26th January selfie contest
BazarBit

રેલવે ટ્રેક પર પડી ગયેલી દીકરીને બચાવવા જતા માતા-પુત્રીના ટ્રેન નીચે કપાતા મોત

PC: dainikbhaskar.com

સુરતમાં ટ્રેનની અડફેટે આવતા માતા અને પુત્રીના મોત થયા હતા. જે સમયે માતા તેની બે દીકરીઓની સાથે રેલવે ટ્રેક ઓળંગી રહી હતી, તે સમયે એક પુત્રી રેલવે ટ્રેક પર પડી ગઈ હતી. બાળકીને બચાવવા જવાનો પ્રયાસ કરતા માતા અને પુત્રી બંને ટ્રેનની અડફેટે આવ્યા હતા. આ ઘટનાની જાણ રેલવેના અધિકારીઓને અને પોલીસને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જે જગ્યા પર અકસ્માતની ઘટના બની હતી, તે સુરત-ઉધના વચ્ચેના કાંકરા ખાડી પુલની બાજુમાં ઊભા રહેવાની કોઈ પણ જગ્યા નથી અને જેના કારણે આ જગ્યા પર બે ઘટનાઓમાં પાંચ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, વિલિયન્સ ઇન્ફ્રા બિલ્ડ કંપનીના કોન્ટ્રાકટ પર રેલવે ટ્રેક પાસે ઘાસ કાપવાનું કામ કરતી મહિલા રેખા ડામોર, તેની પુત્રી અરુણા અને રીતિકા સહારા દરવાજા નજીક આવેલા રેલવેના 443 નંબરના પુલ પરથી પસાર થઇ રહી હતી અને તે સમયે વલસાડ-દાહોદ ઇન્ટરસીટી ટ્રેનને આવતી જોઈને રેખા ડામોર તેની બંને પુત્રીને લઇને ભાગીને રેલવે ટ્રેક પાર કરવા ગઈ હતી અને તે સમયે રીતિકા રેલવે ટ્રેક પર પડી ગઈ હતી. જેથી રેખા તેની દીકરીને બચાવવા માટે ગઈ હતી અને ત્યાં ટ્રેન નજીક આવી પહોંચી હતી. ટ્રેનની અડફેટે આવતા માતા-પુત્રીના મોત નીપજ્યા હતા અને અરુણા નામની બાળકીને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

આ ઘટનાની જાણ રેલવે પોલીસ અને RPFના જવાનોને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરીને માતા અને પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પુલ પર ઘટના બની હતી, તેમાં છેલ્લા બે અકસ્માતની ઘટનામાં પાંચ જેટલા લોકોના મોત થતા રેલવે પોલીસ અને RPF દ્વારા તે જગ્યા પર પેટ્રોલિંગ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp