વડોદરાની શાકમાર્કેટમાં વેપારીઓ હાથમાં મૂળા અને કોબી લઈ ગરબે રમ્યા, જુઓ ફોટા

PC: dainikbhaskar.com

નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે ગરબા યોજવાની મનાઈ કરી હોવાથી કોઈ પણ જગ્યા પર નવરાત્રીમાં આ વર્ષે ગરબાનું આયોજન થયું નથી. તેથી ખેલૈયાઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.

રાજ્ય સરકારે લોકોની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં લઈને 200 લોકોની મર્યાદામાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરીને માતાજીની પૂજા-અર્ચના કરવાની છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગરબાનું આયોજન ન થાય તે બાબતે રાજ્યની પોલીસ દ્વારા પણ અલગ-અલગ સોસાયટીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

જે જગ્યા પર નિયમનો ભંગ થશે તે જગ્યા પર જવાબદાર લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રીના પહેલા નોરતે વડોદરાની એક શાકમાર્કેટમાં રાજ્ય સરકારના નિયમોનો ભંગ જોવા મળ્યો હતો. વડોદરાની શાકમાર્કેટમાં વેપારીઓ હાથમાં શાકભાજી લઈને માસ્ક અને સામાજિક અંતરના નિયમો નેવે મૂકીને ગરબે રમતા જોવા મળ્યા હતા.

રિપોર્ટ અનુસાર વડોદરામાં આવેલી ખંડેરાવ શાકમાર્કેટમાં વેપારીઓ હાથમાં દાંડિયાના બદલે શાકભાજી લઈને ગરબા રમ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. માર્કેટમાં સૌથી પહેલાં ત્રણથી ચાર વેપારીઓએ ગરબે રમવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ સાતથી આઠ વેપારીઓ ગરબામાં જોડાયા હતા. વેપારીઓ પોતાના હાથમાં દાંડિયાના બદલે કોબી અને મૂળા જેવા શાકભાજી લઈને ગરબે રમતા નજરે ચઢયા હતા.

કોરોનાની મહામારી વચ્ચે વેપારીઓ ગરબે રમતા-રમતા સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું પણ ભૂલ્યા હતા. ગરબે રમતા સમયે પણ શાકભાજીવાળાઓએ પોતાના મોઢા પર માસ્ક પહેર્યુ ન હતું. વેપારીઓ માર્કેટમાં શાકભાજી હાથમાં લઈને ગરબે રમતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે જોવાનું એ રહે છે કે, વડોદરા પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા વેપારીઓ સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે, એક તરફ રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લોકોને એકઠા થઈને ગરબા રમવાની મનાઈ કરી રહી છે અને તેવામાં આ વેપારીઓ નિયમોનો ભંગ કરીને ગરબે રમતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp