કોંગ્રેસ ના હોત તો અમે ગુજરાતમાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવત: ઈસુદાન ગઢવી

PC: deccanherald.com

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ શુક્રવારે કહ્યું હતું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ ના હોત તો AAP પંજાબની જેમ ગુજરાતમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવાની સ્થિતિમાં હોત. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ પર હુમલો કર્યો અને પાર્ટીને BJPની બી ટીમ કહી હતી. AAPના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વીડિયો વિશે એક સવાલનો જવાબ આપતા ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ વોટ વેચી રહી છે અને આગળ પણ તેના ધારાસભ્ય ખરીદાવા માટે ઉપલબ્ધ રહેશે. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો એક વીડિયો જાહેર કરી જનતાને કોંગ્રેસને વોટ ના આપવાની અપીલ કરી હતી.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ગોવામાં અરવિંદ કેજરીવાલે મતદાતાઓને કહ્યું કે, તેઓ કોંગ્રસને વોટ ના આપે. તેમણે આવુ એટલા માટે કહ્યું કારણ કે જો તેમણે કોંગ્રેસને વોટ આપ્યો તો તેના ધારાસભ્યો BJPમાં ચાલ્યા જશે. આ વખતે અમે સાંભળ્યું છે કે BJPએ પોતાના અડધા નેતાઓને કોંગ્રેસની ટિકિટ અપાવવામાં મદદ કરી છે, જેથી જીત્યા બાદ તેઓ BJPમાં સામેલ થઈ જશે. ગઢવીએ કહ્યું કે, ગત આઠ વર્ષોમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત 65 મોટા નેતા BJPમાં સામેલ થયા, આથી કોંગ્રેસ કોની બી ટીમ છે. તેમણે આરોપ લગાવ્યો, જો BJPને 70 અને કોંગ્રેસને 10-15 સીટો મળે અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો BJPમાં સામેલ થઈ જાય તો તેઓ ફરીથી ખેડૂતોને લૂંટવા માટે સરકાર બનાવવાની સ્થિતિમાં આવી જશે.

તિહાડ જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના CCTV ફુટેજ પર ગઢવીએ કહ્યું કે, આ BJPનું ષડયંત્ર છે જે 8 ડિસેમ્બર સુધી ચાલતું રહેશે. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે અને 70 કરતા વધુ લોકોના મોત બાદ દારૂનો ગોટાળો સામે આવ્યો પરંતુ, તેની તપાસ ના કરવામાં આવી, તેમજ દિલ્હીમાં દારૂના ગોટાળાની તપાસ કરવામાં આવી રહી છે જ્યાં એક પણ મોત નથી થયું.

ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પર તમામને વિશ્વાસ છે. તમામને આશા છે કે AAP ગુજરાતમાં સારી વિજળી, સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડશે. તેમણે કહ્યું કે, લોકો BJP અને કોંગ્રેસથી કંટાળી ગયા છે. તેમણે કહ્યું, હું એક સામાન્ય વ્યક્તિ છું અને ભવિષ્યમાં પણ આવો જ રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp