હોમ આઇસોલેશનના દર્દીને હવે રેમડેસિવિર નહીં મળે...આવો તઘલખી નિર્ણય કોને લીધો?

PC: newindianexpress.com

અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા કોરોના દર્દીઓને રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં નહીં આવે તેવો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે. આ ઇન્જેક્શનની અછત નિવારવા માટે લેવાયેલા આ નિર્ણયની જેમ રાજ્યના બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રકારનો નિર્ણય લે તેવી સંભાવના છે. બીજી તરફ સરકારી ઓફિસો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં કોરોનાના ભયના કારણે કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે આવો નિર્ણય લેતાં હવે આ ઇન્જેક્શન હોસ્પિટલોમાં જ દર્દીઓને આપી શકાશે. જો કે આજે પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં રેમડેસિવિરના ઇન્જેક્શન મળતાં નથી. આ નિર્ણયના કારણે હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થવાની દહેશત છે.

કોરોના સામે લડતી દવાઓની અછતના મુદ્દે અદાલતોએ સખ્ત વલણ લીધું છે તેમ છતાં સરકાર હસ્તકની આ સંસ્થાઓ મનસ્વી નિર્ણયો લઇ રહી છે. આજે અમદાવાદની જનતા પૂર્વ કમિશનર વિજય નહેરાને યાદ કરી રહી છે જેઓ ગયા વર્ષે માર્ચમાં જ્યારે કોરોના સંક્રમણ ફેલાયું ત્યારે અમદાવાદનો હવાલો સંભાળતા હતા પરંતુ તેઓ સ્પષ્ટ વક્તા હોવાથી સરકારે તેમનું સાઇડ પોસ્ટીંગ કરી નાંખ્યું હતું. આજે તો સરકાર હોસ્પિટલોમાં પણ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી શકતી નથી.

80 ટકા દર્દીઓ કે જેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે તેઓને હવે જરૂરિયાત પ્રમાણેના ઇન્જેક્શન નહીં મળતાં તેઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે મજબૂર બનશે અને બેડની મુશ્કેલીઓ વધશે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં એવો નિર્ણય લીધો છે કે ખાનગી હોસ્પિટલો, ક્લિનિક અને નર્સિંગ હોમ પણ કોરોના દર્દીની સારવાર કરી શકશે, એટલે કે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ તેમના પરિવારના ડોક્ટર કે ક્લિનિકમાં સારવાર લઇ શકશે.

અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં આવશે તેવા આહનાએ કરેલા નિર્ણયને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રદ્દ કરી દીધો છે. આહના સંસ્થાને હવે ઇન્જેક્શન નહીં મળી શકે. આ સંસ્થાને કોર્પોરેશને માત્ર બે વખત 450 ઇન્જેક્શન આપ્યાં હતા પરંતુ ત્યારપછી તે બંધ કરી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ એવા અહેવાલ પણ છે કે આ તકને જોઇે ઝાયડસ દ્વારા ઇન્જેકશન આપવા માટેની વ્યવસ્થા કરવાની તૈયારી કરાઇ છે. અહીં લોકો થોડા સમય માટે આવીને ઇન્જેક્શન મૂકાવ્યા પછી પરત પોતાના ઘરે જઇ શકશે. હવે બીજી હોસ્પિટલો પણ આવી વ્યવસ્થા કરશે તેવું દેખાઇ રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp