રાજકોટમાં મુખ્યમંત્રી કોંગ્રેસના આગેવાનોને મળ્યા પરંતુ આપના આગેવાનોને ન મળ્યા

PC: Dainikbhaskar.com

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાની મુલાકાતે ગયા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધે એટલા માટે તેમણે જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસના આગેવાનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના આગેવાનો સાથે પણ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજકોટના નવા કમિશનરની નિમણૂક કરવામાં આવે અને રાજકોટમાં જે વિકાસના કાર્યો અટકી પડ્યા છે તે કાર્યને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત આવેદન આપીને કરવામાં આવી હતી.

મહત્ત્વની વાત છે કે, રાજકોટ જિલ્લાની મુલાકાતે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા તે સમયે તેમને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના આગેવાનોને તેઓ મળ્યા ન હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જવા રવાના થતા હતા તે સમયે આમ આદમી પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને મળવા માટેનો સમય આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા માંગવામાં આવ્યો હતો, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને મળવાનો સમય આપ્યો ન હતો અને તેઓ મળ્યા વગર જ ગાંધીનગર જવા રવાના થયા હતા. તેથી આ બાબતે આમ આદમી પાર્ટીના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો અને તમામ આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી પર ગયા હતા અને ત્યાં જ ધરણાં પર બેસીને તેમને વિરોધ નોંધાવ્યો હતો. 

રાજકોટની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના હેમુ ગઢવી હોલમાં સાંસદ સભ્યો, ધારાસભ્યો અને જિલ્લાના ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો સાથે એક બેઠક કરી હતી અને તેમને તમામને એક જ સલાહ આપી હતી કે, જે લોકો ચૂંટાયા છે આ ઉપરાંત જે આગેવાન હોય કે, પછી પક્ષમાં હોદ્દેદારો હોય તેમને આગામી ચૂંટણીમાં ટિકિટ પર ધ્યાન આપવાના બદલે ભાજપનો વિજય કઈ રીતે થાય તેના પર ધ્યાન આપવું જોઈએ.

પક્ષ દ્વારા જ આપણે સૌ મોટા થયા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું હતું કે, ધારાસભ્યની ટિકિટ કોઈને પણ મળે આપણે ભાજપને વિજય કરવાનો નિશ્ચય કરવો જોઈએ અને રાજકોટ સહિત ગુજરાતમાં જે પરિણામો આવે તે સીધા દિલ્હી સુધી પહોંચે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે એટલે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને પક્ષની ચિંતા કરવા બાબતે સૂચન કર્યું હતું. 

રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા બાદ તેઓ સીધા રામપરા બેટી ખાતે જવા રવાના થયા હતા. ત્યાં તેમને વિચરતી વિમુક્ત જાતિઓ માટે જે મકાનોનું નિર્માણ કરવામાં આવ્યુ હતું તેનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત 300 પ્લોટ લાભાર્થીઓને વિતરણ કર્યા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 200 રૂમની એક હૉસ્પિટલના નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp