26th January selfie contest
BazarBit

આ સરકારી કર્મચારીઓને 7મા પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરતા નીતિન પટેલ

PC: Khabarchhe.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત સરકારની ગ્રાન્ટ-સહાયથી ચાલતી અમદાવાદ મેડિસીટી કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલ અને કીડની હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી સારવાર ખૂબ સારી રીતે આપવામાં આવે છે. આ બંને હોસ્પિટલોમાં ગુજરાત રાજ્યની સાથે સાથે પડોશી રાજ્યો એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર મેળવે છે.

નીતિન પટેલે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ સાયન્સીઝ પણ ચલાવવામાં આવે છે. જ્યાં કીડનીની સારવાર માટેના નિષ્ણાંત ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફને તબીબી શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. આ ત્રણેય સંસ્થાઓમાં ડૉક્ટરો સહિત 1203 જેટલા મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ ફરજ બજાવે છે. આ સંસ્થાઓના નિયામકઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ સમક્ષ આ બંને હોસ્પિટલોના કર્મીઓને 7મા પગારપંચનો લાભ આપવાની રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે કેન્સર, કીડની હોસ્પિટલ અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીઝના ડૉક્ટરો તથા પેરા મેડીકલ સ્ટાફ માટે તા.1/1/16 થી અમલમાં આવે એ મુજબ 7મા પગાર પંચની મંજૂરી આપી છે અને હવે તા.1/8/2020થી 7મા પગારપંચ પ્રમાણે પગાર આપવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફને શક્ય બને એ બધી જ મદદ કરવામાં આવી રહી છે જેના કારણે આરોગ્ય વિભાગ સહિત ખાનગી તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં કોરોનાને લડત આપવા અને દર્દીઓની સેવા કરવામાં અગ્રેસર રહ્યા છે. આમ, રક્ષાબંધન પર્વ નિમિત્તે આ ત્રણેય સંસ્થાના કર્મચારી -બહેનોને રાજ્ય સરકાર તરફથી રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp