વન મંત્રી ગણપત વસાવાના ખેતર માટે સિંચાઈ યોજના BJP MP મનસુખ વસાવાએ અટકાવી દીધી

PC: Youtube.com

ભરૂચના લોકોમાં હીરોગીરી કરવા માટે જાણીતા લોકપ્રિય સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત પોતાની જ ભાજપ સરકારને પડકાર ફેંક્યો છે. ગુજરાત રાજ્ય સરકારના વન મંત્રી ગણપત વસાવાના વાડી ગામને જોડતી કરજણ બંધની લિફ્ટ ઇરીગેશન યોજનાને અટકાવી દીધી હતી.

નર્મદા જિલ્લા સહિત નેત્રંગ અને વાલિયા તાલુકાના વનવાસી વિસ્તારના ખેડૂતોને કરજણ જળાશય યોજનામાંથી સિંચાઈના પાણી મળે તે માટે દસ વર્ષ પહેલાં ખેડૂતોએ માગણી કરી હતી. મનસુખ વસાવાએ થોડા વર્ષો પહેલા સિંચાઈ યોજના બનાવવા જણાવ્યું હતું. જેને સરકારે બે-ત્રણ વર્ષ પહેલા જ મંજૂરી આપી હતી. લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં જ હતો ત્યાં રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા અને નાનુભાઈ વાનાણીએ સિંચાઈની નહેર લંબાવીને ગણપત વસાવાના ગામની તેમના ખેતરમાં પાણી પહોંચાડવા યોજના જ બદલી નાંખતા મનસુખ વસાવાએ વાંધો ઉઠાવ્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએ અગાઉ નર્મદા, નેત્રંગ અને વાલિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણી મળશે તેવી ખાત્રી પણ અપાઈ હતી અને એક વર્ષ પહેલા જ આ યોજનાનું ખાત મૂહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. રૂ. 270 કરોડનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ટકોન કંપનીને આપવામાં આવ્યો હતો. યોજનામાં ફેરફાર કરીને સાંસદ મનસુખ વસાવા અને ત્રણેવ ગામના ખેડૂત આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના જ બારોબાર પાઇપ લાઇન નાંખવાનું કામ શરૂ કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો હતો.

રણજીત બિલ્ટકોન કંપનીએ ખેડૂતોની મંજૂરી લીધા વિના કે કોઈપણ જાતનું વળતર ચૂકવવાની ખાત્રી આપ્યા વિના જ આડેધડ ખોદકામ શરૂ કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેઓ મનસુખ વસાવાને પણ મળ્યા હતાં અને ખેડૂતોની ઉપર કરાવાતા જૂલમની વિગતો આપી હતી. ખેતરોના ઊભા પાકનો નાશ કર્યો હતો. ખેડૂતોએ વળતરની માગણી કરતાં કોન્ટ્રાક્ટરે ધમકી આપી હતી.

સિંચાઈ કોન્ટ્રાક્ટરના એન્જિનિયરોએ નર્મદા, નેત્રંગ, વાલિયા તાલુકાને સિંચાઈના પાણી નહીં મળે એવું કહેતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. વસાવાએ આસપાસના ગામોની મુલાકાત લીધી હતી. ગામોની મુલાકાત દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા તેમને કહી હતી. જેના પગલે મનસુખ વસાવાએ મોવી ગામે ખેડૂતો સાથે સભા કરી હતી. આ બેઠકમાં વળતર સ્પષ્ટતા ના થાય ત્યાં સુધી આ યોજનાનું કામ અટકાવવા સાંસદને અપીલ કરી હતી.

રજૂઆતના પગલે સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરને બોલાવી તત્કાલિક ઘોરણે યોજનાનું કામ અટકાવી દેવા કડક શબ્દોમાં સૂચના આપી હતી.

છેલ્લા અનેક વર્ષોથી નાંદોદ, નેત્રંગ અને વાલિયા તાલુકાના ખેડૂતો કરજણ યોજનામાંથી સિંચાઈના પાણી માંગતા હતા. દસ વર્ષ પહેલા આ અંગે રાજ્ય સરકારને સાંસદે રજૂઆત કરી હતી. પ્રધાનની વાડીને પાણી મળે તો અમને કોઈ વાંધો નથી. પરંતુ ક્વોરી ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને પાણી આપવામાં ત્રણ તાલુકાના ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી યોજના ચાલુ નહીં કરવા સાંસદે ચીમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp