ગુજરાતમાં દારૂ રોકવાના પ્રયત્નોમાં ગાંજો પકડાયો, 20 કિલો સાથે મહિલા પકડાઇ

PC: khabarchhe.com
એક તરફ પોલીસ રાજયમાં ઘુસી રહેલા દારૂને રોકવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે છેલ્લાં કેટલાય મહિનાથી ગુજરાતમાં વિવિધ માર્ગે ગાંજો ઘુસાડવામાં આવી રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં અમદાવાદ, ભાવનગર અને રેલવે પોલીસ દ્વારા 27 કિલો કરતા વધુ ગાંજાનો જથ્થો પકડયો છે. જો કે રેલવે પોલીસ અને સીઆઈડી ક્રાઈમના જોઈન્ટ ઓપરેશનમાં ગાંજો આપવા આવેલી એક મહિલા સહિત બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
 
સીઆઈડી ક્રાઈમ રેલવેમાં હેડકોન્સટેબલ પરિમલ ઈદ્રપાનીને માહિતી મળી હતી કે સુરતથી રેલવેમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો આવી રહ્યો છે. આ માહિતીને આધારે રેલવે ડીવાયએસપી પી પી પીરોજીયાએ અમદાવાદ રેલવે ઉપર સર્વેલન્સ વધારી દીધું હતું. જો કે રેલવે પોલીસના સર્વેલન્સ છતાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ગાંજો અને તેને લઈ આવનારી વ્યકિત પકડાઈ નહીં. દરમિયાન રેલવે પોલીસને જાણકારી મળી કે ગાંજાનો જથ્થાની ડીલીવરી સરખેજ રોડ ઉપર થવાની છે.
 
આથી રેલવે પોલીસે આ મામલે ડીઆઈજી ગૌતમ પરમારને માહિતગાર કર્યા હતા, આમ રેલવેના કાર્યક્ષેત્ર બહારનું ઓપરેશન હોવાને કારણે ડીજીપી આશીષ ભાટીયાએ આ મામલે જોઈન્ટ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઓપરેશનમાં સીઆઈડી ક્રાઈમ નાર્કોટીકસ સેલના ડીવાયએસપી શંકર ચૌધરી અને તેમની ટીમને સામેલ કરવામાં આવી હતી રેલવે પોલીસ અને સીઆઈડી ક્રાઈમની ટીમ સાણંદ સરખેજ હાઈવે ઉપર ગોઠવાઈ ગઈ હતી.
 
આ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ યુવક નજરે પડયો હતો. તે બાઈક લઈ આવ્યો હતો અને કોઈકની રાહ જોઈ રહ્યો હતો, થોડીવાર પછી ત્યાં એક ઓટો રીક્ષા આવી હતી જેમાં એક મહિલા હતી રીક્ષા ઉભી રહેતા આ યુવક ત્યાં આવ્યો હતો અને તે રીક્ષામાં રહેલા પેકેટ ઉતારવા લાગ્યો હતો આ વખતે પોલીસની ટીમ તે યુવકને ત્રણે તરફથી કોર્ડન કરી લીધો પણ પોલીસ આવી ગઈ છે તેવી શંકા જતાં યુવક ભાગ્યો હતો જેનો પોલીસે પણ પીછો કર્યો હતો જો કે તે દરમિયાન યુવક ખેતરની વાડમાં પટકાયો હતો અને તેના થાપાના ભાગે ઈજા થઈ હતી
 
પોલીસે તેની પાસે રહેલા પેકેટ ચેક કરતા તેમાંથી 20 કિલો ગાંજો મળી આવી ગયો  ગાંજો લેવા આવનાર લક્ષ્મણ સોંલકી માંડલનો વતની છે, જયારે રીક્ષામાં આવેલી મહિલા જશોદા સથવારા વટવા વિસ્તારમાં રહે છે. પોલીસે નાર્કોટીકસ એકટ હેઠળ લક્ષ્મણ અને જશોદાની ધરપકડ કરી હતી જો કે લક્ષ્મણ ઈજાગ્રસ્ત હોવાને કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જશોદાની પુછપરછમાં તેને આ ગાંજાનો જથ્થો કોઈ ફિરોઝ નામની વ્યકિતએ અહિયા આપવાની સુચના આપી હતી, હવે આ મામલે સીઆઈડી ક્રાઈમ અમદાવાદ ઝોન તપાસ ચલાવી રહ્યુ છે કે જથ્થો કયાંથી કોણે મોકલ્યો હતો અને કોના સુુધી તે જવાનો હતો.
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp