જામનગરમાં હિંદુ સેનાએ લગાવી ગોડસેની પ્રતિમા, હિન્દુ મહાસભા દરેક રાજ્યમાં લગાવશે

PC: aajtak.in

મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાને લઇને ગુજરાતમાં વિવાદ ઉભો થઇ ગયો છે. સોમવારે હિંદુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી હતી, જે મંગળવારે કોંગ્રેસના કાર્યકરોએ તોડી નાંખી હતી. બીજી તરફ હિંદુ મહાસભાએ હરિયાણાની અંબાલા જેલમાંથી માટી લાવીને ગોડસેની પ્રતિમા દરેક રાજ્યોમાં સ્થાપિત કરવાની વાત કરી છે.

 મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં નથુરામ ગોડસેને 10 ફેબ્રુઆરી 1949માં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને 15 નવેમ્બર 1949ના દિવસે ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. આ અવસર પર ગુજરાતના જામનગરમાં હિંદુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા લગાવી હતી.

 જો કે, હિંદુ સેનાએ તો આ પહેલાં 8 ઓગસ્ટે જ નથુરામ ગોડસેની પ્રતિમા લગાવવાની જાહેરાત કરી હતી, પરંતું સ્થાનિક તંત્રએ  પ્રતિમા માટે જગ્યા આપવાનો ઇન્કાર કરતા, જામનગરના હનુમાન આશ્રમમાં 15 નવેમ્બરે પ્રતિમા મુકવામાં આવી હતી.

 ગાંધીના હત્યારા ની પ્રતિમા જોઇને  કોંગ્રેસના કાર્યકરો મંગળવારે સવારે હનુમાન આશ્રમ પહોંચ્યા હતા. જામનગરના કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા અને તેના સાથીઓએ ગોડસેની પ્રતિમા તોડતી વખતે ગળામાં ભગવા પટ્ટા ધારણ કર્યા હતા.

 એક તરફ હિંદુ સેનાએ ગુજરાતમાં ગોડસેની પ્રતિમા લગાવી તો બીજી તરફ હિંદુ મહાસભાએ કહ્યુ હતું કે તેઓ હરિયાણાની અંબાલા સેન્ટ્રલ જેલમાંથી લાવેલી માટીમાંથી નથુરામ ગોડસેની પ્રતિમા બનાવશે. દક્ષિણપંથી સંગઠને આ જાહેરાત સોમવારે કરી હતી. હિંદુ મહાસભાના કાર્યકરો ગયા સપ્તાહમાં અંબાલાની જેલમાંથી માટી લાવ્યા હતા, જે જેલમાં નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને મહાત્મા ગાંધીની હત્યાના અપરાધમાં ફાંસી આપવામાં આવી હતી.

 હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જયવીર ભારદ્વાજે પત્રકારોને કહ્યું હતું કે આ માટીમાંથી મૂર્તિ બનાવીને તેને ગ્વાલિયરમાં હિંદુ મહાસાભાના કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવશે. ડો. ભારદ્વાજે કહ્યું કે હિંદુ મહાસભાના કાર્યકરોએ સોમવારે ઉત્તર પ્રદેશના મેરઠમાં બલિદાન ધામમાં ગોડસે અને આપ્ટેની પ્રતિમા સ્થાપિત કરી હતી.

તેમણે કહ્યું કે દરેક રાજ્યોમાં આ રીતે અમે બલિદાન ધામનું નિર્માણ કરીશું. ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે 1947માં દેશના વિભાજન માટે કોંગ્રેસ જવાબદાર હતી, જેને કારણે મોટા પાયે લોકોની હત્યા થઇ હતી. જો કે અધિક પોલીસ અધિક્ષક સત્યેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે  હિંદુ મહાસભાનો કોઇ સાર્વજનિક કાર્યક્રમ થયો નથી અને અહીં કોઇ પ્રતિમા પણ મુકવામાં નથી આવી. પોલીસ હિંદુ મહાસભાની ગતિવિધી પર ચાંપતી નજર રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp