ખેતરમાં રિતિક જેવો ડાન્સ કરી રાતોરાત સ્ટાર બનેલો મજૂર ગુજરાતનો છે, જુઓ વીડિયો

તમે વર્ષો સુધી મહેનત કરો પણ અસફળ રહો અને અચાનક તમે થોડા દિવસોમાં કરોડો લોકો વચ્ચે ચર્ચાતા થઇ જાઓ. તેવું જ ગુજરાતના યુવાન સંજય રાઠોડ સાથે થયું છે. તેના ડાન્સનો એક વીડિયો લગભગ 5 કરોડ લોકોએ જોયો છે. ટિકટોક પર ઋત્વીક રોશનના ગીત દેખા તુમકો જબસે દેખા તુમકો યારા ગીત પર ડાન્સ કરતા દાઢી વાળા યુવાનનો વિડિયો ભારે વાઇરલ થયો છે. ટીકટોક અને ફેઇસબુક પર પણ આ વિડિયો લાખોની સંખ્યામાં શેર થયો છે. આ યુવાન ગુજરાતના વલસાડનો હોવાનું વલસાડના લોકોને પણ ખબર ન હતી. જ્યારે Khabarchhe.com દ્વારા તેને સંપર્ક કરાયો તો તેણે કહ્યું કે તેને દુનિયાભરમાંથી ફોન આવી રહ્યા છે પરંતુ સ્થાનિક લોકોમાંથી બહુ ઓછા લોકોને ખબર છે.

આ યુવાનનું ખરું નામ છે સંજય રાઠોડ. તે 29 વર્ષનો છે. તે ટીકટોક પર અરમાન રાઠોડના નામે જાણીતો બન્યો છે. સંજય વલસાડ રાખોડિયા તળાવની પાળ પર આવેલા નાનકડા ઝુપડા જેવા ઘરમાં રહે છે. તેના પિતા વોચમેન હતા અને હાલ ઘરે જ છે. જ્યારે તેની માતા અન્યના ઘરે કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તે પોતે પણ હાલ તો જ્યાં મળે ત્યાં છૂટક મજૂરી જ કરી લે છે. પરંતુ હવે તેનું નસીબ બદલાઇ ગયું છે. 

સંજયને પહેલેથી જ ડાન્સનો ભારે શોખ હતો. ટીવીમાં અને યુટ્યુબ પર જોઇને તે ડાન્સ શીખ્યો હતો. પોતાનું ભવિષ્ય ચમકાવવા અને સપના પુરા કરવા માટે તે 4 વર્ષ અગાઉ ઘરેથી નિકળી ગયો હતો અને મુંબઇમાં જઇ શો રીયાલીટી શોમાં પ્રવેશ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેને સફળતા હાથ લાગી ન હતી અને વલસાડ પરત થઇ ગયો હતો. વલસાડ પરત થઇને તેણે ટીકટોક પર ડાન્સ વિડિયો બનાવવાની શરૂઆત કરી અને માત્ર 20 દિવસમાં તેના વિડિયોના 5 કરોડથી વધુ વ્યુ મળી ગયા હતા. જેના કારણે તે હિટ થઇ ગયો છે. અને હવે તેને અનેક રિયાલીટી શોમાં તેને ઇનવિટેશન મળી રહ્યા છે. 

તેના વાયરલ થયેલા વીડિયોમાં પહેરેલા કપડા એટલા ઢીલા કેમ છે તેવા સવાલના જવાબમાં તેણે કહ્યું કે તે તો તેના પિતાના છે. ડાન્સ કરવામાં સરળતા રહે તે માટે પહેરી લીધા હતા. પરંતુ તેને ખબર ન હતી કે આ વીડિયો એટલો વાયરલ થઇ જશે કે રિયાલિટી શોમાં ભાગ લેવા માટે હવે તેને આમંત્રણ મળશે. પહેલા તેમાં જવા માટે ચંપલ ઘસી નાંખ્યા હવે તે લોકો સામેથી બોલાવી રહ્યા છે. ટ્વિટર પર પણ લોકો તેના વિડિયોને શેર કરીને હ્રતિક રોશનથી લઇ પ્રભુ દેવાને ટેગ કરી રહ્યા છે. હવે તેને લાગે છે કે મહેનત ફળશે.

થોડા સમય અગાઉ જ રસ્તા પર ગીત ગાતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો હતો અને તેને મશહૂર સંગીતકાર હિમેશ રેશમિયાએ તેના આલ્બમમાં ગાવા માટેનો ચાન્સ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp