રાજ્યમાં એમ્બ્યુલન્સની અછત સર્જાતા, લોકો વૈભવી કારોને બનાવી રહ્યા છે એમ્બ્યુલન્સ

PC: Dainikbhaskar.com

રાજ્ય અને દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોએ એમ્બ્યુલન્સ અને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ડબલ ભાવે એમ્બ્યુલન્સની સુવિધા આપતા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આજે એવા બે વ્યક્તિઓની વાત કરવી છે કે, જેમણે લોકોની મદદ કરવા માટે પોતાની વૈભવી કારને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરી દીધી અને તેઓ પોતાની કાર દર્દીઓ માટે ફ્રીમાં આપી રહ્યા છે અને તેમની પાસેથી એક પણ રૂપિયો લેતા નથી.

રિપોર્ટ અનુસાર, કોરોનાની મહામારી વચ્ચે ધ્રોલમાં રહેતા ભાવિન અનડકટ અને તેના ભાઈ જતીન અનડકટે કોરોનાના દર્દીઓ માટે પોતાની વૈભવી કારને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરી દીધી છે. મહત્ત્વની વાત છે કે, ધ્રોલમાં કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ સારવારની જરૂર પડે તો તેમણે સારવાર માટે જામનગર, રાજકોટ અથવા અમદાવાદ જવું પડે છે અને હાલ વર્તમાન સમયમાં ઓક્સિજનની અછતના કારણે દર્દીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બંને ભાઈઓએ પોતાની માલિકીની ઈનોવા કારને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરી દીધી છે અને તેઓ દર્દીઓ પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી રહ્યા છે. આ બંને ભાઈઓએ પોતાની કારમાં પોતાના ખર્ચે પાંચ ઓક્સિજન સિલિન્ડર પણ લગાવ્યા છે, જેથી દર્દીઓને રાહત મળી શકે.

ઉલ્લેખનીય છે કે, આ બંને ભાઈઓ છેલ્લાં ઘણા વર્ષોથી સમાજસેવાના કાર્યો કરે છે. કુદરતી મુશ્કેલી હોય કે, કોઈ પણ સમાજ સેવાનું કામ હોય આ બંને ભાઈઓ અગ્રેસર રહે છે અને હાલ કોરોનાની મહામારીના કપરા સમયમાં બંને ભાઈઓએ નિઃસ્વાર્થ પણે લોકોની સેવા કરવા માટે પોતાની વૈભવી કારને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરી દીધી છે.

આવી જ એક બીજી ઘટના જામનગરમાં સામે આવી છે કે, જ્યાં એક સેવાભાવી વ્યક્તિ એ દર્દીઓને એમ્બુલન્સની જરૂર પડતા પોતાની લાખો રૂપિયાની લેન્ડ રોવર કારને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરીને દર્દીઓને ઉપયોગી થવાનો નિર્ધાર કર્યો છે. આ વ્યક્તિનું નામ ભરત કણસાગરા છે અને તેઓ તેમની લાખો રૂપિયાની લેન્ડ રોવર કારનો ઉપયોગ કોરોના દર્દીઓને લાવવા લઈ જવા માટે કરી રહ્યા છે.

થોડાં દિવસો પહેલાં ભરતભાઈના સંબંધીને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા મળી ન હતી તેથી ભરત કણસાગરાએ વિચાર કરીને પોતાની લેન્ડ રોવર ગાડીને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરી દીધી અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં સેવામાં પોતાની કાર મુકી દીધી. આ કોવિડ સેન્ટરમાં હાલ 50 બેડ ઉપલબ્ધ છે અને લેન્ડ રોવર કારનો પણ ઉપયોગ દર્દીઓને લાવવા લઈ જવા માટે થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp