સૌરાષ્ટ્ર યુનિ.નો વધુ એક છબરડો, LLBમાં હસ્તલિખિત પેપર અપાયુ, જ્યારે BScમાં...

PC: bhaskar.com

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર બદલાઈ જવા એ હવે સામાન્ય બની રહ્યું છે. યુનિવર્સિટીના જુદા જુદા કોર્ષના 53000 વિદ્યાર્થીઓની કસોટી લેવાઈ રહી છે. જેમાં મંગળવારે LLB સેમ.5 સિવિલ પ્રોસિજરનું પેપર લેવાનું હતું. પણ કવરમાંથી લીગલ પ્રોસિજરનું પેપર નીકળતા વિદ્યાર્થીઓને સમયસર પેપર આપી શકાયું ન હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે છેલ્લી ઘડીએ હાથથી લખેલું સિવિલ પ્રોસિજરનું પેપર તમામ કૉલેજને મોકલી આપ્યું હતું.

વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર પણ હસ્તલિખિત પેપરમાંથી ઝેરોક્ષ કરેલું મળ્યું હતું. સમય વેડફાઈ જતા વિદ્યાર્થીઓને અડધો કલાક વધારે આપવામાં આવ્યો હતો. આ પહેલા પણ યુનિવર્સિટીની પરીક્ષામાં અનેક વખત બીજા પેપર નીકળતા લોલમલોલ બહાર આવી છે. સવારે 10:30ના સમયે જે પેપર શરૂ થઇ જવું જોઈતું હતું તે પેપર બદલાઇ જતાં 10:55 વાગ્યે પેપર આપી શરૂ કરાયું હતું. બે દિવસ બાદ જે પેપર લેવાનું હતું તે એડવાન્સમાં મળી ગયું હતું. કલાક સુધી નવા પેપરની રાહ જોવાતા અંતે 30 મિનિટ વધારે આપવામાં આવી હતી. ઘણી વખત આવો છબરડો સામે આવ્યો હોવા છતાં યુનિવર્સિટીના જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આવું થવાને કારણે વિદ્યાર્થીઓને માનસિક રીતે અસર થાય છે. જે ચિત્ર પછી ઉત્તરવહીમાં પડઘાય છે. આવા કેસમાં વિદ્યાર્થીઓ નાપાસ પણ થયેલા છે. બીજી તરફ એ જ દિવસે BScના પાંચમા સેમની પરીક્ષામાં કેમેસ્ટ્રીના પેપરમાં પણ ભૂલ હતી. કેમેસ્ટ્રીના પેપરમાં સિલેબસ બહારનું પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ મુંજાયા હતા. આવું સતત બે સ્ટ્રીમમાં થવાને કારણે યુનિવર્સિટીના મેનેજમેન્ટ પર સવાલ થઈ રહ્યા છે. BSc કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓને સિલેબસ બહારનું કેમ પૂછવામાં આવ્યું એ અંગે યુનિવર્સિટીના સત્તાધીશો મૌન છે.

આ મામલે પરીક્ષા નિયામકે કહ્યું હતું કે, પેપર સેટ કરનાર પ્રોફેસર સામે આકરા પગલાં લેવાશે, દંડની કાર્યવાહી થશે. આવનારા સમયમાં પરીક્ષાની કામગીરીમાંથી પણ હાંકી કઢાશે. હવે પછીની એક પણ પરીક્ષામાં એમને કોઈ જવાબદારી સોંપાશે નહીં, આવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા નિયામક નીલેશ સોનીએ કહ્યું હતું. દસ મહિનામાં પાંચમી વખત પેપર બદલાયું હોવા છતાં જવબાદારો સામે કાર્યવાહી થઈ હોય એવું સામે આવ્યું નથી. આ પહેલા તા.28 જાન્યુઆરીના રોજ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષામાં પેપર ખેંચાયું હતું. એ પછી તા.13 જુલાઈના રોજ ભૂગોળના જૂના કોર્ષનું પેપર આપી દેવાયું હતું. એ પછી ઈન્ફોર્મેશન સિસ્ટમને બદલે હ્યુમન રીસોર્સ એન્ડ ડેવલમેન્ટનું પેપર નીકળ્યું હતું. તા.20 જુલાઈના રોજ ગ્લોબલ સ્ટ્રેટજિક મેનેજમેન્ટના બદલે બીજા વિષયનું પેપર નીકળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp