નગરપાલિકાઓ અને મહાપાલિકાઓને પાંચ વર્ષમાં રૂ. 38427 કરોડ ગ્રાંટની ફાળવણી: સરકાર

PC: khabarchhe.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ડૉ. ધનસુખ ભંડેરીએ વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા બેઠક વડોદરા ખાતે સમાજકાર્ય ભવનના સભાગૃહમાં યોજી હતી. જેમાં તેમણે શહેરીજનોની સુખાકારીના કામોમાં બિનજરૂરી વિલંબ ટાળીને તેને બનતી ત્વરાથી પૂર્ણ કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં ડૉ. ભંડેરીએ જણાવ્યું કે, ગુજરાતમાં 2011ના વસતી ગણતરીના આંકડા મુજબ 42.58 ટકા લોકો શહેરોમાં વસે છે. તેથી શહેરીકરણની પ્રક્રીયામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત યોજના જેવી અનેક યોજનાઓ લોન્ચ કરીને શહેરી વિકાસને નવી દિશા આપી છે. તો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો અને ગામડાઓ, એમ બન્નેનો સુગઠિત અને સમતોલ વિકાસ થાય, એ બાબત ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રાજ્યની નગરપાલિકાઓમાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા ઉપલબ્ધ સેવાઓને વધુ સંગીન બનાવવા માટે આંતરમાળખાકીય સેવાઓ ઉભી કરવામાં આવી રહી છે. શહેરી ગરીબોનો સામાજિક અને આર્થિક વિકાસ કરીને તેમનું જીવન ધોરણ ઊંચુ લઇ જવા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડી અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં બોર્ડ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ અને મહાપાલિકાઓને કૂલ રૂ. 38427 કરોડની ગ્રાંટ ફાળવી છે. ચાલુ વર્ષનું બજેટ રૂ. 8462 કરોડનું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે શહેરી વિકાસના કામો માટે રૂ. એક હજારના કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધાના કામો જેવા કે રસ્તા, ટ્રાફિક સર્કલ, ભૂગર્ભ ગટર, ટ્રાફિક સર્કલ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો માટે રૂ. 12207 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તે પૈકી રૂ. 12168 કરોડના 25126 કામો મંજૂર કરાયા છે. જ્યારે, રૂ. 6757 કરોડના 20960 કામો પૂર્ણ થયા છે. ખાનગી સોસાયટીના જનભાગીદારીના રૂ. 1588 કરોડના 33704 કામો પૂર્ણ થયા છે. જ્યારે,રૂ. 2963 કરોડના 34938 કામો મંજૂર કરાયા છે.

વડોદરા ઝોનની નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને શીખ આપતા ડૉ. ભંડેરીએ કહ્યું કે, જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવે તે જ વખતે કામો પૂર્ણ કરવાની અને લોકાર્પણની તારીખ સુનિશ્ચિત કરવાની પ્રથા રાખવી જોઇએ. તેની સાથે કામની ગુણવત્તામાં નિયત ધોરણો જળવાઇ તે માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવું જોઇએ. ગુણવત્તા માટે નિયમાનુસારની ખાતરી મળવી જોઇએ. તેમણે નગરપાલિકાઓના વીજ વપરાશનું ઓડિટ કરાવવા સૂચના આપી હતી.

બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બી.સી.પટણીએ વડોદરા ઝોન હેઠળની 26 નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટ સંબંધિત કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

વિભાગીય મ્યુનિસિપલ કમિશનર પ્રશસ્તિ પારિકે સૌનો આવકાર કરતા જણાવ્યું કે રાજ્યમાં 42 ટકા ઉપરાંત વસ્તી શહેરોમાં વસવાટ કરે છે ત્યારે રાજ્ય સરકાર શહેરોના સર્વાંગી વિકાસ માટે સજાગ છે.મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા શહેરોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે વડોદરા ઝોનની નગરપાલિકાઓને વિકાસ કામો માટેની તાંત્રિક અને વહીવટી મંજૂરીઓ ઝડપથી મળે તે માટે પ્રક્રિયાનું સરળીકરણ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારના 100 દિવસના મહત્વકાંક્ષી કાર્યક્રમ હેઠળ વડોદરા ઝોનની સાત નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ પર લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp