અમદાવાદમાં સવારે ABVPએ 100 રૂમાં RT-PCR ટેસ્ટની જાહેરાત કરી, રાતે ફિયાસ્કો થયો

PC: DainikBhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. લોકો માટે કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતકરૂપ સાબિત થઇ રહી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અથાગ મહેનત કરવામાં આવતી હોવા છતાં પણ લોકોને હોસ્પિટલોની બહાર બેડ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા અને પોઝિટિવ દર્દીને શોધવા માટે અલગ-અલગ શહેરની મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોનો રેપિડ ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ RT-PCR ટેસ્ટમાં પણ વેઇટિંગ વધી ગયું છે અને લોકોને ત્રણ-ત્રણ દિવસ સુધી રાહ જોવાનો વારો આવ્યો છે.

થોડાં દિવસો પહેલાં રાજ્ય સરકાર દ્વારા RT-PCR ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કર્યો હતો અને હવે 700 રૂપિયામાં આ ટેસ્ટ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થી સંગઠન ABVP પણ મેદાને ઉતર્યુ હતું. ABVPએ જાહેરાત કરી હતી કે, સરકારી હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ માટે લોકોને લાંબી રાહ જોવી પડી રહી છે. આ ઉપરાંત, જો વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં પોતાનો ટેસ્ટ કરાવે તો તેમને 700 રૂપિયા આપવા પડે છે. એટલા માટે જરૂરિયાતમંદ લોકોને મંગળવારથી ABVP કાર્યાલય પર માત્ર 100 રૂપિયામાં લોકો RT-PCR ટેસ્ટ કરાવી શકશે.

આ જાહેરાત કર્યા બાદ રાત પડતા જ RT-PCR ટેસ્ટ મુલતવી રાખવાનું નક્કી કર્યું હતું એટલે, પહેલા જાહેરાત કરીને લોકોને સપના બતાવ્યા અને ત્યારબાદ એકાએક જ આ ટેસ્ટ મુલતવી રાખવાની જાહેરાત કરી. જે સમયે આ જાહેરાત કરવામાં આવી હતી તે સમયે ABVPના આગેવાન વિશાલ ખટીકે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 100 રૂપિયામાં RT-PCR ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણયમાં ABVPની સાથે નેશનલ મેડીકો ઓર્ગેનાઇઝેશન અને જન શતાબ્દી સેવા સમિતિ પણ સાથે હતી. પાલડી ખાતે આવેલી કાર્યાલય પર પ્રતિદિન 100 વ્યક્તિનો 100 રૂપિયા માટે ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટેસ્ટ કર્યા બાદ વ્યક્તિનો રિપોર્ટ વ્યક્તિને મોબાઈલ નંબર પર જ મોકલવાનું નક્કી થયું હતું. પરંતુ ABVPની આ જાહેરાતનો રાત પડતા જ ફિયાસ્કો થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp