PGVCL સૌરાષ્ટ્રમાં સ્માર્ટ પ્રિપ્રેડ મીટર લગાવશે, વપરાશ મોબાઇલ પર દેખાશે

PC: divyabhaskar.co.in

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ(PGVCL)એ સૌરાષ્ટ્રમાં એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના 55 લાખ કારખાના, રેસિડન્સ તેમજ સરકારી ઓફિસોને કનેક્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને કરાણે ગ્રાહકોની વીજ સમસ્યા ઉકેલાશે એવું PGVCLનું માનવું છે. આ કામગીરી પાછળ 3600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને ડિસેમ્બર મહિનાથી બે તબક્કામાં કામ શરૂ થશે.

PGVCLના ચીફ એન્જિનિયર આર. જે. વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પહેલીવાર PGVCL સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવશે. જેને કારણે ગ્રાહકોને જે વીજ સમસ્યા ઉભી થાય છે તેનું નિરાકરણ આવશે. વાળાએ કહ્યુ કે, સ્માર્ટ પ્રિપેડ મીટર લાગવાને કારણે ગ્રાહકો તેમનો રોજેરોજનો વીજ વપરાશ તેમના મોબાઇલમાં જોઇ શકશે. તેમનું વીજ બિલ પણ તપાસી શકશે. આ મીટર લગાવવા માટે PGVCL ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ વસુલવાનું નથી.

ચીફ એન્જિનિયર વાળાએ કહ્યું કે, સ્માર્ટ પ્રિપેડ મીટર છે તે સામાન્ય મીટર જેવા જ દેખાશે, પરંતુ તેમાં કોમ્યુનિકેશન માટે એક ડિવાઇસ લાગેલું હશે. વાળાએ કહ્યું કે, જેમ દરેક વિસ્તારોમાં લાગેલા મોબાઇલ ટાવરો સાથે મોબાઇલ કનેક્ટ થઇને ઇન્ફોર્મેશન આપે છે, બસ એવી જ રીતે સ્માર્ટ પ્રિપેડ મીટર પણ કામ કરશે.

તેમણે આગળ કહ્યુ કે, સ્માર્ટ પ્રિપેડ મીટરમાં એક સીમકાર્ડ હોય છે જે GPRS સીસ્ટમ વડે અમારી સાથે જોડાશે. જેને લીધી ગ્રાહકોના મીટરમાં વીજ વપરાશનો જે કઇ પણ ડેટા હશે તે PGVCLની ઓફિસમાં મળી રહેશે,

વાળાએ કહ્યુ કે, આનાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. જેમકે ગ્રાહકોની ફરિયાદ રહેતી હોય છે, કે બિલ બરાબર બન્યું નથી, મીટર રિડીંગ બરાબર થયું નથી, બિલ ભરવા લાઇનમાં ઉભા રહેવું પડે છે, આવી નાની મોટી સમસ્યા દુર થઇ જશે.

ડિસેમ્બર મહિનાથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાની કામગરી શરૂ થશે, પહેલાં તબક્કામાં સરકારી ઓફીસોમાં લગાવવામાં આવશે, એ પછી રેસિડન્સ અને ઇન્ડસ્ટ્રીઅલ એરિયાને આવરી લેવામાં આવશે. ખેતીવાડી વિસ્તારમાં અત્યારે સ્માર્ટ પ્રિપેડ મીટરની કોઇ યોજના નથી. કર્મચારીઓને આના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

PGVCL દ્રારા મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડવામાં આવે છે.આ સ્માર્ટ પ્રિપેડ મીટરને કારણે વીજ ચોરી પણ પકડાઇ જશે.

હજુ સુધી ગ્રાહકોને આ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. PGVCLનો આ નવતર પ્રયોગ કેટલો સફળ થશે તે આગામી દિવસોમાં ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp