5 ઓગસ્ટના રામ મંદિરના કાર્યક્રમમાં મોરારી બાપુને આમંત્રણ ન મળતા ગણગણાટ

PC: indiatimes.com

5 ઓગસ્ટના રોજ રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં દેશના સંતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ગુજરાતમાંથી ઘણા સંતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ રામ નામની સાથે જેમને વર્ષોથી નાતો છે, તેવા મોરારી બાપુને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેથી મોરારીબાપુને પણ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવે તેવી ચર્ચા ઉઠી છે.

રિપોર્ટ અનુસાર રામ નામની સાથે જેમનું નામ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેવા મોરારી બાપુને રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. અત્યાર સુધીમાં મોરારી બાપુએ દેશ-વિદેશમાં 846 જેટલી રામકથા કરી છે.

રામ મંદિર નિર્માણને લઈને મોરારી બાપુએ ઓનલાઇન કથા દરમિયાન 5 કરોડ રૂપિયાનું દાન ગુજરાતી મોકલવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 18 કરોડથી પણ વધારે દાનની રકમ એકત્ર થઈ છે. જેમાંથી 10 કરોડ કરતાં વધુ રૂપિયા માત્ર ભારતના અલગ-અલગ જગ્યાના લોકોએ દાન કર્યા છે અને અન્ય રકમ વિદેશના શ્રોતાઓએ દાન કરી છે, ત્યારે રામ મંદિરને લઈને દાનની જાહેરાત કરનારા મોરારી બાપુને રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.

તો બીજી તરફ રામ મંદિર જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં ગુજરાતમાંથી જુદા-જુદા સાત ધર્મગુરુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ધર્મ ગુરુઓમાં BAPSના મહંત સ્વામી, સત કેવલ જ્ઞાનપીઠના અવિચલદાસ સ્વામી, હિંદુ ધર્મ આચાર્ય મહાસભાના સંયોજક મહામંત્રી પરમાત્માનંદનજી, SGVP ગુરુકુળના અધ્યક્ષ માધવપ્રિયદાસજી, જામનગર પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણ મહારાજ, સરસપુર રામજી મંદિરના મહંત અખિલેશ્વર દાસજી અને વડીયાવીર ઇડરના શાંતિગીરી મહારાજને આમંત્રણ આપવામાં આવ્યું છે.

તો બીજી તરફ રામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં રામ નામ જેમની સાથે વર્ષોથી જોડાયેલું છે તેવા મોરારી બાપુને પણ આમંત્રણ આપવામાં આવે તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. મહત્ત્વની વાત છે કે, અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, ઉમાભારતી સહિત 200 જેટલા મહેમાનો ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમમાં ગુજરાતના 912 પવિત્ર તીર્થના જળ અને માટી અયોધ્યા મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp