અમરેલીમાં સહકાર પંચોત્સવ: APMC સહિત 185 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા PM મોદી

PC: pib.nic.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે મક્કમ છે. સમાજ, સહકાર અને સરકારના સંકલિત પ્રયત્નોથી આ શક્ય બનશે. આ માટે તેમણે મધમાખીની ખેતીને વ્યાપક રીતે પ્રચલિત બનાવી મધુક્રાંતિ સર્જવાનું નવતર આહ્વાન કર્યું છે.

અમરેલી ખાતે સહકારી પ્રવૃતિને લગતા વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, ભારત દેશ શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિના તબક્કા જોયા છે.

જેમાં કૃષિ અને કૃષિ ક્લ્યાણની વ્યાપક શરૂઆત થઇ હતી. હવે સરકાર વાદળી ક્રાંતિ એટલે સાગરકાંઠાનો બહુલક્ષીય વિકાસ. ગુજરાતના 1600 કિલોમિટર લાંબા સાગરતટ ઉપર આ ક્રાંતિની વિપૂલ માત્રામાં તકો રહેલી છે. આ માટે સરકાર બંદરો, પોર્ટ લેન્ડ અને કોસ્ટલ હદયોની માળખાગત સુવિધાઓ વધારી રહી છે. આટલું જ નહી, મત્સ્યઉદ્યોગને પણ તેમાં આવરી લેવામાં આવ્યો છે.

હવે મધુક્રાંતિ લાવવી પડશે તેમ ભારપૂર્વક કહેતા PM મોદીએ ઉમેર્યું કે, ખેડૂતોની આર્થિક સમૃધ્ધિ માટે તેમણે ઓછી આવક આપતી જુની પધ્ધતિને છોડવી પડશે અને આધુનિક – વૈજ્ઞાનિક ઢબની ખેતી કરવી પડશે. એક મુખ્ય પાક સાથે ગૌણ પાકો લેવા પડશે.

ઉક્ત બાબતોને ઉદાહરણ સહ સમજાવતા વડાપ્રધાને જણાવ્યું કે, ખેડૂતો પોતાની વાડી કે ખેતરના શેઢે વાડ રાખે છે તેના બદલે જો ટીમ્બર -ઇમારતી લાકડું વાવવામાં આવે તો અમુક વર્ષો પછી ખેડૂતોને મોટી આવક થઇ શકે છે. વળી, આપણે જો વિદેશમાંથી લાકડાની આયાત કરીએ છીએ તે પણ ઓછી થશે. કેન્દ્ર સરકાર ઇમારતી લાકડુ વેચવામાં જંગલ વિભાગ તરફથી કોઇ કનડગત ન રહે તેવો કાયદો લાવવા વિચારી રહી છે.

આ ઉપરાંત ખેડૂતો માટે કૃષિ સોલાર ખેતીની યોજના અમલમાં છે. ખેડૂતો પોતાની વાડીએ સોલાર પમ્પ મુકશે તો તેનો વિજળીનો ખર્ચ બચશે. વડાપ્રધાનશ્રી મોદીએ સહકારી પ્રવૃતિના માધ્યમથી મધની ખેતી કરવાનું પ્રેરક સુચન કરતા જણાવ્યું કે, મધની ખેતી કરવાથી પણ ખેડૂતોને વર્ષે દહાડે રૂ. 2 લાખની આવક થઇ શકે તેમ છે. વળી, તેના વિવિધ ઘરેલું ઉપયોગ થઇ શકે તેમ છે.

નર્મદા ડેમના લોકાર્પણ પ્રસંગનો ઉલ્લેખ કરી વડાપ્રધાને કહ્યું કે, પાણીમાં લોકકલ્યાણની તાકાત છે. પણ તેનો સદ્દઉપયોગ કરવો એ આપણી ફરજ છે. કૃષિમાં ટપક સિંચાઇનો ઉપયોગ કરવો જોઇએ. દેશામાં જે સુક્ષ્મ સિંચાઇ થાય છે, તે પૈકી 25 ટકા ગુજરાતમાં થાય છે જે સારી બાબત છે. હજુ તેનો વિસ્તાર વધારવો પડશે.
કૃષિ પાકોનું મૂલ્યવર્ધન કરવાની હિમાયત કરતા વડાપ્રધાને કહ્યું કે, કૃષિ અને પશુપાલનમાં જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતોને વધુ આવક મળશે. સરકાર દ્વારા આગામી નવેમ્બર માસમાં વિદેશી કંપનીઓને ભારતમાં આમંત્રણ આપી કૃષિ પાકો – પશુ પાલનમાં મૂલ્ય વધવા અંગે ખેડૂતોને તાલીમબધ્ધ કરાશે. પશુપાલનમાં મહિલાઓ વધુ સાંકળી લેવામાં આવશે.

PM મોદીએ જણાવ્યું કે, ખેડૂતોની સમૃધ્ધિ અને ગ્રામિણ અર્થતંત્રને ધબકતુ કરવા સરકાર મજબુતાઇથી આગળ વધી રહી છે. નવી કૃષિ વિમા યોજનાથી ખેડૂતોને ફાયદો થશે.

વડાપ્રધાને અમરેલી જિલ્લામાં સહકારી સમૃધ્ધ અને સુગ્રથિત માળખાની પ્રશંસા કરી કહ્યું કે, અમરેલીના એ.પી.એમ.સી.ના નવતર પ્રોજેકટો અને ડેરીના નવા પ્રકલ્પોને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર રૂપિયા 400 લાખની સહાય આપશે તેવી જાહેરાત પણ કરી હતી. સકહારીક્ષેત્રે નવી પેઢીના નેતૃત્વ અને પહેલની PM મોદીએ સરાહના કરી હતી.

વડાપ્રધાને અમરેલીને વર્ષોથી થતાં રહેતા અન્યાયનો ઉલ્લેખ કરી કહ્યું કે, તેઓ જેવા દિલ્હી ગયા કે તુરંત અમરેલીને બ્રોડગેઇજ રેલ્વે લાઇન અને નેશનલ હાઇવે મળ્યા છે.

દેશના લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ ખાતે સમારોહ સમારંભમાં આવી પહોચતા જ ઉપસ્થિત વિશાળ મેદનીએ વડાપ્રધાનનું અદકેરૂં અભિવાદન કર્યુ હતુ અને ઉત્સાહ અને ઉમંગથી આવકારેલ હતા. વડાપ્રધાન થયા બાદ અમરેલી જિલ્લામાં પ્રથમ વખત જ પધારેલ હોવાથી લોકોમાં સ્વયંભુ અનેરો થનગનાટ જોવામળતો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાને સતત બીજા વર્ષે તેમનો જન્મ દિવસ ગુજરાતમાં વિકાસના કામોના લોકાર્પણ વચ્ચે ઉજવ્યો એ ગૌરવ પૂર્ણ બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાડા છ કરોડ લોકોની લાગણીને માન આપીને ગુજરાતની જીવાદોરી નર્મદા પર સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યું છે. વર્ષોથી નર્મદા ડેમનું કામ આગળ વધતું ન હતુ. અનેક વિઘ્ન છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રઢ ઇચ્છાશક્તિને લીધે નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી અને આજે આ ડેમ દેશને સમર્પિત થતાં ગુજરાતમાં સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્રમાં હવે પાણીનો દુકાળ નહીં પડે અને છેલ્લા ૧૭ વર્ષના અથાગ પ્રયાસો બાદ હવે પાણી સર્વત્ર મળતું થશે અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના ખેડુતોનો ઉદ્ધાર થશે. મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતની જનતા વતી વડાપ્રધાનશ્રીને જન્મદિનની શુભકામના પાઠવી હતી.

ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ માટે અનેક નિર્ણયો લીધા છે. અમરેલી ડેરીનું યોગદાન રાજ્યની શ્વેતક્રાંતિમાં મહત્વનું રહેશે. ગુજરાતમાં દૂધ-ઘીની નદીઓ વહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને ભગીરથ પ્રયાસો કર્યા છે.

અમરેલી જિલ્લો વિકાસમાં પાછળ રહી ન જાય, ખેડૂતોની સમૃદ્ધિ આગળ વધે અને પશુપાલકોને ફાયદો થાય તે માટે અનેક વિકાસ કાર્યો સંપન્ન થયા છે અને બીજા ધણા કાર્યો પ્રગતિમાં છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુવર્ણ જયંતિની ઉજવણીની શરૂઆત ગુજરાતમાં અમરેલીથી કરી હતી તેને યાદ કરતા કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરષોત્ત રૂપાલાએ જણાવ્યું કે, પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજભાઇ મહેતા હતા એટલે અમરેલીથી આ સુવર્ણયાત્રા યોજી હતી. જિલ્લામાં રેલ્વે લાઇનને ધબકતી કરવા માટેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. અમરેલી જિલ્લાને બોડગ્રેજ લાઇન મળી છે, આ કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ થનાર છે અને જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિકાસકામો પણ પૂર્ણ થયા છે.

કેન્દ્રીય રાજય માર્ગ અને પરિવહન મંત્રી મનસુખ માંડવીયાએ આ તકે જણાવ્યું હતું કે, નર્મદા નીર સમગ્ર ગુજરાતને મળ્યા. સૌરાષ્ટ્ર-કચ્છની સૂકી ધરતી પર નર્મદાના પાણી આવતા સ્વપ્નો સાકાર થયા છે. પાઇપલાઇન આવતા પાણી સંબંધિત કાયમી પ્રશ્નોનું નિવારણ થયું. દ્રષ્ટિવાન નેતૃત્વને લીધે ડેમ પાણીથી ભરેલા રહે છે. ખેડૂતોની આવક ડબલ કરવા નવો ભગીરથ પ્રયાસ એટલે નર્મદા નીર સૌરાષ્ટ્ર-કચ્છના આંગણે. જનધન યોજના અંતર્ગત થયેલ કામગીરીની વિગતો મંત્રી માંડવીયાએ આપી હતી.

મધમાખી, મધ ઉછેર ક્ષેત્રે અમરેલીનું ભાવિ ઉજ્જવળ થશે તેવી અભિલાષા વ્યકત કરતા નાસ્કોબ અને ગુજકોમાસલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં દૂધના માધ્યમથી રોજગારીની ઘણી મોટી તકો રહેલી છે. સહકારના માધ્યમથી ડેરી ઉભી કરવાનો શ્રેય અને ગૌરવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે. તેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખૂબ જ સકારાત્મક અભિગમ સાથે પ્રોત્સાહન પૂરી પાડી મંજૂરી આપી હતી.

સમારોહમાં આવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરેલા અને 45 એકર જમીનમાં 125 કરોડના ખર્ચે આકાર પામેલ અદ્યતન માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં અમર ડેરી ખાતેના નવા પ્લાન્ટનું લોકાર્પણ તેમજ આઇસ્ક્રીમ પ્લાન્ટ તથા મધ ઉછેર કેન્દ્રનું ભૂમિપૂજન પણ સંપન્ન કર્યું હતુ.

વડાપ્રધાન મોદીએ સમારોહ સ્થળ ખાતેથી 550.17 લાખના ખર્ચે તૈયાર થયેલા ડેરી સાયન્સ કોલેજનું લોકાર્પણ અને 15 કરોડના ખર્ચે તૈયાર થયેલ અકાળા-દુધાળા ગામ પાસે 200 વિઘા જમીનમાં તૈયાર કરવામાં આવેલ3 તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ તકે સહકાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ, મંત્રી બાબુ બોખિરીયા, ચીમનભાઇ સાપરિયા, આત્મારામ પરમાર જયેશ રાદડીયા,  જયંતિ કવાડીયા, વી. વી. વઘાસીયા, જશાભાઇ બારડ, નાનુ વાનાણી, સાંસદ નારણ કાછડીયા, રાજેશ ચુડાસમા, મોહન કુંડારીયા, પૂનમબેન માડમ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંસદીય સચિવ હિરા સોલંકી, ધારાસભ્ય બાવકુ ઉંધાડ, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા, માર્કેટયાર્ડના ચેરેમન પી.પી.સોજીત્રા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, અગ્રણી સવજી ધોળકીયા તથા અધિકારી-કર્મચારીઓ, મહાનુભાવો તેમજ અમરેલી જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp