ગાંધીનગરમાં રેશનકાર્ડ પર અનાજ લેતા શ્રીમંત ગરીબો પર તંત્રની તવાઈ

PC: youtube.com

ગરીબ લોકોને સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે પરંતુ અવાર નવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે, ઘણા પૈસા ટકે સદ્ધર લોકો ગરીબ બનીને અનાજ મેળવે છે અને ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

પૈસાદાર ઘરના જે લોકો ગરીબ બનીને અનાજ લે છે તેવા લોકોની સામે કાર્યવાહી કરવા માટે અને આવા લોકોની માહિતી મેળવવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યા છે અને જેમાં RTO પાસેથી વાહનમાલિકોને યાદી માગવામાં આવી છે.

RTOઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને જ્યારે વાહન માલિકોની યાદી તૈયાર કરીને આપવામાં આવશે ત્યારબાદ વહીવટી તંત્ર તેમના મામલતદારોને આ યાદી આપશે અને ત્યારબાદ મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવશે કે મોંઘા વાહનો ધરાવનારા કેટલા લોકો NSFA હેઠળ ગરીબોને આપવામાં આવતું અનાજ મેળવી રહ્યા છે.

ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા આવા અમીર ઘરના ગરીબ લોકોનું અનાજ અને રેશન કાર્ડ બંધ કરવામાં આવી શકે છે. મહત્ત્વની વાત છે કે, ક્યારેક એવા પણ કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે, ઘણા લોકો રેશનકાર્ડનું અનાજ લેતા ન હોય અને દુકાનદાર બોગસ પુરાવાઓ રજૂ કરીને અલગ-અલગ લોકોના નામે અનાજ લઈને તેનું બારોબાર વેચાણ કરી દેતા હોય છે. જ્યારે આ વાત લોકો સામે આવે છે ત્યારે દુકાનદાર સામે કાર્યવાહી થાય છે. ત્યારે હવે ગાંધીનગરમાં આવી ગેરરિતીને રોકવા અને ગરીબોનું અનાજ ગરીબ લોકો સુધી પહોંચે એટલા માટે અમીર હોવા છતાં પણ ગરીબ બનીને અનાજ લેતા લોકો સામે કાર્યવાહી કરવા માટે પુરવઠા વિભાગ દ્વારા RTO પાસેથી વાહનમાલિકોને વિગત માગવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, અગાઉ છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં પણ પુરવઠા વિભાગ દ્વારા વૈભવી કાર ધરાવનારા 150 જેટલા રેશનકાર્ડ ધારકોનુ અનાજ બંધ કરવામાં આવ્યું હતું. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં RTO ઓફિસ દ્વારા કાર ધરાવતા લોકોની યાદી પુરવઠા વિભાગને આપવામાં આવી હતી. ત્યારબાદ પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંખેડા તાલુકામાં 150 લોકો એવા છે કે જેઓ પોતાના નામે ફોર વ્હીલર કાર ધરાવે છે. છતાં પણ સસ્તું અનાજ મેળવે છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ લોકોના રેશનકાર્ડમાં મળતું અનાજ બંધ કરવામાં આવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp