અમદાવાદમાં માસ્ક પહેર્યા વગરની પોલીસે કારચાલક પાસે માસ્ક ન પહેરવા દંડ માગ્યો પછી

PC: dainikbhaskar.com

રાજ્ય સરકાર દ્વારા અનલોક દરમિયાન રાજ્યના લોકોને ઘણી રાહત આપવામાં આવી છે. પરંતુ કોરોનાનું સંક્રમણ અટકાવા માટે લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા માટેની સુચના આપવામાં આવી છે. જો લોકો ઘરની બહાર માસ્ક પહેર્યા વગર નીકળે છે તો લોકોને પોલીસ, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. પરંતુ પોલીસ માસ્ક ન પહેરે તો તેઓને કોણ દંડ કરશે? અમદાવાદમાં માસ્ક ન પહેરીને એક મહિલા પોલીસકર્મીએ કાર ચાલક સામે વર્દીનો રોફ બતાવ્યો હતો અને કાર ચાલકની સામે કેસ કરવાની ચીમકી આપી હતી. કાર ચાલકનો વાંક એટલો હતો કે, તેને કારમાં માસ્ક થોડી વાર માટે ઉતાર્યું હતું. જેથી પોલીસે કાર ચાલક સામે કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટના અમદાવાદ એરપોર્ટ પાસે બનવા પામી હતી. જો કે, કાર ચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

કાર ચાલક વીડિયોમાં કહે છે કે, મેડમ તમે માસ્ક પહેર્યું નથી અને મેં તો એક મિનીટ માટે જ માસ્ક કાઢ્યું છે તો શું થયું. સર તમે પણ માસ્ક નથી પહેર્યું અત્યારે તમે માસ્ક ચડાવ્યું. મેં તો એક સેકન્ડ માટે જ માસ્ક ઉતાર્યું હતું અને કારમાં હું એકલો જ છું. વીડિયોમાં મહિલા પોલીસકર્મી કાર ચાલકને ધમકાવતા એવું પણ બોલે છે કે, તારી પર જાહેરનામાં ભંગનો કેસ કરવાનો છે. કાર ચાલકે પોલીસની દાદાગીરીનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ ઘટના પરથી એવું શાબિત થાય છે કે, હજુ પણ કેટલાક પોલીસકર્મીઓને નિયમોની ખબર નથી અથવા તો પોલીસ લોકોને વર્દીનો રોફ બતાવવા માટે હેરાન પરેશાન કરે છે. આ ઘટનામાં કાર ચાલક કારમાં એકલો હતો એટલે તેને માસ્ક પહેરવું ફરજીયાત નથી. આ સ્પષ્ટતા રાજ્યના ગૃહ વિભાગે કરી હતી. રાજ્યના ગૃહ વિભાગેકારમાં માસ્ક પહેરવા બાબતે સ્પષ્ટતા કરી હતી કે, કારમાં ડ્રાઈવિંગ કરતા સમયે કારની અંદર એક વ્યક્તિ હશે, તો તેને ફરજીયાત માસ્ક પહેરવું જરૂરી નથી. તે વ્યક્તિ માસ્ક પહેર્યા વગર પણ ડ્રાઈવિંગ કરી શકશે પરંતુ જ્યારે પોલીસ કારને રોકીને કાર ચાલકની પૂછપરછ કરે તે સમયે તેને ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. આ ઉપરાંત જો કારમાં બે વ્યક્તિ હશે તો બંનેએ માસ્ક પહેરવું પડશે અને જો માસ્ક ન હોય, તો કોઈ પણ સાદા કપડાથી વ્યક્તિએ પોતાનું મો અને નાક બરાબર ઢાંકવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp