કમાલ હૈ..!આડા દિવસે સંખ્યાબંધ અને મતદાનના દિવસે માસ્કવિહોણા 4 જ વ્યક્તિને દંડ

PC: newsbharati.co

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે માસ્કવિહોણા લોકો પાસેથી રૂ.500થી 1000 રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવતો હતો. જેથી કોરોના વાયરસનું સંક્રમણ શક્ય એટલું અટકાવી શકાય. પણ જાન્યુઆરી મહિનાથી મહાનગર અમદાવાદમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઘટતા થોડી રાહત થઈ હતી. ચૂંટણીનું એલાન થતા કોરોના હાંસિયામાં આવી ગયો અને પક્ષો મેદાને આવી ગયા. અનેક એવા કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું અને આગેવાનો માસ્ક વગરના જોવા મળ્યા.

ક્યાંય નાઈટ કર્ફ્યૂનો ભંગ થયો તો ક્યાંક ખિચોખિચ જાહેર સભા પણ યોજાઈ ગઈ. એક ચોક્કસ સમય બાદ જ્યારે કોરોના ફરી સક્રિય થયો છે ત્યારે મતદાનના દિવસે અમદાવાદમાં આખા દિવસમાં માત્ર ચાર જ વ્યક્તિ માસ્ક વગરના પોલીસને દેખાયા. આ સ્થિતિ બાદ રાજ્યની હાઈકોર્ટે રાજ્ય સરકાર તથા અન્ય ઓથોરિટીને કોરોનાથી સાવચેત રહેવા માટે આદેશ આપ્યા છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. શહેર પોલીસ તરફથી આપવામાં આવેલા આંક પ્રમાણે રવિવારે મતદાનના દિવસે માત્ર રૂ.4000 માસ્કના દંડ પેટે વસુલ કરવામાં આવ્યા છે.

કોરોના વાયરસની મહામારી તથા લોકડાઉન-અનલોક સુધીના અત્યાર સુધીના સમયમાં આ કદાચ એક દિવસની સૌથી ઓછી રકમ હોઈ શકે છે. પોલીસે બચાવલક્ષી વાત કરતા કહ્યું હતું કે, અમને ઉપરથી ઓર્ડર હતો કે મતદાનના દિવસોમાં લોકોને માસ્ક મુદ્દે બહું રોકટોક કરવી નહીં. આ વિષય પર ઉચ્ચ પોલીસ અધિકારી હર્ષદ પટેલે કહ્યું કે, ચૂંટણી ફરજમાં પોલીસ ખૂબ વ્યસ્ત હતી. શાંતી પૂર્ણ રીતે મતદાન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ જવાન ઉપરાંત અન્ય સુરક્ષા ટુકડીને પણ આ કામે રોકવામાં આવી હતી.

જોકે, પોલીસે માસ્કના બદલે અન્ય ગુના અંતર્ગત ફરિયાદ નોંધીને કાયદાકીય પગલાં લીધા હતા. જેમ કે, દારૂબંધી, જુગાર. અન્ય એક પોલીસ કર્મીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, ચૂંટણીના સમયે ખાસ કરીને મતદાનના દિવસે લોકોને માસ્ક મુદ્દે દંડ કરવો નહીં એવું ઉપરથી કહેવાયું હતું. તા.23 જાન્યુઆરી બાદ પોલીસ ચોપડે સતત ઘટતા માસ્ક વગરના માટેના દંડની સંખ્યા પરથી ખ્યાલ આવે છે, કામગીરી કેવી થઈ રહી છે. તા.23 જાન્યુઆરીના દિવસે જ્યારે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી એ દિવસે માસ્ક મુદ્દે 2187 કેસ નોંધાયા હતા. જ્યારે તા.6 ફેબ્રુઆરીના રોજ આ સંખ્યા ઘટીને 600 પર આવી ગઈ.ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો તરફથી ગાઈડલાઈન્સના છોંતરા નીકળી ગયા હતા. તા. 20 ફેબ્રુઆરીના રોજ આખા દિવસમાં માત્ર 294 કેસ થયા હતા. આ દિવસે જ રાજ્યની હાઈકોર્ટે કોરોનાના ફરી વધી રહેલા કેસ મુદ્દે ટકોર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp