મોઢવડિયા સુરતની મુલાકાતે, ગુજરાતની પરિસ્થિતિને લઈ પાટીલ અને BJP પર કર્યા પ્રહાર

PC: news18.com

રાજ્યમાં હાલ સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો સુરત અને અમદાવાદ બે શહેરોમાં નોંધાયા છે. બંને શહેરોમાં હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અર્જુન મોઢવાડિયાએ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સાથે પણ વાતચીત કરી હતી અને દર્દીઓને આપવામાં આવતી સુવિધા બાબતે કેટલીક માહિતી મેળવી હતી. હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે ભાજપ સરકાર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ઓક્સિજનની અછત મામલે સરકાર દ્વારા પૂરી વ્યવસ્થા કરવામાં આવતી નથી.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા ગુજરાતમાં ઊભી થયેલી આ પરિસ્થિતિ અંગે સરકારને જવાબદાર ગણવામાં આવી છે. તો બીજી તરફ તેમણે સિવિલની મુલાકાત લઈને આક્ષેપો કર્યા હતા કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઇન્જેક્શનમાં જશ ખાંટવાનો પ્રયાસ કર્યો છે. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે સી.આર. પાટીલે રેમડેસિવીર ભાજપ કાર્યાલય પર લાવીને પોતે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે ઇન્જેક્શન લોકોને આપવાનું કામ કર્યું હતું અને કોરોનાના સુપર સ્પ્રેડર્સ ભાજપના નેતાઓ જ છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે, કોરોના વાયરસ વચ્ચે એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે પરંતુ, હજી પણ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તૈયારીઓ કરવામાં આવતી નથી. જેના કારણે લોકોના મોત નીપજે અને આ બાબતે ખૂબ જ દુઃખ થાય છે. તો બીજી તરફ સુરત શહેરમાં અને રાજ્યની અંદર ઓક્સિજનની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવતી નથી. લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

રેમડેસિવીર ઇન્જેક્શન બાબતે તેમણે જણાવ્યું હતું કે, સી.આર. પાટીલને જો લોકોની સેવા જ કરવી હોત તો તેમણે રેમડેસિવીરનો જથ્થો લાવીને સિવિલ હોસ્પિટલમાં આપવાની જરૂર હતી. ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરી હોસ્પિટલમાં સેવા આપીને જાણે લગ્નના કપડાં પહેરીને સ્મશાનમાં જતા હોય તેવો અનુભવ કરાવી રહ્યા છે. તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ અને આ સારવાર આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp