દ્વારકામાં જીવિત પત્નીનો ખોટો મરણનો દાખલો કઢાવી પતિએ બેંકમાંથી પૈસા ઉપાડી લીધા

PC: youtube.com

કળીયુગમાં લોકો પૈસા મેળવવા માટે ગમે તે હદ વટાવી જાય છે, લોકો પૈસાની લાલચામાં એટલા આંધળા થઈ જાય છે કે, પરિવારના સભ્યો સાથે પણ છેતરપિંડી કરતા અચકાતા નથી. એક પતિએ તેના જોઈન્ટ અકાઉન્ટમાંથી પત્નીનું નામ કાઢવા માટે પહેલા નગરપાલિકામાંથી જીવતી પત્નીનું મરણનું સર્ટીફિકેટ મેળવી લીધું અને ત્યારબાદ બેંક અકાઉન્ટમાંથી પત્નીના બધા પૈસા ઉપાડી લીધા હતા, આ વાતની જાણ જ્યારે પત્નીને થઇ ત્યારે તેણે પતિ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

એક રીપોર્ટ અનુસાર, દ્વારકામાં રહેતી રૂડીબેન નામની મહિલાનું તેના પતિ નાથાભાઈ સાથે SBIમાં જોઈન્ટ અકાઉન્ટ હતું અને આ અકાઉન્ટમાં રૂડીબેને તેમના છોકરાઓના સારા ભવિષ્ય માટે પૈસા જમા કરાવતા હતા. અકાઉન્ટમાં જમા થયેલા પૈસા પર રૂડીબેનના પતિ નાથાભાઈની નજર બગડી અને તેણે તમામ પૈસા ઉપાડી લેવાનું નક્કી કર્યું હતું. જેના કારણે નાથાભાઈએ દ્વારકા નગરપાલિકામાં અરજી કરીને રૂડીબેનનો મરણ દાખલો કઢાવી લીધો. મહિલા જીવે છે કે નહીં તેની ખરાઈ કર્યા વગર નગરપાલિકામાંથી મરણનો દાખલો કાઢી આપવામાં આવ્યો હતો. આ મરણના દાખલાના આધારે નાથભાઈએ રૂડીબેનના ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લીધા હતા, જ્યારે રૂડીબેન પૈસા ઉપાડવા માટે બેંકમાં ગયા ત્યારે તેમને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી કે, તેમના જ પતિએ ખોટો મરણનો દાખલો બનાવીને બેંકમાંથી પૈસા ઉપાડી લીધા છે. આથી રૂડીબેને પોતાના પતિ સામે જ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

ભોગ બનાર મહિલા રૂડીબેને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારું મરણનું સર્ટીફિકેટ દ્વારકા નગરપાલિકામાંથી કાઢીને બેંકમાં આપી દીધું છે. જે મારા બાળ બચ્ચાનો અને મારો હક હિસ્સો છે, તે લઇ લેવા માંગે છે. હું જીવું છું તો મારું સર્ટીફિકેટ કેમ નીકળે.

પાલિકાના ચીફ ઓફિસરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકરણ મારી સમક્ષ આવ્યું છે. પરંતુ નગરપાલિકામાં મરણની નોંધ તેમના કૌટુંબિક પરિવારજનો દ્વારા કરવામાં આવતી હોય છે, આધારો સાથે. આમ છતાં જે ધ્યાનમાં આવ્યું છે, તેની ચકાસણી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp