પ્રેમી માટે મહિલા પુત્ર અને પતિને છોડી અમદાવાદ પહોંચી, પણ...

PC: mirror.co.uk

સોશિયલ મીડિયા ઘણી વખત લોકો માટે મુશ્કેલી ઉભી કરી દેતું હોય છે. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે સોશિયલ મીડિયામાં થયેલા પ્રેમના કારણે યુવતી કે, મહિલાને અંતે પરેશાન થવાનો વારો આવ્યો હોય. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વખત સામે આવી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે. અમદાવાદમાં રહેતા એક યુવક સાથે આણંદની એક મહિલાને પ્રેમ થયો હતો બંને વચ્ચે 30 દિવસથી વાત ચાલતી હતી અને ત્યારબાદ મહિલાએ યુવક સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી પતિ અને બાળકોને છોડી દીધા હતા. ત્યારબાદ તે અમદાવાદ પહોંચી હતી પરંતુ, અમદાવાદ પહોંચ્યા બાદ મહિલાના પ્રેમીએ તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો. 

અમદાવાદના છેવાડે આવેલા ઓડ કમોડ ગામ ખાતે મહિલા નિરાશ હાલતમાં હતી. તેથી એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાની જાણ મહિલા અભયમ હેલ્પલાઇન 181ને કરી હતી અને ત્યારબાદ મહિલા અભયમની ટીમ દ્વારા પરિણીતાનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા અભયમ હેલ્પલાઇનની ટીમે ઇન્સ્ટાગ્રામ પર પરિણીતાને દગો આપનાર યુવકના ID પર મેસેજ કર્યા હતા પરંતુ આ યુવકનો મોબાઈલ અને ઇન્ટરનેટ બંધ હતું. જોકે યુવકે પરિણીતાને દગો આપ્યો હોવાના કારણે મહિલા અભયમની ટીમે પરિણીતાને ઘરસંસાર તોડવાનો ન હોય તેવું સમજાવીને સાસરે પરત મોકલી આપી હતી.

જાગૃત નાગરિકે જ્યારે મહિલા અભયમ હેલ્પ લાઈનને ફોન કર્યો ત્યારે જણાવ્યું હતું કે, આણંદની એક મહિલા તેના 12 વર્ષના બાળક અને પતિને છોડીને અમદાવાદ તેના પ્રેમી સાથે રહેવા માટે આવી ગઈ હતી અને હવે તે પરત જવા માંગતી નથી. ફોન કરનાર વ્યક્તિની આ વાત સાંભળ્યા બાદ અભયમ હેલ્પ લાઇનના કાઉન્સિલરો તાત્કાલિક મહિલા પાસે પહોંચ્યા હતા અને મહિલાની પૂછપરછ કરતાં તેણે પણ જણાવ્યું હતું કે, તે બાર વર્ષના દીકરા અને પતિ સાથે આણંદમાં રહે છે. પતિ દાળવડાનો ધંધો કરી દર મહિને 40 હજારની કમાણી કરે છે અને ખૂબ સારી રીતે પતિ તેને રાખે છે. પરિણીતાએ એવું પણ કહ્યું હતું કે, 30 દિવસથી તે અમદાવાદમાં રહેતા એક યુવક સાથે ઇન્સ્ટાગ્રામની મદદથી વાતચીત કરતી હતી અને વાતચીત દરમિયાન તેને યુવક સાથે પ્રેમ થયો હોવાથી, તે યુવક સાથે લગ્ન કરવા માગતી હતી. તેથી તે ઘર, પતિ અને દીકરાને છોડીને અમદાવાદ આ યુવક સાથે લગ્ન કરવા માટે આવી હતી. અમદાવાદ આવીને યુવકને ફોન કરતા તેનો મોબાઈલ ફોન બંધ આવતો હતો અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ મેસેજ જતો નહોતો કારણકે યુવકનું નેટ બંધ હતું. અંતે પરિણીતાને તેના સાસરે અભયમ હેલ્પલાઇન દ્વારા મોકલી દેવામાં આવી હતી અને સાસરિયાઓ અને પતિએ પણ પરિણીતાનો સ્વીકાર કરતા મહિલાનું મિલન ફરીથી પુત્ર અને પતિ સાથે થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp