અમદાવાદમાં PIએ જુગારનો અડ્ડો શરૂ કરવાની મંજૂરી આપી અને પછી જાણો શું થયું

PC: pinterest.com

ગુજરાત પોલીસના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં દારૂ, જુગારના અડ્ડાઓ જેને પોલીસની ભાષામાં સ્ટેન્ડ કહેવામાં આવે છે, તે સંબંધીત પોલીસ ઈન્સપેક્ટરની મંજૂરી વગર શરૂ થતાં નથી, પણ જ્યારે બહારની કોઈ એજન્સી દરોડો પાડે ત્યારે પોલીસ ઈન્સપેક્ટર પોતે સાવ અજાણ્યા અને નિર્દોષ હોય તેમ હાથ ઉંચા કરી બહાર નીકળી જાય છે અને નાના પોલીસ અધિકારીઓ તેની કિંમત ચૂકવે છે. આવું અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બન્યું, જેનો ભોગ બે પોલીસ સબઇન્સપેક્ટરો બન્યા છે.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક જૂનો બુટલેગર વર્ષોથી દારૂનો ધંધો કરતો હતો. હવે તેણે દારૂનો ધંધો બંધ કરી જુગારનો અડ્ડો શરૂ કર્યો. સૂત્રોની જાણકારી પ્રમાણે અડ્ડો શરૂ કરતો પહેલા તેણે દરિયાપુરના પોલીસ ઇન્સપેક્ટરના વહિવટદારનો સંપર્ક કર્યો અને PIએ લીલી ઝંડી આપી હતી. છેલ્લાં ઘણા દિવસથી ધમધમતા આ અડ્ડા અંગે આખા દરિયાપુરને ખબર હતી, ત્યારે ઇન્સપેક્ટર કઈ જાણતા જ નથી, તેવું બની શકે નહીં. દરિયાપુરમાં અડ્ડો ચાલે છે તેવી જાણકારી સેક્ટર 2ના જોઈન્ટ પોલીસ કમિશનર અશોક યાદવને મળતા તેમણે ડી સ્ટાફ PSI અને દરિયાપુર ચોકીને રેડ કરવાનો આદેશ આપ્યો હતો.

જો કે દરિયાપુર પોલીસે રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી માત્ર પાણીના ખાલી પાઉચ અને બીડી સીગરેટના ઠુંઠા મળ્યા હતા. આ અડ્ડા અંગે બાતમી આપનારે જેસીપી યાદવને જણાવ્યું કે રેડ અંગે અગાઉથી ગામાને પોલીસ દ્વારા જાણકારી આપી દીધી હોવાની કારણે રેડ નિષ્ફળ ગઈ હતી. આથી શનિવારની સાંજે અમદાવાદ સેક્ટર-2ના જોઈન્ટ પોલીસ કમિશનરના સ્ક્વોડ દ્વારા ગામાના અડ્ડે દરોડો પાડવામાં આવ્યો હતો. આ આખા ઓપરેશનમાં દરિયાપુર પોલીસના બાકાત રાખવામાં આવી હતી.

સેક્ટર 2ની રેડમાં જુગારનો અડ્ડો પકડતા દરિયાપુરના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબઇન્સપેક્ટર વી એ રાણા અને દરિયાપુર ચોકી PSI યુ એફ રાઓલને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાય વર્ષોથી અમદાવાદમાં પોલીસ ઇન્સપેક્ટરો કરતા વહિવટદારોનું વધારે ચાલે છે. નવા આવનાર પોલીસ કમિશનરો કાયમ વહિવટદારોની બદલી કરતા હોય છે. પરંતુ વાસ્તવિકતા તો એવી છે કે પોલીસ સબઇન્સપેક્ટરોથી IPS અધિકારીઓને વહિવટદાર વગર ચાલતુ જ નથી.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp