આખરે ચૂંટણી વિના મણિશંકરે ભાજપને વિજય અપાવી દીધો

PC: indianexpress

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફુંકી ફુંકીને પી રહી હતી કે મોદીની વિરૂદ્ધમાં કોઇ બોલે નહીં પરંતુ અગાઉની ચૂંટણીમાં જે થયું તેવું ફરી થયું છે. ચાયવાળાની કોમેન્ટ પાસ કરીને કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે 2014ની લોકસભાની ચૂંટણી જીતાડી દીધી હતી અને હવે મોદીને નીચ કહીને 2017ની ગુજરાત વિધાનસભા જીતાડી દીધી છે.

આખરે કોંગ્રેસના એક નેતાના કારણે પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ચૂંટણી વિના મણિશંકર ઐયરે ભાજપને ગુજરાતમાં વિજય અપાવી દીધો છે. કોંગ્રેસના કરમ ફુટેલા છે. મોદીને મુદ્દો મળી ગયો અને જોત જોતાંમાં તે આખા દેશમાં પ્રસરી ગયો છે. મોદીએ તો કહી દીધું કે ગુજરાતની પ્રજા કોંગ્રેસને હવે જવાબ આપશે.

મણિશંકરની ગંભીર ટિપ્પણી પર રાહુલ ગાંધીએ આખી કોંગ્રેસ વતી મોદીની માફી માગી છે એટલું જ નહીં અત્યંત હલકટ શબ્દના પ્રયોગ કરનારા સિનિયર નેતા મણિશંકરને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરી દીધા છે. જો કે અબ પછતાયે ક્યા હો, જબ ચિડીયા ચૂક ગઇ ખેત...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અયૈર મોદી માટે એવું નિવેદન કર્યુ હતું કે, ''યે આદમી નીચ કિસ્મ કા આદમી હૈ, ઈસમે કોઈ સભ્યતા નહીં હૈ, ઔર ઐસે મૌકે પર ઈસ કિસમ કી ગંદી રાજનીતિ કરને કી કયા આવશ્યકતા હૈ? મણિશંકર ઐયરના આ વિધાનોનો જવાબ વાળતા હોય તેમ નરેન્દ્ર મોદીએ સુરતમાં લીંબાયત ખાતે જંગી રેલી સમક્ષ જણાવ્યુ હતું કે, ''હાં, તેમણે મને નીચ કહ્યો છે, પરંતુ આપણા મતદારો ખૂબ જ મજબૂત છે, આવા તત્વો માટે અમારે કશુ કહેવુ નથી અમારો જવાબ મતપત્રકો આપશે.

આપણે આ લોકો દ્વારા ઘણા અપમાનો જોયા છે, હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ મારૃ અપમાન કરે અને તેઓએ (કોંગ્રેસે) મને 'મોત કા સોદાગર' પણ કહેલ, અને જેલ ભેગો કરવા પણ ઈચ્છયુ હતું તેમ નરેન્દ્રભાઈએ સુરતની રેલીમાં જણાવેલ. હું ભારતની જનતા પાસે ભીખ માગુ છું કે, તેઓ મને ભલે નીચ કહે આપણે એનો કોઈ જવાબ આપવો નથી, આપણા આ સંસ્કાર નથી, અને હું તેમને તેમના સંસ્કારો માટે અભિનંદન આપુ છું.

આપણે જે કંઈ જવાબ આપવો છે તે 9 અને 14 તારીખે આપણા મત દ્વારા આપીશું. નરેન્દ્ર મોદીએ સુરતમાં કહ્યુ હતું કે, ઓખી વાવાઝોડાની જેમ કોંગ્રેસ પણ આવવાની નથી. મારા માલિકો આ દેશની સવા સો કરોડની જનતા છે, માત્ર તેમને જવાબ દેવા બંધાયેલો છું. તેમણે મારામાં જે વિશ્વાસ મૂકયો છે, તે માટે એક - એક સેકન્ડનો જવાબ આપવા હું બંધાયેલો છું. નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યુ કે કોંગ્રેસના નેતાઓ જે ભાષામાં બોલે છે, તે લોકશાહીમાં સ્વીકાર્ય નથી.

મણિશંકરનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે કોંગ્રેસનો એક નેતા જે શ્રેષ્ઠ સંસ્થામાં ભણ્યો છે, રાજદ્વારી તરીકે સેવા આપી છે અને કેબીનેટ મિનિસ્ટર રહી ચૂકયો છે, એ મોદીને નીચ કહે તે અપમાન છે, અને મુગલ જમાનાનું માનસ દર્શાવે છે. તેઓએ મને ગધેડો કહ્યો છે, નીચ કહ્યો છે, ગંદી નાલીનો કીડો કીધો છે, આ ગંદી ભાષાનો જવાબ ગુજરાતની પ્રજા બરાબર આપશે.

મણિશંકરના વિધાનોથી ભાજપ જ નહીં કોંગ્રેસના નેતાઓ હતપ્રભ બની ગયા છે. ગુજરાત કોંગ્રેસ પણ ગભરાયેલી છે. છેલ્લા બે મહિનાની ચૂંટણીની મહેનત પર પાણી ફરી વળ્યું છે. રાહુલ ગાંધીએ ખુદ એવું કહ્યું હતું કે કોઇએ નરેન્દ્ર મોદીનું નામ લેવાનું નથી પરંતુ કોંગ્રેસના ડોઢડાહ્યા નેતાઓ મોદીને ભાંડવામાંથી ઉંચા આવતા નથી તેથી ભારતના 18 રાજ્યોમાં આજે મોદી અને ભાજપ રાજ કરે છે. કોંગ્રેસને ગુજરાતની જેમ ભારતના રાજ્યોમાંથી હાંકી કાઢી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp