સેટિંગથી હવે LCB પોલીસમાં નિમણૂક મેળવવું અઘરૂં, પોલીસવડાએ શરૂ કરી કડકાઇ

PC: indianexpress.com

ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહત્વની હોય છે. આ બ્રાન્ચને વધારે ધારદાર કરવા માટે રાજ્યના પોલીસ વડાએ નવા નિયમો બનાવ્યા છે. આ નિયમો પ્રમાણે કામગીરી અને નિયુક્તિમાં મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં થતી નિયુક્તિમાં હવે રાજકીય પ્રેશર કે લાગવગશાહી નહીં ચાલે, કાબેલ અધિકારીઓને મૂકાશે.

રાજ્યના પૂર્વ પોલીસ વડા શિવાનંદ ઝા એ બહાર પાડેલા આદેશનું પાલન હાલના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા કરાવી રહ્યાં છે. પોલીસના સૂત્રોએ કહ્યું હતું કે નિવૃત્ત થયેલા પોલીસ વડાએ જે આદેશ બહાર પાડ્યા હતા તે આદેશને કન્ટીન્યૂ કરવામાં આવ્યો છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

આ બ્રાન્ચમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓએ ગુનાઓની તપાસ અને નહીં ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પ્રયાસ કરવો પડે છે. એ ઉપરાંત ફરાર થયેલા આરોપીને શોધવા, અજાણ્યા મૃતદેહોની ઓળખ કરવા, ગુનેગારોની મોડસ ઓપરેન્ડી તેમજ હીસ્ટ્રીશિટરોનો ડેટાબેઝ તૈયાર કરવાનું કામ હાલ આ બ્રાન્ચ કરી રહી છે.

ગંભીર ગુનાના બનાવોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને હવે  જાતે સ્થળ મુલાકાત લેવી પડે છે. આ ઉપરાંત હથિયારો, માદક પદાર્થો, મહિલા અને બાળકો વિરુદ્ધ ગુના, સાયબર ક્રાઇમ, પાસપોર્ટ એક્ટ અંગેના ગંભીર ગુનાઓની તપાસ પણ આ બ્રાંચ દ્વારા જ કરવાની સુચના આપવામાં આવેલી છે.

કેવા પ્રકારના પોલીસ અધિકારી, કર્મચારીઓને આ બ્રાન્ચમાં નિમણૂંક આપવી તે અંગે પણ પરિપત્રમાં વિસ્તૃત સુચનાઓ આપવામાં આવેલી હતી તેનું પાલન કરવા કહેવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પીએસઆઇ માટે 5 વર્ષથી વધુ અને પીઆઇ માટે 7 વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં અધિકારીને જ મૂકવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જે બાતમીદારોનું નેટવર્ક ધરાવતાં હોય, વિસ્તારની ભૌગોલીક અને સામાજીક પરિસ્થિતિથી વાકેફ હોય, ગુનાઓની તપાસ અને કાયદાનું પૂરતું જ્ઞાન ધરાવતાં હોય, મીડિયા કે સોશિયલ મીડિયામાં છવાઇ જવાની કે વૃત્તિ ન રાખે તથા સ્વચ્છ છાપ ધરાવતાં હોય તેવા જ અધિકારી, કર્મચારીઓને નિમણૂંક અપવા માટે ફરીથી સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp