26th January selfie contest

વાયબ્રન્ટ-2019મા MOU વધ્યા પણ રોકાણ નહીં, આંકડા છૂપાવવાનું કારણ જાણો

PC: khabarchhe.com

ગુજરાતની નવમી વાયબ્રન્ટ સમિટમાં MOUની સંખ્યામાં વધારો થયો છે પરંતુ મૂડીરોકાણમાં ઘટાડો નોંધાયો છે. તેથી ગુજરાત સરકારે કુલ મૂડીરોકાણના આંકડા આપવાનું ટાળ્યું છે. સૌથી વધુ 2015ની સમિટમાં મૂડીરોકાણ થયું હતું, જેનો આંકડો 25 લાખ કરોડને પાર હતો પરંતુ ત્યાર પછીની 2017મા અને 2019મા આટલી મોટી સંખ્યામાં મૂડીરોકાણ આવ્યું નથી. તેથી છેલ્લા બે વર્ષના મૂડીરોકાણના આંકડા સરકારે જાહેર કર્યા નથી.

રાજ્યના ઉદ્યોગ વિભાગે કહ્યું છે કે સરકારના વિવિધ વિભાગો સાથે થયેલા MOUની સંખ્યા પાછલા વાયબ્રન્ટ સમિટ કરતા વધી છે પરંતુ તે નાના અને મધ્યમ ઉદ્યોગોમાં વધારે હોવાથી મૂડીરોકાણ ઓછું આવ્યું છે. સમિટના પ્રથમ દિવસે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી જૂથના ગૌતમ અદાણી તેમજ બીજા બે ઉદ્યોગપતિઓએ 4.50 લાખ કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી પરંતુ સરકારે જે MOU સાઇન કર્યા છે, તેની વિગતો બાકી રાખી છે.

કોઈપણ ઉદ્યોગજૂથ જ્યારે MOU સાઇન કરે છે ત્યારે તેની પાસે મૂડીરોકાણની ચોક્કસ વિગતો હોય છે. આ ઉદ્યોગ જૂથ કેટલી રકમનું મૂડીરોકાણ કરે છે તેની વિગતો MOUમા જ લખેલી હોય છે. આ MOUનો સરવાળો કરવામાં આવે તો પણ મૂડીરોકાણનો અંદાજ આવી જાય છે. 2019મા સરકારે 2,860 જેટલી વિક્રમી સંખ્યામાં MOU સાઇન કર્યા છે પરંતુ તે પૈકી 75થી 80 ટકા તો લધુ અને મધ્યમ ઉદ્યોગોએ કર્યું છે. મોટા ઉદ્યોગોનું ગુજરાતમાં મૂડીરોકાણ નહીંવત છે.

2017ના વાયબ્રન્ટમાં પણ સરકારે મૂડીરોકાણના આંકડા છૂપાવ્યા હતા પરંતુ એક વર્ષ પછી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે તે સમયે 15 લાખ કરોડનું મૂડીરોકાણ થયું હતું. આ વખતે પણ આટલી જ સંખ્યામાં અથવા તો તેનાથી ઓછી રકમના MOU સાઇન થયા છે. 2013મા થયેલી સમિટમાં 20 લાખ કરોડના મૂડીરોકાણ થયા હતા જ્યારે 2015મા 25 લાખ કરોડના મૂડીરોકાણ થયા હતા. આ બંને આંકડા એટલા મોટા છે કે છેલ્લા બે વર્ષના મૂડીરોકાણની રકમ સાથે સરખામણી કરવામાં આવે તો પણ પાછલા આ બે વાયબ્રન્ટ જેટલી રકમ થતી નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp