જેમને જવાબદારી મળતી નથી એ સ્પર્ધા કરે છે: સી આર પાટીલનો વિરોધીઓને મોટો સંદેશ

ગુજરાત ભાજપમાં આંતરિક ઝઘડા અને પત્રિકા કાંડની ચર્ચા જોરશોરથી ચાલે છે અને તેને કારણે રાજકારણમાં ગરમાટો પણ આવેલો છે એ વચ્ચે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક કાર્યક્રમમમાં વિરોધીઓને ઇશારા-ઇશારામાં મોટો મેસેજ આપી દીધો છે. એમ કહી શકાય કે સી આર પાટીલે લાતની લાત અને વાતની વાત કરી દીધી છે.
સુરતમાં લાયન્સ ઇન્ટરનેશશનલ ક્લબના કાર્યક્રમ ‘શંખનાદ’માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે જે લોકોને જવાબદારી મળતી નથી એ લોકો પછી ર્સ્પધા કરવા માંડે છે.
સી આર પાટીલે કહ્યુ કે, એ વિચારવું કે હું સક્ષમ છુ, મને જવાબદારી કેમ નથી મળતી? કે પછી એ વિચારવું હું સક્ષમ છુ, મને જ જવાબદારી મળવી જોઇએ. આવું થવાને કારણે અનેક વખત લોકો પ્રતિર્સ્પધામાં ઉતરી જાય છે.એવામાં તમારા કામ અને આરોગ્ય પર અવળી અસર પડે છે અને આ નુકશાનકારક હોય છે.
પાટીલે કહ્યુ કે, એ પણ નહીં વિચારતા કે તમે સક્ષમ છો એટલે તમને જવાબદારી મળી છે, જવાબદારી મળ્યા પછી એના માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવો જોઇએ.
લાયન્સ ક્લબના કાર્યક્રમમાં સી આર પાટીલે આપેલા ભાષણને ઇશારા-ઇશારમાં વિરોધીઓને આપવામાં આવેલા સંદેશા તરીકે ગણવામાં આવી રહ્યું છે. રાજકીય ગલિયારામાં પાટીલના આ નિવેદનનો અર્થ શોધવાની મથામણ ચાલી રહી છે.
તાજેતરમાં ગુજરાત ભાજપમાં નંબર-2ની હેસિયત ધરાવનારા, શક્તિશાળી અને પાવરફુલ નેતા તરીકે જેમની ગણના થતી હતી તેવા પ્રદેશ મહામંત્રી પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામું આપવું પડ્યું હતું.
પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું તેના થોડા દિવસો પહેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇ સામે પત્રિકાઓ ફરતી થઇ હતી.એ ફરતી થયેલી પત્રિકાઓમાં ભાજપ નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. એ પછી સી આર પાટીલના ખાસ ગણાતા અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇએ ક્રાઇમ બ્રાન્ચમાં FIR નોંધાવી હતી.
ક્રાઇમ બ્રાન્ચે સંદીપ દેસાઇની ફરિયાદને આધારે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગણપત વસાવાના પૂર્વ PA રાકેશ સોલંકી સહિત 3 લોકોની પુછપરછ કરી હતી. એ પછી ક્રાઇમ બ્રાન્ચે સુમુલ ડેરી ભાજપ પત્રિકા કાંડમાં સુમુલ ડેરીના વાઇસ પ્રેસિડન્ટ રાજુ પાઠકની પણ પુછપરછ કરી હતી. હવે જ્યારે સી આર પાટીલે લાયન્સ ક્લબના કાર્યક્મમાં જવાબાદારીની વાત કરી છે ત્યારે તેના ગૂઢાર્થની ચર્ચા ચાલી રહી છે.
સી આર પાટીલે એમ કહ્યુ હતુ કે આજે પણ RSSના સંસ્કાર છે કે જે જવાબદારી મળે તે પ્રમાણે પોતાની જાતને સક્ષમ બનાવો.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો ગયા મહિનાની 20 તારીખે કાર્યકાળ પુરો થયો છે, પરંતુ ભાજપે હજુ સુધી પાટીલના કાર્યકાળને લઇને નિવેદન બહાર પાડ્યું નથી કે, આગામી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં કોની આગેવાની હેઠળ લડાશે? અથવા પાટીલ આગામી 3 વર્ષમાં પ્રદેશ પ્રમુખ તરીકે ચાલું રહેશે.
જુલાઇ 2020માં પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી સી આર પાટીલે પોતાની ટીમ બનાવી હતી. તેમાં સંગઠન મંત્રીને બાદ કરતા 4 મહામંત્રી હતા. તેમાંથી પ્રદિપ સિંહ વાઘેલા અને વડોદરાના ભાર્ગવ ભટ્ટ રાજીનામા આપી ચૂક્યા છે. રજની પટેલ અને વિનોદ ચાવડા અત્યારે મહામંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે.
ગુજરાતના રાજકારણમાં અત્યારે એવી અટકળો ચાલી રહી છે કે સંગઠનમાં ફેરબદલની સાથે સાથે ગુજરાત સરકારમાં પણ મોટા ફેરફાર આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp