26th January selfie contest

ભૂપેન્દ્ર પટેલ માત્ર નામના મુખ્યમંત્રી છે, કામ દિલ્હીના આદેશથી થાય છે: હાર્દિક

PC: facebook.com/HardikPatel.Official

ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા છે. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે હાર્દિક પટેલે એક ઈન્ટરવ્યુંમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ અને ભાજપ સરકારની નીતિ બાબતે વાતચીત કરી હતી.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન સરકારની કામગીરી અને બેકારીએ મોટું કારણ મુખ્યમંત્રી બદલવાની પાછળ જવાબદાર છે. વિજય રૂપાણીને લઇને પ્રજાની નારાજગી સામે આવી હતી. વર્ષ 2017માં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો. વોટ બીજાના નામે મળે અને મુખ્યમંત્રી કોઈ બીજા બની જાય. આ વાતો જનતાને ભ્રમણામાં નાંખવાની વાતો છે. પણ હવે ગુજરાતની જનતા સમજી ગઈ છે અને લોકોને નક્કી કર્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી જ નહીં પણ સરકાર બદલવી છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ પણ રાજનીતિમાં કોઈ ઉચ્ચ હોદ્દા પર આવે છે ત્યારે તે કોઈ સમાજનો નથી હોતો. તેની જવાબદારી તમામ વર્ગોના લોકોની હોય છે. ભાજપ માત્ર પોલીટીક્સ કરીને સફળ નહીં થાય. ગુજરાતમાં છ કરોડથી વધુ લોકો છે. મુખ્યમંત્રી તમામ સમાજના લોકોનું ભલું ન કરી શકે તો તે એક સમાજનું શું ભલું કરશે? હાર્દિક પટેલે એમ પણ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ માત્ર નામના મુખ્યમંત્રી છે. તેમને કામ તો દિલ્હીથી આદેશ આવે પ્રમાણે કરવાનું છે. તેમને ઇશારે જ કામ કરવાનું છે. સરકારે જે સ્ટેડીયમનું નામ નરેન્દ્ર મોદી રાખ્યું છે તે સ્ટેડીયમનું નામ સરદાર પટેલ સ્ટેડીયમ કરવું જોઈએ.

વિધાનસભાની ચૂંટણીની રણનીતિ બાબતે તેને જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા મુદ્દાઓના આધારે રાજનીતિ કરે છે. યુવાનો અને ખેડૂતોનો મુદ્દો અમે સતત ઉઠાવી રહ્યા છીએ. જે વાયદા ગુજરાતની જનતાને ભાજપે કર્યા છે તે પુરા થયા નથી. તેને લઇને અમે આંદોલન કરી રહ્યા છીએ. જેના પરિણામે આવનારી ચૂંટણી અમારા તરફ જોવા મળશે અને અમારી સરકાર બનશે.

કોંગ્રેસના કલેશ બાબતે હાર્દિકે જણાવ્યું હતું કે, અમારા આંદોલન દેખાડવામાં નથી આવતા. કોંગ્રેસ સતત જનતા વચ્ચે જાય છે. મને 2 વર્ષની સજા થઇ, 32થી વધુ કેસ છે. હું દરરોજ કોર્ટમાં ધક્કા ખાઉં છું. પહેલા મને ગુજરાતની બહાર જવાની મંજૂરી નહતી. અમે સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે બધું ભોગવી રહ્યા છીએ. હાર્દિક પટેલે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા એક સારા મુખ્યમંત્રી દરેક વખતે ઈચ્છે છે. પ્રદેશની જનતાને જ્યારે કોઈ સમસ્યા થશે તો દિલ્હી નહીં જાય. જે મુખ્યમંત્રી તેમનો અવાજ સાંભળે તેવા મુખ્યમંત્રી જનતાને જોઈએ છે. 2022માં એવા મુખ્યમંત્રી હશે જે તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખશે.

હાર્દિક પટેલનું નામ 2022માં મુખ્યમંત્રીની રેસમાં હશે તે બાબતે હાર્દિકે જણાવ્યું હતું કે, આ બધું જનતા નક્કી કરશે. અમે ચહેરો નથી બનતા અમે તો પરિવારનો જ ચહેરો છીએ. ગામડામાં સારું કામ કર્યું તો ચહેરો બનીએ છીએ. અમે પ્રદેશનો ચહેરો છીએ. મારી ઉંમર હાલ 27 વર્ષની છે હજુ કામ દેખાડવા માટે લાંબી મજલ કાપવાની છે. ગુજરાતની જનતા અમારો ફેસ છે. જે મોદી સમક્ષ પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માગે છે. કારણ કે હવે ભારતીયજનતા પાર્ટી સંપૂર્ણ એક્સપોઝ થઇ ગઈ છે.

રાહુલ ગાંધીને લઇને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ તમામ તૈયારી કરી લીધી છે. તેમને કહ્યું છે કે, આ ગુજરાતે જ મને ગાંધી સરનેમ આપી છે. તેઓ ગુજરાતની સાથે ઘણી લાગણી ધરાવે છે. એટલે નરેન્દ્ર મોદી પહેલા ગાંધી પરિવારના સંબંધ ગુજરાતની સાથે છે. થોડા દિવસમાં જ તેઓ ગુજરાતની મુલાકાતે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp