26th January selfie contest

મેડિકલ કોલેજ માટે લાયક ન હોવા છતાં પાલનપુરમાં મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ

PC: khabarchhe.com

પાલનપુરમાં મેડિકલ કોલેજ માટે મંજૂરી આપવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકારે કેવી ગેરરીતિ કરી છે તે ચોંકાવી દે તેવી છે. કોલેજને ગૌચરની જમીન આપવાથી લઈને કોલેજની મંજૂરી સુધીની મોટા ભાગની પ્રક્રિયામાં ગુજરાત સરકારે ખોટું કર્યું છે. જે અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ નંબર MCG-1016-SFS-151-J. તા. 13/12/2016થી ગુજરાત સરકારે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજની યોજના જાહેર કરી છે. આ ઠરાવના પેરા નં. 4 – પાત્ર વ્યક્તિ – મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના 'એસ્ટાબ્લીસમેન્ટ ઓફ મેડિકલ કોલેજ રેગ્યુલેશન, 1999' તેમજ તેમાં વખતો વખતના સુધારાઓ મુજબ મેડિકલ કોલેજ સ્થાપવા માટે યોગ્યતા ધરાવનાર સંસ્થાઓ આ સહાયના હેતુસર પાત્ર વ્યક્તિ ગણમાં આવી છે.

મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના એસ્ટાબ્લીસમેન્ટ ઓફ મેડિકલ કોલેજ રેગ્યુલેશન, 1999 ની (જૂન 2017 સુધીના સુધારા સાથે) જોગવાઈઓ મુજબ, આ યોજના હેઠળ પાલનપુર માટે પસંદ થયેલ સંસ્થા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ વચ્ચે 10/10/2017ના રોજ જે કરાર થયેલો છે.

આમ, આ કરારમાં સ્પષ્ટ જણાવ્યા મુજબ, સૂચિત મેડિકલ કોલેજ એ લાભાર્થી સંચાલિત સ્વનિર્ભર મેડિકલ કોલેજ છે. (સરકારી નથી) તેની પાસે ત્રણ વર્ષની બેલેન્સ સીટો હોવી જ જોઈએ, તે પણ નથી. આમ જે સંસ્થાની પાસે બેલેન્સસીટ જ ન હોય તેમને મેડિકલ કોલેજ કઈ રીતે આપી શકાય. લાભાર્થી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટનો રજી. નં. ઈ – 1530 – બનાસકાંઠા, નોંધણી તા. 17/09/2016 છે. જે ખાનગી ટ્રસ્ટ છે. ખાનગી ટ્રસ્ટ માટે ત્રણ વર્ષની બેલેન્સ સીટ હોવી જોઈએ. તે જ નથી.

આ પ્રમાણે આ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ 10/06/17ના રોજ સરકારનું લાભાર્થી ટ્રસ્ટ ફક્ત આઠ માસ જૂનું હતું. તેથી તેની પાસે ત્રણ વર્ષની બેલેન્સ સીટો ન હોવાના કારણે તે MCI માટે લાયકાત ધરાવતું ન હોવાથી આ યોજના માટે અરજી કરવાની પણ પાત્રતા ધરાવતું નથી.

મેડિકલ કોલેજ માટેની અરજી સાથે ત્રણ વર્ષની બેલેન્સ સીટ માગવામાં આવી છે તે મુજબ પણ આ ટ્રસ્ટ તે પૂરી પાડી શકે તેમ નથી. ટ્રસ્ટ બિન અનુભવી છે અને આર્થિક રીતે પણ સક્ષમ નથી. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટને મેડિકલ ક્ષેત્ર કે અન્ય પ્રવૃતિઓનો કોઈ જ અનુભવ નથી. આ યોજના માટેની અરજીના ચેક લિસ્ટ મુજબ પણ ટ્રસ્ટને મેડિકલ ક્ષેત્ર કે અન્ય પ્રવૃતિઓનો કોઈ જ અનુભવ નથી.

GNP ટ્રસ્ટની નોંધણી સમયે તેમણે ચેરીટી કમિશ્નર સમક્ષ કરેલા ડેકલેરેશન મુજબ તેની વાર્ષિક આવક ફક્ત રૂપિયા 30,000 છે અને ખર્ચ પણ એટલો જ છે. સરકારને કે MCIને આપવાની બેંક ગેરંટી જેટલું ભંડોળ કે આવક નથી. ટ્રસ્ટ ફક્ત દાન ઉપર જ નિર્ભર છે. તેમ છતાં શંકર ચૌધરીના દબાણના કારણે ભાજપની રૂપાણી સરકારે તેને મંજૂરી આપી છે અને કેન્દ્ર સરકારે પણ એ જ રીતે કાર્યવાહીને મંજૂરી આપી છે. આ રીતે મંજૂરીઓ આપી દેવામાં કાયદાઓનો સરેઆમ ભંગ કરેલો છે.

આમ સ્પષ્ટ જણાય છે કે, આ મેડિકલ કોલેજ બનાવવાની યોજનાનો લાભ લેવા માટે GNP ટ્રસ્ટ કોઈ પણ રીતે યોગ્ય ન હોવા છતાં સરકારે તમામ નીતિ નિયમ, કાયદા અને ઠરાવની જોગવાઈઓને અવગણીને આ ટ્રસ્ટને યોજનાનો લાભ આપ્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp