26th January selfie contest

સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવિતો માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં 25 લાખ આપતા મોરારી બાપુ

PC: facebook.com/ChitrakutdhamTalgajardaMorariBapu/

સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂએ રૂ. 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે.

મોરારીબાપૂ હાલ દાર્જિલીંગમાં રામ કથા માટે ગયેલા છે. નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ વરસાદ પ્રભાવિત ગ્રામજનો-લોકોની સ્થિતિની જાતમાહિતી મેળવવા આ વિસ્તારોની ગઇકાલે કરેલી મુલાકાતના અહેવાલોની જાણ મોરારીબાપૂને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂ. 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે.

સૌરાષ્ટ્રમાં 1 નેશનલ, 18 સ્ટેટ હાઈવે મળી 201 રસ્તાઓ બંધ, સૌરાષ્ટ્રમાં 80% વરસાદ

14 સપ્ટેમ્બરના રિપોર્ટ મુજબ ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં 516 મી.મી. એટલે કે 21 ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં 468 મી.મી. એટલે કે 19 ઈંચ જેટલો, કાલાવડમાં 406 મી.મી. એટલે કે 16 ઈંચ જેટલો અને રાજકોટમાં 325 મી.મી. એટલે કે 13 ઈંચ જેટલો વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 14 સપ્ટેમ્બર 2021ને સવારે 6.00 કલાક સુધીમાં લોધિકા, વિસાવદર, કાલાવાડ અને રાજકોટમાં 21 ઈંચથી 16 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે રાજ્યના ધોરાજી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, કપરાડા, પડધરી, ધરમપુર, રાણાવાવ, તાલાળા અને મેંદરડા મળી કુલ 12 તાલુકાઓમાં 10 ઈંચથી 6 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત પોરબંદર, વઘઈ, માળિયા, વાપી, વંથલી, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોલેરા, ધ્રોલ, ઉમરગામ, ડાંગ, માણાવદર, ભેસાણ, વાડિયા, લાલપુર, વાંસદા, ભાણવડ, કુતિયાણા અને કલ્યાણપુર મળી કુલ 20 તાલુકાઓમાં છ ઈંચથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે 61 તાલુકાઓમાં ચાર ઈંચથી એક ઈંચ સુધી અને અન્ય 99 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

ભારે વરસાદને કારણે 14 સપ્ટેમ્બર 2021ને સવારે 9.00 કલાકની સ્થિતિએ રાજ્યના 201 વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો, 162 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના 55 રૂટ બંધ કરાયા છે અને 121 ટ્રીપો રદ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp