હેડ કોન્સ્ટેબલ નિઝામે પોતાની ટોપી બતાડી કહ્યું' નમાઝી હું, મેરી બાત પે ભરોસા કરો

13 Aug, 2017
08:31 AM
PC: khabarchhe.com

અમદાવાદ ટ્રાન્સપોર્ટ સવિર્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા સરફરાઝખાન પઠાણનું ઘર અમદાવાદ ક્રાઈમની ઓફિસને અડીને જમલાપુરમાં આવેલુ હતું, એક દિવસ સરફરાઝને મળવા માટે ક્રાઈમ બ્રાન્ચનો હેડકોન્સટેબલ નિઝામ સૈયદ આવી પહોચ્યો, વર્ષોથી ક્રાઈમ બ્રાન્ચમાં અને તરૂણ બારોટ સાથે કામ કરતા હેડ કોન્સટેબલ નિઝામને આ વિસ્તારમાં બધા ઓળખતા હતા. ખાસ કરી નિઝામને મુસ્લિમો સારી રીતે ઓળખતા હતા, ક્રાઈમ બ્રાન્ચમાં કોઈ પણ મુસ્લિમને પકડી લાવવામાં આવે ત્યારે નિઝામ પોતાનાથી બનતી મદદ કરતો હતો. સામાન્ય રીતે સરફરાઝ અને નિઝામ વચ્ચે રસ્તામાં જ સલામ-દુવા થઈ જતી હતી, પણ નિઝામ ઘરે આવી જતા સરફરાઝને આશ્ચર્ય થયું હતું. નિઝામે ઔપચારિક વાત પુરી થયા પછી સરફરાઝને પુછયું ચાચા સમીર કહા હૈ. સમીરનું નામ આવતા સરફરાઝ ચોંકી ઉઠયા હતા.

ડીજી વણઝારા પણ ક્રાઈમ બ્રાન્ચમાં પોતાના સ્ટાફનો બહુ ચોક્કસ રીતે ઉપયોગ કરી રહ્યા હતા. જેમાં નિઝામ અને ઈન્સપેટકર એએ ચૌહાણ જેવા મુસ્લિમ અધિકારીઓની પ્રમાણિકતાની પણ પરિક્ષા હતી. મુસ્લિમોને પકડી લાવવાની જવાબદારી મુસ્લિમ કોન્સટેબલો અને અધિકારીઓને આપી હતી. તેની પાછળ વણઝારાની બે ગણતરી હતી. એક મુસ્લિમોને પકડવામાં તેમની જ કોમના અધિકારીઓને ઉપયોગ કરવાનો હતો, જેના કારણે આખી ઘટના ઉપર કોઈને શંકા જાય નહીં, અને બીજી બાબત એવી હતી કે મુસ્લિમ પાંચ નમાઝ પઢે, તેમ પોતાની વફાદારી સાબિત કરવા માટે ક્રાઈમ બ્રાન્ચનો મુસ્લિમ સ્ટાફ ઉત્સાહથી વણઝારાના ઓપરેશનમાં જોડાઈ ગયો હતો, હજી તેમને વણઝારાના ઈરાદોઓ ઉપર શંકા ગઈ ન હતી.

સરફારઝનો દિકરો સમીરખાન પઠાણ ઘણા વર્ષોથી અમદાવાદ પોલીસના ચોપડે વોન્ટેડ હતો, તેને શોધવા અને તેના વિશે પુછવાં પોલીસ અગાઉ પણ અનેક વખત સરફરાઝના ઘરે આવતી હતી, પણ પોલીસને જાણકારી મળી હતી કે હવે સમીર ભારતમાં નહીં પણ પાકિસ્તાન જતો રહ્યો હોવાને કારણે ધીરે ધીરે પોલીસની અવરજવર ઓછી થઈ ગઈ હતી. સમીર ઉપર જે આરોપ હતો તં ગંભીર પ્રકારનો હતો. મુળ તે ચેઈન સ્નેચીંગ કરતો હતો. વર્ષો પહેલા તે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાંથી સોનાનો દોરો તોડી ભાગી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર નારણપુરાના પોલીસ કોન્સટેબલ વિષ્ણુ ઝાલાએ તેને જોઈ લીધો. વિષ્ણુ તેની પાછળ પડયો અને તેને પકડી પણ લીધો. પરંતુ
તે વખતે ઝપાઝપી થઈ અને સમીરે પોતાની પાસે રહેલી છરી કોન્સટેબલ વિષ્ણુના પેટમાં ઘોંપી દીધી અને તેનું મોત નિપજયું હતું. આ ઘટના પછી સમીર ફરાર થઈ ગયો હતો અને તેને તેના ઘરના સહિત કોઈએ કયારેય જોયો ન હતો.

નિઝામે કહ્યુ ચાચા સમીર કો હાઝીર કરવા દો, સરફરાઝે કહ્યુ નિઝામભાઈ સમીર કહાં હૈ, હમકો હી પતા નહી, મે કૈસે હાજર કરવા સકતા હું, નિઝામને કહ્યુ દેખો ચાચા હમારે પાસ ઈન્ફરમેશન હે, સમીર ભારત વાપસ આ ચુકા હે, ઉસે હાજર કરવા દો. કેસ મેં નિપટા દુંગા. સરફરાઝે પોતાની લાચારી વ્યકત કરતા કહ્યુ નિઝામભાઈ મુઝે સહી મેં પતા નહીં. સમીર કહા હે, હમે તો વો મીલા નહીં, મે કૈસે ઉસે હાજર કરવા દું, નિઝામ સમજી ગયો હતો કે ચાચા તેની વાત ઉપર ભરોસો કરશે નહીં, હવે તેણે ધર્મની દુહાઈ આપવાની શરૂઆત કરી તો પણ સરફરાઝ પોતાની વાત ઉપર અડી રહ્યો કે તે સમીર અંગે કોઈ જાણતો નથી, નિઝામે પોતાના ખિસ્સામાં રહેલી નમાઝની ટોપી બહાર કાઢી બતાડતા કહ્યુ 'ચાચા મે નમાઝી હું, આપ મેરે પે ભરોસા કરો, સમીર કો બુલવા લો સબ કુછ ઠીક હો જાયેગા.

તે દિવસે નિઝામ સરફરાઝને મળીને નિકળ્યો તેના થોડા દિવસ પછી અચાનક સમીરખાનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હોવાની જાહેરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. જોકે, ત્યારે તો મીડીયા દ્વારા પણ સમીરની ધરપકડના સમાચારને વધુ મહત્વ આપ્યુ નહીં, કારણ તેની ઉપર વર્ષો પહેલાનો પોલીસની હત્યાનો આરોપ હતો. જેમાં તે ફરાર હતો અને તે પકડાઈ ગયો તેવા નાના સમાચાર રૂપે અખબારમાં સ્થાન મળ્યુ હતું, નિઝામ અને સરફરાઝની મુલાકાત બાદ સમીરની ધરપકડ થવાનો સીધો અર્થ હતો કે તે નિઝામના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચ સામે હાજર થવાનો હતો. નિઝામ દ્વારા સમીરને ક્રાઈમ બ્રાન્ચમાં લાવ્યા બાદ કદાચ નિઝામને પણ ખબર ન હતી કે સમીરના કેસમાં આગળ શુ થવાનું છે. જોકે, સમીરે પોલીસની હત્યા કરી હોવાને કારણે સ્વભાવિક રીતે નાના પોલીસવાળાને સમીર સામે ગુસ્સો હતો, પણ હવે સમીર બહુ મોટા સમાચારનું રૂપ લેવાનો હતો.
(ક્રમશ)

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: