સંબંધ નહીં હોવાનો વિશ્વાસ પતિને અપાવવા સુરતમાં પરિણીતાએ પ્રેમી પર એસીડ ફેંક્યું

PC: youtube.com

પ્રેમીએ અથવા તો કોઈ રોમિયોએ મહિલા કે યુવતી પર પ્રેમની કબુલાત કરવા માટે અથવા તો પોતાની સાથે મિત્રતા કરવા માટે એસીડ એટેકની ધમકી આપી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે અને ક્યારેક પ્રેમિકા પ્રત્યે રોષ રાખીને પ્રેમીએ તેના પર એસીડ એટેક કર્યો હોવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે આવી ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં એક પરિણીતાએ તેના પતિને વિશ્વાસ અપાવવા માટે પ્રેમી પર એસીડ ફેંક્યું હતું. આ ઘટનામાં પ્રેમીની સાથે-સાથે પતિને પણ એસીડના છાંટા ઉડ્યા હોવાના કારણે પતિ અને પ્રેમી બંને દાઝ્યા હતા. તેથી બંનેને એક જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં સાંઈકૃપા સોસાયટી આવેલી છે. જેમાં પ્રિન્સ શાહુ નામનો 20 વર્ષનો યુવક તેના પરિવારની સાથે રહે છે. પ્રિન્સ કોલેજ કરે છે. દોઢેક વર્ષ પહેલા પ્રિન્સનો સંપર્ક ગોડાદરા વિસ્તારમાં કાપડની દુકાન ધરાવતા ભાવેશ મેવાળા નામના વ્યક્તિ સાથે થયો હતો. ભાવેશ પણ ગોડાદરા વિસ્તારનો રહેવાસી હતો. તે ગોડાદરામાં આવેલી કેશવપાર્ક સોસાયટીમાં રહેતો હતો. પ્રિન્સને ભાવેશ સાથે સારા સંબંધો કેળવાય બાદ તે ભાવેશના ઘરે અવાર નવાર જતો હતો. ભાવેશના ઘરે ગયા બાદ પ્રિન્સ ભાવેશની પત્ની પૂજાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ પ્રિન્સ અને પૂજા એકબીજા સાથે વાતચીત પણ કરવા લાગ્યા હતા.

થોડા સમયમાં ભાવેશ પત્ની પૂજા અને પ્રિન્સની મુલાકાત પ્રેમમાં બદલી ગઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. ત્યારબાદ સમય જતા ભાવેશને તેની પત્ની પૂજા અને પ્રિન્સ વચ્ચેના સંબંધની ખબર પડી હતી. તેહી ભાવેશે પૂજાને આ બાબતે વાત કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ભાવેશે તેની પત્નીને સમજાવી હતી પણ પ્રિન્સને કઈ પણ કહ્યું ન હતું. સોમવારના રોજ બપોરે પ્રિન્સ ભાવેશની દુકાન પર બેસવા ગયો હતો. ત્યારબાદ થોડા સમય પછી ભાવેશ અને તેની પત્ની પૂજા પ્રિન્સ પાસે આવ્યા હતા. પણ પ્રિન્સ કઈ સમજે તે પહેલા જ પૂજાએ તેની પાસે રહેલું એસીડ પ્રિન્સ પર નાંખી દીધું હતું. એસીડના કેટલાક ટીપાં ભાવેશને પણ ઉડ્યા હોવાના કારણે તે અને પ્રિન્સ બંને દાઝ્યા હતા અને બંનેને તાત્કાલિક અસરથી લોકો દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ ગોડાદરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પ્રિન્સની ફરિયાદ લઇને ભાવેશ અને તેની પત્ની પૂજા સામે ગુનો દાખલ કર્યો હતો. પૂજાએ પ્રિન્સ પર એસીડ એટેક કરવાનું કારણ જાણવા મળ્યું છે કે, પૂજા અને ભાવેશ વચ્ચે પ્રિન્સના કારણે ઝઘડાઓ વધતા હતા. તેથી પૂજાને પ્રિન્સ સાથે કોઈ સંબંધ નથી તેવો વિશ્વાસ પતિને અપાવવો હતો. એટલા માટે જ પૂજાએ પ્રિન્સ પર એસીડ ફેંક્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp