હાર્દિકે બનાવ્યો રૅકોર્ડ, જાણો શું?

PC: facebook.com/hardik patel

વિશ્વના સૌથી શક્તિશાળી એવા ફેસબૂકના CEO માર્ક ઝકરબર્ગે તેના ફેસબૂક પેઝ પર હાર્દિક પટેલને વિશ્વનો સૌથી મોટા લાઈવ શો માટે અભિનંદન આપીને તેને સીલીકોન વેલીમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે આ ગૌરવ ભરી ઘટના છે. હાર્દિક પટેલની સુરત ખાતેની સભાનું લાઈવ કવરેજ ફેસબૂક પર હાર્દિક પટેલે કર્યું હતું ત્યારે તેમાં 37,000 લોકોએ જે સભા ફેસબૂક પર લાઈવ-જીવંત જોઈ હતી, જે એક વિશ્વ રૅકોર્ડ બની ગયો છે. ભાજપના હાલના શો કરતાં તે વધારે છે. તેથી ઝકરબર્ગે હાર્દિકને અમેરીકાની તેની ઓફિસ સીલીકોન વેલી આવવા માટે આમંત્રણ આવ્યું છે. મીડિયા જાયંટ ફેસબૂકમાં ભારતનો સોશિયલ મીડિયા જાયંટ હાર્દિક પટેલ બની ગયો છે. લોકો માટે લડતો 24 વર્ષનો આ યુવાન હવે માત્ર ગુજરાતનો યુથ આઈકન ન રહેતાં તે વિશ્વનો એક આઈકન બની ગયો છે. જેણે વિશ્વ રૅકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. મોદીને તેમણે ભારતમાં પ્રસિદ્ધિ અપાવી તે જ કંપની હાર્દિક માટે મફતમાં ફેસબૂક હેન્ડલ કરી રહી છે.

ગુજરાતની ચૂંટણીમાં મહત્ત્વના તમામ નેતાઓની સભા કે સંવાદ ફેસબૂક પર લાઈવ કરવામાં આવી રહ્યાં છે. જેમાં રાજકારણમાં ન હોવા છતાં રાજકારણમાં આવી પડેલાં હાર્દિક પટેલ ગ્રાઉન્ડ ઝીરો અને સોશિયલ મીડિયામાં દેશના તમામ નેતાઓ કરતાં હોટ ફેવરીટ છે. હાર્દિક પટેલની છેલ્લી 10 સભા અને સુરતની રેલીએ સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ ઝીરો પર લોકોએ હાર્દિકને હીરો બનાવી દીધો છે.

આ ચૂંટણી જમીની સભાથી લઈને ફેસબૂક પર લડાઈ રહી છે. ફેસબૂક પર હાર્દિકની જીત થઈ ચૂકી છે. જમીની લડાઈની હાર-જીત તો 18મીએ પરિણામ વખતે ખબર પડશે. પણ એક વાત નક્કી છે કે, ટીવી ચેનલ ભલે હાર્દિકની સભા લાઈવ બતાવતી ન હોય પણ લાખો લોકો તેની સભામાં આવે છે તેના કરતાં વધારે તો ફેસબૂક લાઈવ પર તેની સભા જુએ છે. સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલ હીરો બની ગયો છે. તેની ફેસબૂક પર એકી સાથે 25 હજાર લોકો તેની સભા જૂએ છે. રાજકોટની સભામાં તો તે વિક્રમ હતો. જે જોઈને સત્તાધીશોની ઊંઘ ઊડી ગઈ છે. હાર્દિકના તે સમયે પેજ વ્યૂઝ 7 લાખથી વધારે થઈ ગયા હતા. એક લાખથી વધારે લાઈક મળી છે. તેની સભા ગ્રાઉન્ડ ઝીરો પર તો હીટ થઈ રહી છે. પણ તેની ફેસબૂક પર પણ હિટ થઈ રહી છે. પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે, ગુજરાતી ટીવી ચેનલો સામેથી વ્યૂઅરશીપ છોડી રહી છે. કેમ તે હવે વાત છૂપી રહી નથી.

27મી નવેમ્બરે તેણે ગુજરાતના લોકો સાથે ફેસબૂક પર જીવંત સંવાદ રાખ્યો હતો તેમાં પણ 6 લાખ વ્યૂઝ મળ્યા હતા. 30 હજાર રીએક્શન, 5 હજાર શેર થઈ હતી. હજારો લોકોએ પ્રશ્નો પૂછ્યા હતા અને કોમેન્ટ કરી હતી. હાર્દિકનું પેઝ 8 લાખથી વધારે લાઈક્સ અને 8.25 લાખ ફોલોઅર્સ ધરાવે છે. ગુજરાત ભાજપના ફેસબૂક પેજ માટે 25 લાખ લાઈક્સ અને 25 લાખ ફોલોઅર્સ હોવા છતાં લાઈવ સભામાં હાર્દિકે ભાજપને હરાવી દીધું છે. ભાજપના પેઝ પર જીવંત પ્રસારણ જેટલાં લોકો જૂએ છે તેનાથી હાર્દિકની સભા વધારે લોકો જૂએ છે. ભાજપ પાસે 4 હજારથી પણ વધારે કાર્યકરો અને પ્રોફેશનલ રીતે કામ કરતી કંપનીઓ સોશિયાલ મીડિયા સંચાલન માટે છે. જ્યારે હાર્દિક પાસે એક માત્ર પ્રસારણ ટીમ છે. તેમ છતાં ફેસબૂક લાઈવમાં હાર્દિક કરતાં ભાજપના પેજ પર નરેન્દ્ર મોદી કરતાં બે ગણા લોકો હાર્દિકની સભા જોઈ રહ્યાં છે.

હાર્દિકની છેલ્લી 10 સભાના લાઈવમાં 40 લાખ વ્યૂઝ મળેલાં છે. જ્યારે એટલી જ મોદીની સભામાં 11 લાખ વ્યૂ મળેલા છે.

કોંગ્રેસ અને ભાજપના તમામ નેતઓ કરતાં હાર્દિક એફબી લાઈવમાં સૌથી આગળ છે. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી કરતાં પણ આગળ છે. તેમાં સુરતની સભા અને રોડ શો પછી તો તેમણે ભારતનો રૅકોર્ડ બનાવી લેવા માટે તૈયારી કરી છે.

હાર્દિક કેમ છે આટલો લોકપ્રિય?

ભાજપ સરકારે જ્યારે જ્યારે તેના ઉપર હુકમશાહી ચલાવી છે ત્યારે તે અગાઉની તમામ લોકપ્રિયતાથી તે આગળ નીકળી ગયો છે. હવે સરકારના ઈશારે ચૂંટણી પંચ હાર્દિક ઉપર સિતમ શરૂ કર્યા છે ત્યારે ફરીથી તે અગાઉ કરતાં વધારે હીરો બન્યો છે. GMDCની સભા પછી જો સરકાર અને શંકરસિંહ પ્રેરિત તોફાનો ન થયા હોય અને તે તોફાનો ટીવી પર લાઈવ બતાવાયા ન હોત તો હાર્દિકનું આંદોલન ત્યાં જ ઠંડું પડી ગયું હોત. પોલીસે પાટીદારોના ઘરમાં જઈને ફટકાર્યા ન હોત તો તે આંદોલન ત્યાં જ પૂરું થઈ ગયું હોત. છેલ્લી સેક્સ સીડી બહાર ન આવી હોત તો આટલી સહાનુભૂતિ તે મેળવી શક્યો ન હોત. ગુજરાતના લોકોને હીરોઈઝમ ગમે છે. આજ સુધી જેઓ મોદીમાં એ જોતા હતા હવે મોદીનું સ્થાન હાર્દિકે લીધું છે. હાર્દિકે તેની નીતિમાં ફેરફાર કરીને તે હવે લોકોના અન્ય પ્રશ્નો પણ સભામાં ઉઠાવી રહ્યા છે. તે લોકોની ભાષા બોલે છે. તેની જ્યાં પણ સભા હોય છે ત્યાં તેનો આગ્રહ હોય છે કે, તમામ સમાજના લોકો આવે. આ નીતિ તેની સફળ રહી છે. તમામ જ્ઞાતિ, સમાજ અને ધર્મના લોકો તેની સભામાં આવી રહ્યાં છે. તે જે બોલે છે તે હિંમત પૂર્વક બોલે છે. લોકોને તેની વાતમાં સચ્ચાઈ લાગે છે. કડવું બોલે છે છતાં લોકો તેને સ્વીકારી રહ્યાં છે. તે ભાજપને ખૂલ્લીને ફટકારે છે. તે ખેડૂતની વાત કરે છે. વેપારીઓ અને મહિલાઓની સમસ્યા કહે છે. આમ તે એક જ સમાજના નેતાના બદલે હવે સમગ્ર સમાજના નેતા તરીકે આગળ આવ્યો છે.

આ બધી તેની નીતિ 23 વર્ષની ઉંમરે જોઈને તેની હિંમત અને બહાદુરીને જોઈને લોકો તેની સાથે ચાલી રહ્યાં છે. કોંગ્રેસ કે રાહુલ ગાંધી જે 22 વર્ષથી ન કરી શક્યા તે હાર્દિક પટેલ કરી શક્યા છે. લોકો સમય સમયે પરિવર્તન ઈચ્છતાં હોય છે તેમાં તે નેતાની શોધમાં હોય છે. લોકોને પરિવર્તન જોઈતું હતું અને તે જ સમયે તેને એક નેતા મળી ગયો છે. ગુજરાતના દરેક આંદોલનમાં આવા નેતા બહાર આવ્યા છે. ત્યારે લોકોના વાત કરનારને ગુજરાતે હંમેશા આવકાર્યા છે. જેમાં છેલ્લો નેતા હાર્દિક પટેલ છે. જેણે ફેસબૂકનો ભરપુર ઉપયોગ કર્યો છે. તેમાં તો તે હીરો છે, પણ ભાજપ કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ લાખો રૂપિયા ખર્ચવા છતાં લોકો આવતાં નથી પણ હાર્દિકની સભામાં સ્વયંભૂ આવી રહ્યાં છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp