સિદ્ધાંતનિષ્ઠ પત્રકાર પિતાના માર્ગે પુત્ર ચેતન શેઠ

PC: Khabarchhe.com

કોઈ એક સિદ્ધાંતની ખાતર પત્રકાર બન્યા હોય તેવું આજે બહુ ઓછું જોવા મળે છે. સુરતમાં ચેતન શેઠ એક એવા પત્રકાર છે કે, તેમના પિતા છોટાલાલ શેઠ, દક્ષિણ ગુજરાતના જાણીતા સિદ્ધાંતનિષ્ઠ પત્રકારના પગલે પત્રકાર બન્યા છે. તેમના પિતાએ સચ્ચાઈ માટે જીવનભર પત્રકાર તરીકે સંઘર્ષ કર્યો હતો. તેમના પગલે તેમનો પુત્ર ચેતન શેઠ છે. ચેતન 18 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. સિદ્ધાંત માટે થઈને તેમણે નોકરી પણ છોડવી પડી છે. તેઓ મિકેનિકલ એન્જીનીયર તરીકે સારી નોકરી છોડીને પત્રકાર બન્યા હતા. તે પણ પિતાનો વારસો જાળવી રાખવા માટે, આ ફિલ્ડમાં આવ્યા છે. આજે અનેક પત્રકારો પોતાના અનિયમિત વ્યવસાયના કારણે પોતાના કુટુંબોને સાચવી શકતાં નથી. ત્યારે, તેમના સાથી એવા પત્ની કે પતિ જો સમજી ન શકે તો તેમનું કુટુંબ તૂટી જતું હોય છે, બરબાદ થઈ જતું હોય છે. એક સફળ પત્રકારની પાછળ તેના કુટુંબનો સૌથી મોટો ફાળો કેવો હોય છે, તે જો સમજવું હોય તો ચેતન શેઠના કુટુંબને સમજવું પડે તેમ છે. આજે પત્રકારો જે દિશામાં જઈ રહ્યાં છે તે દિશા તરફ જવાના બદલે પોતે નક્કી કરેલા પ્રજા લક્ષી ધ્યેયને વળગી રહીને પોતાનું કામ સંતોષ ખાતર કરી રહ્યાં છે. પૈસા પાછળ દોડવાના બદલે સંતોષ ખાતર કામ કરતા રહીને, આજે ભ્રષાટાચારના પ્રદૂષણથી દૂર રહેવું સુરતમાં ઘણું કપરું છે. સુરત શહેર સમગ્ર ભારતમાં પ્રેક્ટીકલ શહેર છે, અહીં બધું જ પૈસાથી ખરીદી શકાય એવું લોકો માને છે. તેમાં અખબારોના માલિકો અને પત્રકારો પણ આવી જાય છે. 

તેમની વાત તેમના જ શબ્દોમાં અપનાવવા જેવી છે...

મારા પિતા છોટાલાલ છગનલાલ શેઠ સુરતના જાણીતા પત્રકાર હતા. સુરત શહેરમાં તેમના નામે તમામ લોકો ઓળખતા હતા. પ્રતાપમાં વર્ષો સુધી કામ કર્યું હતું. તેમના સમકાલિન પ્રખ્યાત પત્રકાર મિત્રોમાં ગુજરાત મિત્રના ચંદ્રકાંત પુરોહિત અને સંદેશના ચીમનલાલ અમિન હતા. તેમના લખાણની ધાક અને શાખ હતી. કોંગ્રેસ તેમાનાથી ગભરાતી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રખ્યાત નેતા અમરસિંહ ચૌધરી પણ તમને માન આપતાં હતા. 1956થી તેઓ અરૂણોદય અઠવાડિક ચલાવતાં હતા. પણ 1986માં સુરતમાં પૂર આવ્યું ત્યારે પ્રેસ બરબાદ થઈ ગયો હતો. તેઓ જન્મભૂમિ જુથના સાંજના છાપા પ્રતાપમાં કામ કરતા હતા ત્યાંથી જ તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ દક્ષિણ ગુજરાતની ભૂગોળ, ગ્રામ્ય રાજકારણ, ગ્રામ્ય જીવનની ઊંડી સૂઝ ધરાવતાં હતા. તેઓ કોઈ સ્ટોરી લખે તેમાં પુરેપુરા ઉંડા ઉતરી જતાં હતા. લાગણીશીલ અને ભાવુક હોવાથી ભોગ પણ બની જતાં હતા. અરુણોદય અઠવાડિકના જુના અંકો મારી પાસે છે તે જોતા ત્યારનું પત્રકારત્વ કેવું હતું અને તેના સાથે લોકો કેવો સહકાર આપતાં હતા તે તુરંત સમજી શકાય તેમ છે. તેમાં ઘણી જગ્યાએ નોંધ આવે છે કે, વાંચકોએ પહેલાનો અંક વાંચી લીધો હોય તો તે પરત આપી જાય, જેથી બીજા વાંચકો વાંચી શકે. તેમણે ભટ્ટની હોસ્પિટલમાં એક હત્યા કરીને તેની લાશ હોસ્પિટલમાં જ દાડી દેવામાં આવી હતી તે શોધવા માટે તેઓ પોતે રાતના સમયે ત્યાં જતા હતા અને આખો ગુનો તેમણે ઉકેલ્યો હતો. પછી તે ડોક્ટરને સજા થઈ હતી. પણ મારા પિતાની હત્યા કરવા માટે સુરતના તે સમયના ગુંડાઓ મોકલેલા હતા. હુમલો પણ થયો હતો.

મારા માતા ટીચર હતા. પછી નોકરી છોડી દીધી હતી. મારા પિતા મોટો સમય પોતાના કામ માટે બહાર જ હોય. સવારે 8 વાગ્યે નિકળે અને રાતના એક વાગે આવી શકતા હતા. તેઓ આક્રમક હતા. તેઓ ગુસ્સે પણ થઈ જતા હતા. બધું મારી માતા સંભાળી લેતાં હતા. તેઓ ફેમિલી સાચવી શકે એટલો સમય કાઢી શકતા ન હતા. પણ તેઓ મૂલ્યનિષ્ઠ હતા. ત્યારે બધુ મારા માતા સંભાળી લેતા હતા. ત્યારે પત્રકારની જીંદગી કપરી હતી. મારી માતાએ અમને બધાને સારી રીતે સાચવી લીધા હતા. પિતાના સંપર્કો સારા હતા. તેમણે અનેક સિધ્ધી મેળવી હતી. તેઓ માત્ર પત્રકારત્વને જ વળગી રહ્યાં હતા. 40 વર્ષ અમે ભાડાના મકાનમાં રહ્યાં હતા. ત્યાર બાદ અમારું પોતાનું ઘર ખરીદી શક્યા હતા. ઘરનું નામ રાખવા માટે મેં 12 નામ પસંદ કર્યાં હતા. પપ્પા સાથે ગભરાતાં મેં કહ્યું કે આપણું મકાન થયું છે તો તેના આ નામમાંથી કોઈ એક રાખવું છે. તમે નક્કી કરો. તેમણે યાદી બહારનું નામ આપ્યું “સંતોષ”.

તેમણે કહ્યું હતું કે સંતોષ એજ જીવન છે.

તેમનું 2000 માં આવસાન થયું ત્યારે મને આ નામ કેમ રાખ્યું તે સમજાયું હતું. ખરું કહું તો પિતાના અવસાન પછી મેં પત્રકાર બનવાનું નક્કી કર્યું હતું. કારણ કે પિતાનો વારસો સાચવવો હતો. અમે 3 ભાઈ સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, ત્યારે બધાને એવું થયું કે તેમનું નામ છે તેમનું કામ છે. તેથી કોઈ કે પત્રકાર બનવું જોઈએ. તે જે માર્ગે ચાલેલા તે માર્ગે મારે જવું હતું. પિતાએ કામ બતાવીને અમારું અને સુરતની પ્રજાનું જે ઘડતર કર્યું હતું. તે મારે કરવું હતું.

પિતા 1954થી પત્રકાર હતા. જેનું મારા જીવનમાં ઘણું મહત્ત્વ રહ્યું છે. હું ઓગસ્ટ 2000માં પત્રકાર થયો. પત્રકારત્વ કેવું હોવું જોઈએ તે તો મારા સંસ્કારમાં હતું. પત્રકાત્વ શું ચીજ છે તે હું સારી રીતે જાણતો હતો.

હું એક ટેક્સટાઈલ્સ ઉદ્યોગમાં મિકેનિકલ એન્જીનીયર હતો. જ્યાં મારો મહિને રૂ.7000 પગાર હતો.

સુરત ટીવી ચેનલમાં જોડાયો હતો. જ્યાં આખો દિવસ ટીવી ન્યૂઝ માટે કામ કરવાનું રહેતું હતું અને સાંજે સુરત ચેનલ નામના સમાચારપત્રમાં કામ કરવાનું રહેતું હતું. પગાર હતો રૂ.1500. 

જ્યારે સારી નોકરી છોડવાનું થયું ત્યારે રૂ.1500માં તો ઘરની ઈકોનોમી ક્રેસ થઈ જાય તેમ હતી.  તેથી મોટાભાઈ અશ્વિનએ કહ્યું કે તું, આર્થિક રીતે ચિંતા ન કરતો, તે હું ટેકલ કરી લઈશ. મોટી નોકરી છોડીને મેં પત્રકારનું કામ શરૂ કર્યું હતું. હું મિકેનિકલ એન્જીનીયર તરીકે જોબ કરતો હોત તો આજે ઓછામાં ઓછો એક લાખ પગાર હોત. જ્યારે પત્રકાર તરીકે આજે મને રૂ.30 હજાર પગાર મળે છે. છતાં ગૌરવ સાથે સંતોષ છે.

પોણાત્રણ વર્ષ સુરત ચેનલમાં કામ કરીને ગુજરાત સમાચારમાં જોડાયો હતો. જ્યાં મારી સ્ટોરી લોકોની વચ્ચે પહોંચવા લાગી હતી.

તે સમયે સુરતમાં આગની મોટી ફાયરની ઘટના બની હતી. શ્યામ કોમ્પલેક્સના એક ફ્લેટમાં વાસ્તુ હતી અને તેમાં હવન ચાલતો હતો. કોઈ કે બદલો લેવા માટે તેમાં અત્યંત જ્વલનશિલ પદાર્થ હવનમાં નાંખ્યો હતો. અને તેમાં 21 લોકોનો મોત થયા હતા.  રિવેન્જ લધો હતો. હવનમાં પદાર્થનાંખેલો જેમાં 21 લોકોના મોત થયા હતા. જેમાં મેં અનેક નવા પાસા શોધી કાઢ્યા હતા તે બીજા અખબારોમાં કે ટીવી સામાચારોમાં ન હતી. તે મારી પ્રથમ સ્ટોરી હતી. જ્યારે ગુજરાત સમાચારમાં મારો પગાર રૂ.4500 હતો.

દિવ્ય ભાસ્કર સુરતથી પ્રસિધ્ધ થયું જેમાં મને બે ગણો પગાર ઓફર થયો હતો. ત્યાં સુધી મારું કુટુંબનું ભરણ પોષણ મારા ભાઈઓ કરતા રહ્યાં હતા. 

2004થી 2015 સુધી દિવ્ય ભાસ્કરમાં કામ કર્યું. હતું જ્યાં માને કામ કરવાની મોકળાશ મળી હતી. જોબ સેટીસ્ફેકેશન મળતું હતું. ત્યાર પછી નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ મને નવગુજરાત સમયમાં લઈ ગયા અને હાલ આ અખબારમાં જ કામ કરું છું.

મારી 45 વર્ષની ઉંમર થઈ છે. 18 વર્ષની પત્રકાર તરીકેની કારકિર્દીમાં પ્રજા લક્ષી ઘણા સમાચારો લખ્યા છે. મેં સુરતની પ્રજા માટે જે કંઈ કર્યું છે, તેનો મને સંતોષ છે. 

બેસ્ટ ન્યૂઝ સ્ટોરી

કૃષિ અર્થતંત્ર માટે સુરતની જમીન બચાવી

સુરત શહેરમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીની 109 હેક્ટર જમીન એક હોટેલ બનાવવા માટે ખાનગી લોકોને ભાજપ સરકારે ગાંધીનગરથી નક્કી કર્યું હતું. આ જગ્યા પર ખેડૂતો માટેના પાકનું સંશોધન કેન્દ્ર હતું. આ એજ જગ્યા છે કે જ્યાં દુનિયાની પ્રથમ સંકર જાતનો કપાસ શોધાયો હતો. જેણે ક્રાંતિ લાવી હતી. જે બિયારણે ગુજરાતના ખેડૂતોની ગરીબી દૂર કરીને સમૃદ્ધ બનાવ્યા હતા. એક જ બિયારણની શોધે ગુજરાતની કૃષિ ઈકોનોમી બદલી નાંખી હતી. જે રીતે અમદાવાદ નજીક સાણાંદમાં અણંદ કૃષિ યુનિવર્સિટી માટેનું ગાયો માટેનું સંશોધન કેન્દ્ર ટાટા નેનો અને ફોર્ડ કંપનીને આપી દેવાયું હતું. તે હું સુરતમાં કરવા દેવા માંગતો ન હતો.

રાજકીય નેતાઓ પૈસાના ભૂખ્યા હોય છે. હું સુરતની આ અબજો રૂપિયાની જમીન બચાવવા માંગતો હતો. તેના ઉપર દિવસો સુધી ઈન્વેસ્ટીગેશન કરીને આખું રેકેટ શોધી કાઢયું હતું. જે સ્ટોરી બ્રેક કરીને ગ્રામ્ય અર્થતંત્ર માટેનું રીસર્ચ સેન્ટર બચાવી લીધું હતું. પછી તો તેમાં રાજકીય પક્ષો જશ ખાટવા મેદાને પડ્યા હતા. આજે અબજો રૂપિયાની જમીન સુરત પાસે સલામ છે. આ નોંધપાત્ર કામ કર્ય કર્યાનો સંતોષ છે. 

એક સ્ટોરીથી સુરત મહાનગર પાલિકાની કચેરીને તાળા વાગ્યા

સુરત શહેરમાં ભાજપનો વર્ષોથી કબજો છે. તે ક્યારેક પ્રજાથી છુપાવીને ખરાબ કામ પણ કરી નાંખે છે. 2007માં અંદાજ પત્રમાં SMC દ્વારા કાર્પેટ એરીયા પ્રમાણે મિલકત વેરો લેવાનું નક્કી કર્યું હતું. પણ સુરત મહાનગર પાલિકાની આવક તો વધતી હતી. તેથી મને શંકા ગઈ. મેં થોડી તપાસ કરીને આંકડાકીય ગણતરી મૂકી તો ખ્યાલ આવ્યો હતો કે, આ તો ભાજપની મોટી છેતરપીંડી છે. વેરો આવતો નથી એવું કહે છે પણ ખરેખર તો રૂ.65 કરોડનો બોજ પ્રજા પર કોઈ કારણ વગર પડી રહ્યો છે. કાર્પેટ એરિયા પ્રમાણે વેરો નાંખીને સુરતની પ્રજા સાથે છેતરપીંડી થઈ રહી છે. આખી સ્ટોરી મેં દિવ્ય ભાસ્કરમાં લખી અને લોકોમાં તેના ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. પછી તમામ ટીવી અને અખબારોએ તેની સ્ટોરી ફોલો કરી હતી. લોકોએ આંદોલન શરૂ કરી દીધું હતું. સુરત સીટીજન કાઉન્સીલે આંદોલનની આગેવાની લીધી હતી. 22 દિવસ સુધી આંદોલન થયું હતું. લોકોએ રેલીઓ કાઢી. જેમાં સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીએ લોકોએ તાળા મારી દીધા અને કહી દીધું કે, તમે હવે જાઓ. અમે શહેર ચલાવીશું. ભાજપના સત્તાધિશોની પોલ ખુલી જતાં વેરો જે 65 કરોડથી ઘટીને રૂ.12 કરોડ પર લાવી દેવો પડ્યો હતો. લોકોના પ્રોપર્ટી ટેક્સના બિલ બે ગણા થઈ જવાના હતા. જેમાં રાહત મળી હતી.

નાની વાત પણ મોટું કામ

સુરત મહાનગર પાલિકામાં લોકોએ જુદા જુદા 90 જેટલા કામ માટે અરજી પત્રક ભરવાના થતા હતા. ત્યારે જે અરજી પત્રકોની ઉંચી ફી લેવામાં આવતી હતી. રૂ.25થી 250 સુધી તેનો ભાવ રાખવામાં આવ્યો હતો. પ્રજા પાસેથી રૂ.3.50 કરોડની આવક થતી હતી. તે જ સમયે સુરતને ઈ ગવર્નંસનો એવોર્ડ મળ્યો હતો. મેં બે મોઢાની સત્તાધીશોની વાતો જાહેર કરી કે ઈ ગવર્નંસ હોય તો ફોર્મ કેમ ઓન લઈન કરતા નથી. સુરત પાસે ત્યારે રૂ.700 કરોડની બેંકમાં બાંધી મુદતની રકમ પડી રહી હતી. જેનું વ્યાજ જ રૂ.40 કરોડ જેવું આવતું હતું. ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી ભારતી હતા. તેમને આ વાત ગળે ઉતરી ગઈ અને અરજીપત્રકો મફતમાં લોકો ઓન લાઈન લેવા લાગ્યા હતા. તેમના કરોડો માનવ કલાક બચી ગયા હતા. આર્થિક રાહત તો નાની હતી. પણ તેમનો લાઈનમાં ઊભા રહેવાનો સમય બચ્યો હતો. પારાવાર મુશ્કેલીઓ ઘટી હતી.

પૈસા ઉઘરાવવાનું કામ ન થઈ શક્યું

2015માં ભાસ્કર છોડ્યું અને ગુજરાત મિત્રમાં જોડાયો હતો. જ્યાં પણ મને સુરત મ્યુનિસિપલ કોપોરેશન, રાજકીય અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના રાજકીય સમાચારો અંગેની મારી જવાબદારી હતી. ટેબલ પર બેસીને કામ કરવાનું હતું. ફિલ્ડ વર્ક ન હતું. પોણા બે વર્ષ પછી મને મેનેજમેન્ટ તરફથી એકાએક કહેવામાં આવ્યું હતું કે પત્રકારત્વ ઉપરાંત જાહેર ખબર મેળવવાની છે. ત્યારે મને અંદરથી તે પસંદ ન પડ્યું. મેં ક્યારેય જાહેરાત માટે નાણાં ઉઘરાવવાનું રામ કર્યું ન હતું. સિદ્ધાંત ખાતર તે કરવા પણ માંગતો ન હતો. તેથી મેં ગુજરાત મિત્ર 2017માં છોડી દીધું. દિવ્ય ભાસ્કરના સમયથી પત્રકાર અજય ઉમટ ઓળખતા હતા. તેઓ હવે નવગુજરાત સમયના તંત્રી બન્યા હતા અને મને નવગુજરાત સમયમાં લઈ ગયા હતા. આજે નવગુજરાત સમયમાં કામ કરું છું. અહીં કામ કરવામાં જોબ સેટીસ્ફેકશન મળે છે. તે જે મારે તો જોઈએ છે.

ચેતન શેઠની જીંદગી અનોખી સફર કરાવે છે. આજે આવા મુલ્યનિષ્ઠ પત્રકારોનું પ્રમાણ સારું એવું છે.

પૈસા કરતા સિદ્ધાંતો મહત્ત્વના

ચેતન શેઠ માટે તેના સિધાંતો મહત્ત્વના છે. તેણે સારી કમાણીની જીંદગી છોડી દીધી અને પોતાના પિતા અને સુરતના હિત ખાતર સંઘર્ષભરી જીંદગી પસંદ કરી છે. જે પિતાના નિયમો હતા તે તેમણે પાળી બતાવ્યા છે. લાઈફ સેટલ કરવા માટે રૂપિયા હોય છે. પણ આત્માના આનંદ માટે મુલ્યો મહત્ત્વના હોય છે, એ તેમણે કરી બતાવ્યું છે. તેના પિતા મુંબઈમાં ચિત્રલેખામાં કામ કરવા માટે ફુટપાથ પર પણ રહ્યાં હતા. તેમના પિતાની પત્રકાર તરીકેની સંઘર્ષ ભરી જીવન યાત્રા લાંબી રહી છે. 40 વર્ષ ભાડાના મકાનમાં રહ્યાં બાદ 1989માં તેઓ પોતાનું ઘર બનાવી શક્યા હતા. ચેતને પોતાના માટે એક ફ્રેમ બનાવી છે. આજના જમાનામાં તે ભલે તે સ્ટીલની ફ્રેમ લાગતી હોય પણ તેમ જ સાચું જીવન છે. સુરત પૈસા પાછળ દોડી રહ્યું છે ત્યારે ત્યાં આવા સિદ્ધાંત અને મૂલ્ય નિષ્ઠ પત્રકાર છે ત્યાં સુધી પત્રકારત્વ જીવંત છે. માલિકો અને લોકો પત્રકાર માટે કેટલીક માંગ કરતા હોય છે. જેનો બદલો આપવામાં આવતો હોય છે. આવા વાતાવણમાં પત્રકાર પોતાની જાતને સાચવી રાખે તે પણ ઘણું છે.

કુટુંબ

ચેતન કહે છે કે, અમે ત્રણ ભાઈઓના કુટુંબના 11 સભ્યો સાથે જ રહીએ છીએ. ફિલ્ડમાં ગ્લેમરસથી દૂર રહીને તેમાંથી એનર્જી મળે એવું કામ કરું છું. તે મારા કુટુંબને આભારી છે. પિતાના વિચારોને કેન્દ્રમાં રાખીને જ કામ કરું છું. મોટી બહેન દક્ષા કાપડીયા પણ પ્રતાપમાં પત્રકાર હતા. તેમના 1987માં લગ્ન થયા પછી તેમણે આ ફિલ્ડ છોડી દીધું છે. અખબારોમાં લેખ લખે છે.

હવે શું

ચેતન શેઠ કહે છે, જર્નાલિઝમનો એરા બદલાઈ ગયો છે. જે આ ફિલ્ડમા ન થવું તે થઈ રહ્યું છે. આપણે પોલ્યુટ ન થઈએ તો પત્રકારત્વને બચાવી શકીશું. મારા પુત્રને સિવિલ સર્વિસમાં જવું છે.

(દિલીપ પટેલ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp