વડોદરામાં માસ્ક વગર કારમાં ફરતા યુવકે પોલીસને કહ્યું- તારી ઓકાત નથી કાર રોકવાની

PC: youtube.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધતા હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરની બહાર નીકળતા સમયે ફરજિયાત માસ્ક પહેરવાનું સૂચન કરવામાં આવે છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા માસ્ક ન પહેરતા અને સામાજિક અંતર જાળવતાં લોકો પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવે છે. તો કેટલીક વખત આ દંડની વસૂલાત દરમિયાન લોકો સાથે પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓને ઘર્ષણ થયુ હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. જેમાં નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી જ્યારે સાંજના સમયે લોકોને દંડ કરી રહ્યા હતા ત્યારે બે યુવકોએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને ઘર્ષણ પણ કર્યુ હતું. યુવકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હોવાના કારણે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેના કારણે પોલીસે બંને યુવકોની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર વડોદરાના રાજમહેલ રોડ પર કુંજ પ્લાઝા સામે આવેલા રસ્તા પર નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા વાહનચાલકો અને રસ્તા પર માસ્ક પહેર્યા વગર પસાર થતા લોકોને દંડ કરવામાં આવતો હતો. તે દરમિયાન કાર લઇને બે યુવકો પસાર થઈ રહ્યા હતા અને કારમાં બેઠેલા બંને યુવાનોને માસ્ક પહેર્યું ન હોવાના કારણે પોલીસે તેમની કાર અટકાવી હતી અને દંડ માગ્યો હતો પરંતુ દંડ ન ભરવા માટે કારમા બેસેલા યુવકોએ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. આ ઉપરાંત પોલીસ સામે અનેકો દલીલ કરીને બંને યુવકો ઉગ્ર બન્યા હતા. ત્યારબાદ યુવકો ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. કારમાં બેઠેલા બંને યુવકોએ પોલીસને દંડ ન ભરવા કહ્યું હતું કે, એક પણ રૂપિયો નહીં ભરાય તમારાથી થાય તે કરી લો. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે, મારી કાર રોકવાની તારી ઓકાત નથી, તારી નોકરી છોડાવી દઈશ. આ પ્રકારની ધમકી પણ એક LRDના જવાનને આપી હતી.

બંને યુવકો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા હોવાના કારણે લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ PSI એમ.ડી હડિયાને થતા તેઓ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરી રહેલા બંને યુવકોની અટકાયત કરીને તેમની સામે ગુનો દાખલ કરી તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp