26th January selfie contest

દારૂ પીધેલા સોફ્ટવેર એન્જિનિયરને PIએ કહ્યું- ચિંતા ન કરીશ, આપણે કંઇક રસ્તો કરીશુ

PC: Khabarchhe.com

(પ્રશાંત દયાળ). થોડા દિવસ પહેલા પોલીસ ઈન્સપેકટર એન આર પટેલ  2014-2015માં સુઈ ગામ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે દારૂ સાથે પકડેલા યુવાન સામે કેસ કરવાને બદલે તેને શિક્ષણમાં ધ્યાન આપવા માટે સમજાવ્યો હતો જેના કારણે આ યુવાને દારૂનો ધંધો છોડયો અને અભ્યાસ કરી બેન્ક મેનેજર થયો છે. આ પ્રકારે અનેક પોલીસ અધિકારીઓએ કાયદાને જડતાને વળગી રહેવાને બદલે કાયદાની સામે માણસની જીંદગીને વધુ મહત્વ આપ્યુ છે જેના કારણે  અનેકોના જીવન ફરી પાટે ચઢયા છે. આવી જ એક ઘટના 2015માં વડોદરામાં ઘટી હતી. વડોદરા ક્રાઈમબ્રાન્ચના તત્કાલીન પોલીસ ઈન્સપેકટર વી જે રાઠોડ નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમણે એક સોફટવેર એન્જીનિયરને દારૂ પીધેલો ઝડપ્યો હતો. પણ આ એન્જીનિયરની વ્યથા સાંભળી તેની સામે કેસ કરવાને બદલે તેની જીંદગીને ફરી પાટે ચઢાવવામાં મદદ કરી હતી.

હાલમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા વી જે રાઠોડ 2015માં વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા તે દિવસે તેમની નાઈટ ડયુટી હતી. તેઓ પોતાના સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગ કરતા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે કારેલીબાગ પાણીની ટાંકી પાસેના ચાર રસ્તા ઉપર એક કાર ઉભી રહેલી જોઈ. કાર પાર્ક હતી, કારનો ડ્રાઈવર ડ્રાઈવીંગ સીટ લાંબી કરી સુઈ રહ્યો હતો. કારના દરવાજાના વીન્ડો ગ્લાસ પણ ખુલ્લા હતા. કારની પાછળની સીટમાં લેપટોપ બેગ પણ જોઈ શકાતી હતી.

આ દર્શ્ય જોતા ઈન્સપેકટરે પોતાની જીપ ઉભી રાખી.જીપ ઉભી રહેતા તેમણે પોતાના સ્ટાફને કાર ચાલકને ઉઠાડી બોલાવવા કહ્યુ. પોલીસ કોન્સટેબલ કાર પાસે ગયો અને તેણે ચાલકને ઉઠાડયો. કાર ચાલકે પોલીસ અને પોલીસની જીપ જોતા તેના હોશ ઉડી ગયા હતા. કોન્સટેબલે જીપ તરફ ઈશારો કરી કહ્યુ- સાહેબ બોલાવે છે. યુવાન કાર ચાલક કારની બહાર આવ્યો. તેણે પોતાના કપડાં સરખા કરવાનો અને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. તે જીપ પાસે આવ્યો. ઈન્સપેકટર રાઠોડ પોતાની જીપમાં જ બેઠા હતા. તેમણે યુવાન કાર ચાલકને ઉપરથી નીચે જોયો. તેના કપડાં અને તેના પગમાં રહેલા બુટ યુવક શિક્ષીત હોવાની ચાડી ખાતા હતા.

ઈન્સપેકટર રાઠોડે યુવકને પુછયુ- કેમ  ભાઈ આ રીતે જાહેર રસ્તા ઉપર કાર પાર્ક કરીને સુઈ રહ્યા છો. રાઠોડનો સવાલ સાંભળી ફફડી ગયેલો યુવક જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ ડરમાં તેની જીભ થોથવાઈ રહી હતી. જે કોન્સટેબલ ચાલકને બોલાવવા ગયો હતો તે પણ જુનો પોલીસવાળો હતો. તે ક્ષણમાં સ્થિતિ પારખી ગયો હતો. તેણે ઈન્સપેકટર રાઠોડને ઈશારો કરી કહ્યુ યુવકે દારૂ પીધો છે. રાઠોડે યુવક સામે જોતા પુછયુ દારૂ પીધો છે? વાકય સાંભળતા યુવકના ચહેરા ઉપર લાચારી અને આંખમાં આંસુ ધસી આવ્યા. તે કઈ જવાબ આપી શકયો નહીં. રાઠોડ તેની સામે જોતા રહ્યા.

યુવકે વિનંતીના સ્વરમાં કહ્યુ સાહેબ ભુલ થઈ ગઈ. હું સોફટવેર એન્જીનિયર છુ. જે કંપનીમાં નોકરી હતી,તે નોકરી મહિના પહેલા છુટી ગઈ છે. ડીપ્રેશનમાં આવી ગયો. મારી સ્થિતિ જોઈ મિત્ર મને કહ્યુ બે પેગ લઈ લે. સારૂ લાગશે. એટલે મેં દારૂ પીધો, પણ હવે  આ સ્થિતિમાં ઘરે જઈશ તો પત્ની સાથે ઝઘડો થશે. એક તરફ નોકરી નથી અને બીજીતરફ ઘરે કંકાસ થશે. તેના કારણે અહિયા જ સુઈ ગયો હતો. વર્ષોથી પોલીસમાં નોકરી કરતા રાઠોડને યુવકના શબ્દોમાં સચ્ચાઈ લાગી રહી હતી. યુવકે સામેની સોસાયટી તરફ ઈશારો કરતા કહ્યુ સામેની સોસાસટીમાં જ મારૂ ઘર છે.

રાઠોડ વિચાર કરવા લાગ્યા. પછી તેમણે કહ્યુ ચિંતા કરીશ નહીં. આપણે કઈક રસ્તો કરીશુ. તેમણે યુવકને સલાહ આપી. હવે આવુ કરીશ નહીં. આવતીકાલે મને ક્રાઈમ બ્રાન્ચમાં આવી મળજે અત્યારે ઘરે જા. યુવકે હાથ જોડયા,કારણ તેની પાસે પોલીસ આવો વ્યવહાર કરશે તેવી કલ્પના જ ન્હોતી. યુવકે કાર ચાલુ કરી અને પોતાની સોસાયટી તરફ ગયો. તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા સુમસામ હતા. પણ રાઠોડ તેને ઘરે જતા જોઈ રહ્યા હતા. બીજા દિવસે આ યુવક સંકોચ સાથે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવ્યો. રાઠોડના ચહેરા ઉપર સ્મીત હતું. યુવકને બેસાડયો. તેના હાથમાં એક સોફટવેર કંપનીનું કાર્ડ મુકતા કહ્યુ મેં આ કંપનીમાં વાત કરી છે. તને નોકરી મળે તેવો પ્રયત્ન કર્યા છે.

યુવક પોતાના આંસુ રોકી શકયો નહીં. નોકરી છુટી ગયા પણ તેની નજર સામે અંધકાર છવાઈ ગયો હતો. અનેક ખરાબ વિચારો તેને રોજ ઘેરી વળતા હતા. ત્યારે એક પોલીસ અધિકારીએ તેની નોકરી માટે પ્રયત્ન કર્યો હતો. યુવક સીધો  પોતાના સીવી સાથે કંપનીમાં પહોંચ્યો. તે જ સાંજે તે ફરી ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવ્યો ત્યારે તેના હાથમાં પેંડાનું બોકસ હતું. કારણ રાઠોડની ભલામણ પછી તેને નોકરી મળી ગઈ હતી. રાઠોડ માટે આ યુવક સામે નશો કરવાનો કેસ કરવો બહુ સામાન્ય બાબત હતી. પણ રાઠોડે જીંદગીને આઉટ ઓફ બોકસ વિચારી અને એક નિરાશ યુવકને જીવવા ફરી બળ મળ્યુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp