ઓલ્ડ ઇઝ ગોલ્ડ, રાજકારણમાં પણ લાગુ પડે છે!

PC: abplive.in

કોઇ જૂની હિન્દી ફિલ્મ જોઇએ તો સમજાય કે કેટલી અદ્દભૂત સ્ટોરી છે. તમને તેના ગીતો સાંભળવા મળે તો તેનો આનંદ અનેરો હોય છે. ગુજરાતની એક કહેવત છે કે ઘરડાં ગાડાં વાળે—એટલે કે જેટલા અનુભવી લોકો હોય તેટલો પ્રગતિનો માર્ગ આસાન થઇ જાય છે.

નરેન્દ્ર મોદી હોય કે કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા હોય કે ચીમનભાઇ પટેલ—તમામને જૂના સાથીદારો સારા લાગતા હોય છે. કેશુભાઇ પટેલના સમયમાં ચીફ સેક્રેટરી રહેલા મંજુલા સુબ્રમણ્યમ હજી પણ સરકારમાં જોબ પર છે. નિવૃત્ત થયેલા ચીફ સેક્રેટરી સુધીર માંકડ, ડી.રાજગોપાલન અને અચલ કુમાર જોતિને વર્ષો સુધી સરકારમાં કોઇને કોઇ જગ્યાએ સેટ કરવામાં આવ્યા છે.

ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાની સરકારમાં શિક્ષણમાં, ઉદ્યોગમાં પાણીના સ્ત્રોતમાં તેમજ રાજકીય સલાહકાર નિયુક્ત થયેલા હતા. બાપુ કોઇપણ નવો નિર્ણય કરતા ત્યારે તે પહેલાં ગુજરાતના અનુભવસિદ્ધ નિષ્ણાંતોને તેમના બંગલે અથવા ઓફિસમાં આમંત્રણ આપીને બોલાવતા હતા અને તેમની સાથે ચર્ચા કરતા હતા. તમામના સૂચનો લઇને સરકાર તમામની દરખાસ્તને આખરી કરતી હતી.

કેશુભાઇ પટેલના શાસનમાં પણ નિવૃત્ત ઓફિસરોની એક ફોજ સરકારનું કામ કરતી હતી. તેમની સરકારમાં એન.વી.વસાણી જેવા અનુભવી ઓફિસર સીએમઓ માં કામ કરતા હતા. મોદીની સરકારમાં નવલાવાલા અને કિરીટ ભટ્ટ જેવા સિનિયર મોસ્ટ ટેકનોક્રેટ કામ કરતા હતા. હવે ભાજપમાં નવો ફાલ આવ્યો છે તેથી જૂના સિનિયર નેતાઓને સાઇડટ્રેક કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં જેમ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, યશવંતસિંહા અને શત્રુધ્ન સિંહાને સાઇડટ્રેક કરી દેવામાં આવ્યા છે તેમ ગુજરાતમાં પણ ભાજપે કેશુભાઇ પટેલ, આઇ.કે.જાડેજા જેવા નેતાઓને સાઇડટ્રેક કર્યા છે. કોંગ્રેસમાં હજી આ જુવાળ આવ્યો નથી તેથી જૂના સિનિયર નેતાઓ હજી પણ ચૂંટણી આવે એટલે પાર્ટીની ઓફિસમાં નિયમિત બની જતા હોય છે.

નેતામાં જેટલો જૂનો નેતા એટલો સારો, કારણ કે જૂના નેતાના સબંધો ગાઢ બનેલા હોય છે. જનતાની વેદનાને તે સમજે છે અને યોગ્યરીતે તેનો ઉકેલ લાવી આપે છે. આજે ગુજરાતમાં સિનિયર મોસ્ટ નેતાઓ ઉપલબ્ધ છે પરંતુ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તેમને ખૂણામાં બેસાડી રાખે છે.

ગુજરાતની હાલની વિજય રૂપાણીની સરકાર જો કેશુભાઇ પટેલનો સલાહકાર તરીકે ઉપયોગ કરે તો રૂપાણીની જીત 2022માં પણ નક્કી છે, પરંતુ આમ કરવા માટે તેમને હાઇકમાન્ડની મંજૂરી જોઇએ. ગુજરાતમાં જૂના નેતાઓની ખોટ નથી. માધવસિંહ સોલંકી એક એવા નેતા છે કે જેમણે મોદી પછી સૌથી વધુ સમય સુધી ગુજરાતમાં શાસન કર્યું છે. આજે તેમની પાસે અનુભવની ખાણ છે. સુરેશ મહેતા પાસે વર્ષો જૂનો અનુભવ છે. દિલીપ પરીખ પાસે શાસનની પરિપક્વતા છે. શંકરસિંહ વાઘેલા પાસે એવો અનુભવ છે કે તેમના જેટલી નિર્ણયશક્તિ ધરાવતો કોઇ નેતા ભાગ્યેજ ગુજરાતમાં જન્મ્યો હશે.

કેન્દ્રમાં પણ જોઇએ તો ભાજપની સરકાર છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે પરંતુ તેમની સરકારમાં સિનિયર મોસ્ટ સભ્યોની હાજરી તો અનિવાર્ય થઇ પડી છે. રાજનાથસિંહ અને સુષ્મા સ્વરાજ જેવા નેતાઓની જરૂર પડે છે. ભાજપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સિનિયર મોસ્ટ નેતાઓને પોલિટીકલ સલાહકાર બનાવે તો તેઓ ઉત્તમ પરિણામ આપી શકે છે. જો આ નેતાઓ મોદીના સલાહકાર તરીકે કામ કરતાં હોત તો આજે નોટબંધી અને જીએસટી કાયદાના કારણે ઉભી થયેલી જટીલ પરિસ્થિતિમાંથી આપણે ઉગરી શક્યા હોત.

રાજકારણને ઉંમરના સિમાડા નડતા નથી. આપણે અમેરિકાના પ્રેસિડેન્ટને જોઇએ તો તેમની ઉંમર ખૂબ મોટી છે. ભારતમાં ઇન્દિરા ગાંધીએ પણ શાસન કર્યું છે. વીપી સિંહે પણ શાસન કર્યું છે. ભૂતકાળની સરકારોમાં સિનિયર મોસ્ટ નેતાઓ અને મિનિસ્ટરના કારણે સરકારની આબરૂ જળવાઇ શકી છે. સરકાર ખોટું કરે તો તેને ટોકનાર વ્યક્તિ સરકારમાં હતા. ભાજપના 75 વર્ષના નિર્ણયના કારણે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ખુરશી છીનવી લીધી છે. પાર્ટીએ નક્કી કર્યું હતું કે 75 વટાવી ગયેલા નેતાઓને સરકારમાં કોઇ હોદ્દો આપી શકાશે નહીં.

કોઇપણ સફળ શાસક એ છે કે જે સિનિયર નેતાઓની ફોજ તેની સાથે રાખે, સામે નહીં. કોંગ્રેસના નેતાઓ આવા સિનિયર નેતાઓનો ઉપયોગ કરી શકતા હતા પરંતુ મોદી સરકાર કેમ નથી કરતી તે વિચારાધિન છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp