કોરોનાના કેસ વધતા સૌરાષ્ટ્રના આ ગામમાં લોકડાઉન લાગુ

PC: DainikBhaskar.com

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા હાઇકોર્ટ દ્વારા સરકારને કહેવામાં આવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણની ચેઇનને તોડવા માટે રાજ્યમાં 3થી 4 દિવસનો કર્ફ્યૂ લાગુ કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા 20 જેટલા શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ જાહેર કાર્યક્રમો ન કરવા બાબતે પણ સૂચનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે કેટલાક ગામડાના લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે ગામમાં લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યુ છે. તો કેટલાક શહેરોમાં વેપારી એસોસીએશન દ્વારા પોતાની રીતે બપોર બાદ સ્વયંભૂ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ પ્રકારે લોકો તંત્રને સહયોગ આપીને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ત્યારે હવે રાજ્યમાં ગોંડલના વધુ એક ગામડામાં આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગોંડલનાં જામવાડી ગામમાં એકસાથે કોરોનાના 4 કેસ આવતા ગ્રામજનો દ્વારા આંશિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતા જામવાળી ગામના સરપંચ દ્વારા તાત્કાલિક સભ્યોની એક બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આરોગ્ય અધિકારી તેમજ તલાટી કમ મંત્રી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચા બાદ ગામમાં ફેલાતું કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનમાં નક્કી કરવામાં આવ્યું છે કે ગામમાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાન સવારે 6થી 6 વાગ્યા સુધી અને સાંજે 5:30થી 8 વાગ્યા સુધી ખોલવાની રહેશે. આ ઉપરાંત ગામમાં અન્ય જગ્યાઓ પરથી આવતા ફેરિયાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, બહારગામ કોઈ વ્યક્તિને જવું હોય તો પહેલા ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ તે બહારગામ રહી શકશે. જામવાળી ગામમાં 15 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. તો સાથે જ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી છે.

તો બીજી તરફ સરકારે લોકડાઉન અંગે કોઇ નિર્ણય ન લેતા અલગ-અલગ વેપારી સંગઠનો પણ પોતાની રીતે લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ત્યારે રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વૈષ્ણવે રાત્રી કર્ફ્યૂનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂના કારણે કોઈ પણ પ્રકારના કેસ ઘટવાનો નથી. અમે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે કે, રાત્રી કર્ફ્યૂમાં 8ના બદલે 10 વાગ્યાનો સમય કરવામાં આવે અને જો સરકાર બે દિવસના લોકડાઉનનો નિર્ણય લઈ નહીં લે તો અમે સ્વયંભૂ રીતે લોકડાઉનનો નિર્ણય લઇશું અને સરકાર સાથે ચર્ચા કર્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સની બેઠક કરીને શનિવાર અને રવિવારના રોજ સંપૂર્ણ લોકડાઉન બાબતે અમે નિર્ણય કરીશું. સાથે જ રાજકોટના હડાળા ગામમાં પણ કોરોનાના કેસ વધતાં 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp