર્યવાહી શરૂ કરી છે. છીંડે ચઢ્યો તે ચોર... એ ન્યાયે પોલીસે જાહેરમાં થૂંકનારા 2500 લોકોની ધરપકડ કરી છે, એટલું જ નહીં માસ્ક નહીં પહેરનારા 10 હજારથી વધુ લોકો પાસેથી પ્રત્યેક કિસ્સા પેટે 1000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp