અનેક વીઘા જમીન હોવા છતા લગ્ન માટે યુવતીઓ ન મળતા પાટીદાર સમાજનો આ નિર્ણય

PC: zeenews.india.com

ગુજરાતના સુખી અને સમૃદ્ધ સમાજોમાં ગણાતા એવા પાટીદાર સમાજ પર એક મોટું સંકટ આવી પડ્યું છે. પાટીદારો માટે કહેવાય છે કે, તેઓ કોઇપણ પ્રસંગ કરે તેમાં પાણાની જેમ પૈસા વાપરે છે. પણ હાલની સ્થિતિ એવી છે કે, પાટીદાર સમાજ પાસે પરણવા માટે કન્યાઓની ખુબ જ અછત છે અને સમાજમાં જે કન્યાઓ છે તે વિદેશમાં લગ્ન કરવાની ઇચ્છા રાખે છે. ત્યારે કન્યાઓની અછતના કારણે મધ્ય ગુજરાત પાટીદાર સમાજે એક મહત્વનો નિર્ણય લીધો છે. આણંદના ભાલેજ ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના આત્મચિંતન શિબિરમાં એક ખૂબ જ અગત્યનો નિર્ણય લેવાયો છે. જે નિર્ણયમાં ગુજરાતની બહાર રહેતા પાટીદાર સમાજ સાથે સંબંધો વિકસાવવાની વાત કરવામાં આવી છે.

આણંદના ભાલેજમાં યોજાયેલા આ આત્મચિંતન શિબિરમાં અલગ અલગ 30 સમાજના 125 જેટલા અગ્રણીઓએ ભાગ લીધો હતો. હાજર રહેલા તમામ અગ્રણીઓએ ભેગા થઇને નક્કી કર્યું હતું કે, મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં કન્યાઓની અછત છે, જે અછતને પુરી કરવા માટે ગુજરાતના જે પાટીદારો ગુજરાતની બહાર રહે છે, તેમની સાથેના સંબંધોને અલગથી વિકસાવવામાં આવશે. ગુજરાતની બહારથી છોકરીઓને ગુજરાતમાં લાવવા માટે આ પહેલ કરવા માટે મધ્ય ગુજરાત પાટીદાર સમાજે આ નિર્ણય લીધો છે.

આ નિર્ણયના પ્રથમ પગલા રૂપે એક ટીમ બનાવવામાં આવી છે. જે અલગ અલગ રાજ્યોમાં વસતા પાટીદાર સમાજના અગ્રણીઓને સંપર્ક કરીને ત્યાંના છોકરાઓ અને છોકરીઓ સાથે સંપર્ક કેળવશે. આ નિર્ણય લેવા માટે ગુજરાત પાટીદાર સમાજના દરેક લોકોએ સંમતી વ્યક્ત કરી છે. મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજમાં છોકરાઓની સંખ્યાની સામે છોકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેથી મહેસાણાના વીસનગરમાં આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વયંવરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 200 યુવતીઓ હાજર રહે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો અને એ રીતે તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પણ સ્વયંવરમાં ફક્ત 40 યુવતીઓ જ હાજર રહી હતી. પરંતુ, તેની સામે 500 જેટલા યુવકો હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજ ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે. તેમ છતાં પાટીદાર સમાજમાં દિકરા અને દિકરીઓની સંખ્યામાં સમન્વય નથી સાધિ શકાયો. જેથી પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા છતાં લગ્ન નથી કરી શકતા. જેથી મહેસાણા જિલ્લામાં ગુજરાતની બહારની છોકરીઓ સાથે લગ્ન કરવાના ઘણા પ્રસંગો બન્યા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 750 કરતા વધારે યુવતીઓ બુંદેલખંડ અને ચિત્રકુટથી પણ લગ્ન માટે લવાઇ છે. આવા રાજ્યોમાં આજે પણ દહેજ આપવામાં આવે છે. ત્યારે જે રાજ્યના પાટીદાર સમાજને એક મંચ પર એકઠા કરીને યુવાનોને લગ્ન માટે યુવતીઓ મળે તેવા પ્રયત્નો આ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સમાજ દ્વારા જે સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટાભાગે મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રની 40 જેટલી છોકરીઓ હાજર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp