લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનું નાક દબાવી બાવળીયા ફાવી ગયા: ડૉ. હરિ દેસાઈ

PC: facebook.com/kunvarjibavaliya
રાજકારણમાં આજનું મહત્ત્વ હોય છે તેમ જણાવીને ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક હરી દેસાઈએ ઉમેર્યું હતું કે, આજના સંજોગોમાં જેટલું મહત્ત્વનું સ્થાન કે હોદ્દો મળ્યો એ સાચો, ભવિષ્યના તમામ વાયદા ખોટા. લોકસભાની આગામી ચૂંટણી 2018માં આવે કે 2019માં, એ ચૂંટણી જીતવા માટે ભાજપે દેશભરમાં તો જે બાંધછોડ કરવી પડે એ તો સમજ્યા, પણ ઘરઆંગણે ગુજરાતના ભડકા ઓલવવા માટે પણ ભારે જહેમત કરવી પડે છે. પોતીકા ત્રણ ધારાસભ્યોએ પ્રધાનપદ માટે નારાજગીનો દાવ ખેલી જોયો. પાસો એવો ઊલટો પડ્યો કે સામે પક્ષેથી પાંચ-પાંચ મુદતથી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ રહેલા જસદણના ભણેલા ગણેલા કોળી આગેવાન કુંવરજી બાવળીયાને બપોરે પક્ષમાં લીધા અને સાંજ પહેલાં તો કેબિનેટ મંત્રી બનાવી દેવાયા.

પેલા વડોદરા જિલ્લાના ત્રણ ધારાસભ્યોમાંના બોલકા પૂર્વ મંત્રી મધુ શ્રીવાસ્તવે તો મંદિરે જઈ મંજીરા વગાડવાની તૈયારી પણ કરી લીધી. ભાજપમાં પ્રવેશવા માટે હજુ બીજા કેટલાક ધારાસભ્યો બારણે ટકોરા મારી રહ્યા છે અથવા કેટલાકને માટે ગાજર લટકાવાઈ રહ્યાં છે. એટલે અસંતુષ્ટો સાનમાં સમજી જાય એવા સંકેતો જરૂર મળે છે. લોકસભાની ચૂંટણી પહેલાં પટેલોની નારાજગી ખાળવાની ભાજપની કવાયત સાથે જ ઓબીસી વોટબેંક મજબૂત કરવા માટે હજુ પણ કોંગ્રેસના કેટલાક કોળી અને ઠાકોર ધારાસભ્યો ભાજપ સાથે ઘર માંડશે. ભાજપના નેતાઓ પણ ખાનગીમાં કબૂલે છે કે ગુજરાતની તમામ 26 બેઠકો આગામી લોકસભા ચૂંટણીમાં મળવી મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp