ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 20 દિવસમાં જૂની આ 5 જાહેરાતો બીજી વાર કરાઇ

PC: facebook.com/MYogiAdityanath

કોરોનાની મહામારી વચ્ચે એક તરફ વિકાસના કામો માટે સરકાર પાસે પૈસા ખુટી રહ્યા છે. સરકાર આર્થિક સંકટને પહોંચી વળવા અધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં કાપ મુકી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા અલગ-અલગ નવા કામોની જાહેરાત કરવામાં આવે છે પરંતુ સરકારને ખબર નથી કે, જનતા ખૂબ જ ચાલાક છે. આ કહેવાનું કારણ એ છે છેલ્લા 20 દિવસની અંદર સરકારે માત્ર દેખાડો કરવા માટે પાંચ જાહેરાતો બીજી વખત કરી છે. આ 5 યોજનાઓની જાહેરાત 2015, 2019 અને 2020માં સરકાર દ્વારા અગાઉ કરવામાં આવી છે.

સરકાર જાણે જૂની જાહેરાતોને રિપેકેજિંગ કરી નવા નામ સાથે નવી જાહેરાત કરતી હોય તેવું લાગી રહ્યું છે અને આવું કરવા પાછળનો સરકારની હેતુ પ્રચાર-પ્રસારનો હોઈ શકે છે. ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીના કહેવા અનુસાર કોરોનાની મહામારીની વચ્ચે સરકારની આવક ઘટી હોવાથી સરકારને કોઈ નવી જાહેરાતો કરીને નવા ખર્ચ કરવો તેમ પોસાય એમ નથી. જેના કારણે આ જાહેરાત નવેસરથી કરવામાં આવે છે અને આ કમાલ માટે સરકારે હાયર કરેલી PR એજન્સીઓનો છે. આવું કરવાથી સરકારનો સારો પ્રચાર પ્રસાર થાય છે.

સરકારે છેલ્લા 20 દિવસની અંદર જે 5 જાહેરાતો બીજી વાર કરી છે, તેમાં ભાવનગર CNG ટર્મિનલ, 70 માળની બિલ્ડીંગ, કૃષિ વિષયક જાહેરાત, સરકારી નોકરીમાં ભરતીની જાહેરાત અને જૂનાગઢમાં ભૂગર્ભ ગટર યોજનાની જાહેરાતનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા ભાવનગરમાં CNG ટર્મિનલની જાહેરાત પહેલી વખત 10 નવેમ્બર 2019માં કરવામાં આવી હતી અને આ જાહેરાત બીજી વખત 15 સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી છે.

સરકાર દ્વારા 70 માળના બિલ્ડિંગને મંજૂરી મળશે તેવી જાહેરાત 24 સપ્ટેમ્બર 2019ના રોજ કરવામાં આવી હતી અને બીજી વખત જાહેરાત 18 ઓગસ્ટ 2020ના રોજ કરવામાં આવી છે.

કૃષિ વિષયક જાહેરાત અગાઉ સરકારે 26 ફેબ્રુઆરી 2020માં કરી હતી અને ફરીથી 10 સપ્ટેમ્બર 2020ના રોજ કૃષિ વિષયક જાહેરાત કરવામાં આવી છે.

સરકારી નોકરીમાં ભરતી અંગેની જાહેરાત સરકારે 5 સપ્ટેમ્બર 2020માં કરી હતી. ભરતી મામલે કોઇ મોટી જાહેરાત સરકારે કરી હોય તે રીતે સરકાર અવાર નવાર આ મુદ્દાનો ઉલ્લેખ કરતી રહે છે.

જૂનાગઢમાં ભૂગર્ભ ગટર યોજના બાબતેની જાહેરાત પહેલીવાર સરકાર દ્વારા વર્ષ 2015માં કરવામાં આવી હતી અને ફરીથી બીજી વખત 29 ઓગસ્ટ 2020ના રોજ આ જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CNG ટર્મિનલના ટેન્ડર બાબતેની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે આ બાબતે જાહેરાત કરી હતી પરંતુ આજે તેના લેટર ઓફ ઈન્ટેન્ટ રજૂ થયા બાદ બીજીવાર જાહેરાત કરવામાં આવી છે અને ભવિષ્યમાં CNG ટર્મિનલનું ખાત મુહૂર્ત થશે ત્યારે ફરી સરકાર જાહેરાત કરશે. CNG ટર્મિનલનો MOU જાન્યુઆરી 2019માં થયો હતો અને ત્યારે જ સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ વતી આ જાહેરાત કરી હતી પરંતુ 10 નવેમ્બર 2019ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CNG ટર્મિનલને સૈદ્ધાંતિક મંજૂરી આપી ત્યારે ફરીથી તેની જાહેરાત કરી છે.

ગુજરાતમાં 70 કે, તેથી વધુ માળની ઇમારતો બનાવવા બાબતે ગુજરાતના 4 મહાનગરોમાં 18 ઓગસ્ટ 2020ના રોજ GDCRમાં ફેરફારો કરવા બાબતેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 24 સપ્ટેમ્બર 2019ના રોજ અમદાવાદમાં બિલ્ડર એસોસિયેશન ક્રેડાઇના સમારોહમાં આ જાહેરાત કરી હતી.

કૃષિ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 સપ્ટેમ્બરના રોજ સાત પગલાં કૃષિ કલ્યાણ યોજનાનું ઇ-લોન્ચિંગ કર્યુ હતું પરંતુ આ યોજના બજેટમાં કરાયેલી જાહેરાતોનું રિપેકેજિંગ છે. ફેબ્રુઆરીમાં નાણામંત્રી નીતિન પટેલ આ તમામ યોજનાઓની જાહેરાત કૃષિ વિભાગના વર્ષ 2020-21ના નાણાકીય વર્ષની અંદાજપત્રમાં જોગવાઈ કરી હતી અને હવે આ જોગવાઈ અનુસાર તૈયાર થયેલી અલગ-અલગ યોજનાને એક સાથે ભેગી કરીને સાત પગલા કૃષિ કલ્યાણ યોજના નામ આપવામાં આવ્યું છે.

જૂનાગઢમાં ભૂગર્ભગટર બનાવવાની યોજનાની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી દ્વારા આ બાબતે 320 કરોડ રૂપિયાનું કામને મંજૂરી અપાય છે પરંતુ અગાઉ PMOએ દેશના અલગ-અલગ શહેરોને સ્માર્ટસિટીમાં બદલવા માટે અમૃત યોજનામાં 2015માં જૂનાગઢમાં 324 કરોડની ગટર યોજનાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp